તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
મ્યાનમાર ડ્રોન ટ્રેનિંગ કેસ: દિલ્હી કોર્ટે ૬ યુક્રેનિયન અને એક અમેરિકન નાગરિકને વિદેશ પ્રવાસ માટે લીલી ઝંડી આપી!
"વિદેશ પ્રવાસ કરવો એ મૂળભૂત અધિકાર": UAPA કેસમાં નિર્દોષ છૂટેલા વિદેશી નાગરિકોને શરતોને આધીન સ્વદેશ પરત ફરવાની એનઆઈએ કોર્ટે આપી મંજૂરી

દિલ્હી : મ્યાનમારમાં સક્રિય વંશીય સશસ્ત્ર જૂથોને ડ્રોન વોરફેર અને ડ્રોન એસેમ્બલિંગની તાલીમ આપવાના ચકચારી કેસમાં દિલ્હીની એનઆઈએ (NIA) કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમ (UAPA) હેઠળ ધરપકડ કરાયેલા ૬ યુક્રેનિયન અને ૧ અમેરિકન નાગરિકને કોર્ટે વિદેશ પ્રવાસ કરવાની અને પોતપોતાના દેશમાં પરત ફરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. દિલ્હી કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટપણે ટાંક્યું હતું કે વિદેશ પ્રવાસ કરવો એ માનવજીવનનો મૂળભૂત અધિકાર છે.
એનઆઈએના વિશેષ ન્યાયાધીશ પ્રશાંત શર્માએ આ કેસની સુનાવણી કરતી વખતે નોંધ્યું હતું કે કોર્ટે પહેલાથી જ છ યુક્રેનિયન નાગરિકોને ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટની કલમ ૨૧ અને ૨૩ હેઠળના તમામ આરોપોમાંથી મુક્ત કરી દીધા છે. આ ઉપરાંત, આ જ કેસમાં આરોપી અમેરિકન નાગરિક મેથ્યુ એરોન વાન ડાઇકને પણ ૧૮ અને ૨૫ સપ્ટેમ્બરના રોજ કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં જ ડિફોલ્ટ જામીન મળ્યા બાદ હવે તમામ સાતેય વિદેશી નાગરિકોને ચોક્કસ કાનૂની શરતોને આધીન ભારત છોડીને સ્વદેશ જવાની છૂટ આપવામાં આવી છે.
ડ્રોન વોરફેર અને ટેરર ફંડિંગના આરોપ હેઠળ NIA કરી રહી હતી તપાસ
ઉલ્લેખનીય છે કે, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા મ્યાનમાર સ્થિત વંશીય સશસ્ત્ર જૂથોને ડ્રોન ઓપરેશન, ડ્રોન જામિંગ ટેકનીક અને ડ્રોન એસેમ્બલિંગ સંબંધિત ઘાતક તાલીમ આપવાના આક્ષેપ હેઠળ આ વિદેશીઓની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, એજન્સીએ ૮ સપ્ટેમ્બરના રોજ દાખલ કરેલી પોતાની પ્રથમ ચાર્જશીટમાં પ્રાથમિક તબક્કે UAPAની કલમો લાગુ કરી ન હતી, પરંતુ કથિત ટેરર ફંડિંગ અને અન્ય આતંકવાદી ગુનાઓની ઊંડાણપૂર્વક તપાસ માટે કોર્ટ પાસે ૧૮૦ દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે તમામ કાનૂની પાસાઓની સમીક્ષા કર્યા બાદ આખરે નિર્દોષ જાહેર થયેલા આરોપીઓને વતન પરત ફરવાનો માર્ગ મોકળો કર્યો છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
