<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ઈરાનના આકાશમાં રહસ્યમય કાળો જાદુ કે એલિયન? તેહરાન પર 'UFO' ઉડતું હોવાનો દાવા સાથે તેજસ્વી પ્રકાશનો વીડિયો વાયરલ, અટકળોનું બજાર ગરમ!

અંધારા આકાશમાં શંકાસ્પદ ચમકતી વસ્તુ ગતિ કરતી દેખાતાં સોશિયલ મીડિયા પર ખળભળાટ: ૧૯૭૬ની ઐતિહાસિક UFO ઘટના સાથે સરખામણી, પરંતુ સત્ય કંઈક અલગ જ હોવાની શક્યતા

તેહરાન : ઈરાનની રાજધાની તેહરાનના રાત્રિના આકાશમાં એક અત્યંત તેજસ્વી અને રહસ્યમય પ્રકાશ ગતિ કરતો જોવા મળતાં જ સમગ્ર વિસ્તાર સહિત સોશિયલ મીડિયા પર ભારે અફરાતફરી અને આશ્ચર્યનો માહોલ સર્જાયો છે. ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર આ ઘટનાના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં અંધારા આકાશમાં એક અજાણી વસ્તુ (Unidentified Flying Object - UFO) તીવ્ર ઝડપે ઉડતી નજરે પડે છે. આ દ્રશ્યો સામે આવ્યા બાદ ઈરાનના આકાશમાં આખરે શું ઉડી રહ્યું હતું તે અંગે લોકોમાં જાતજાતની અટકળો શરૂ થઈ ગઈ છે.

 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વાયરલ થયેલી વિગતો અનુસાર, આ ઘટના તેહરાનના આઝાદેગન વિસ્તાર નજીક બની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં અંધારા પૃષ્ઠભૂમિ સામે અનેક તેજસ્વી રોશની તરતી દેખાય છે. જોકે, ફૂટેજની ગુણવત્તા અને ચોક્કસ લોકેશન ડેટાના અભાવે આ વસ્તુ ડ્રોનનું જૂથ છે, કોઈ અત્યાધુનિક લશ્કરી વિમાન છે કે પછી LED લાઈટો વાળું પતંગ, તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. ઈરાનના નાગરિક ઉડ્ડયન કે સૈન્ય અધિકારીઓએ પણ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

 

અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધના તણાવ વચ્ચે ઘટનાથી ભયનો માહોલ

 

હાલમાં ઈરાન, યુનાઈટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) વચ્ચે યુદ્ધનો ભારે તણાવ ચાલી રહ્યો છે. ઈરાની સૈન્ય અને અમેરિકા વચ્ચે એકબીજાને જોઈ લેવાની ધમકીઓ આપાઈ રહી છે તેવા સમયે જ આ શંકાસ્પદ પ્રકાશ દેખાતાં સ્થાનિક નાગરિકોમાં કોઈ લશ્કરી હુમલાનો ભય પણ વ્યાપી ગયો હતો.

 

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાની સરખામણી ૧૯૭૬માં તેહરાન ઉપર જ દેખાયેલા ચર્ચિત 'UFO' સાથે કરવામાં આવી રહી છે, જે સમયે ઈરાની એફ-૪ ફાઈટર જેટે તેનો પીછો કર્યો હતો. જોકે, નિષ્ણાતોના મતે ૧૯૭૬ની ઘટના અને વર્તમાન વીડિયો વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. હાલ પૂરતું, તેહરાનનું આ રહસ્યમય દ્રશ્ય એક વણઉકેલાયેલી ઘટના બનીને રહી ગયું છે.

(5:57 PM IST)