News of Tuesday, 21st July 2026
"મારો પગાર તો કહેવા લાયક પણ નથી રહેતો!": લારી પર મેગી અને છોલે કુલચે વેચતા યુવકની મહિનાની કમાણી રૂ. ૧.૫ લાખ; કન્ટેન્ટ ક્રિએટરનો વીડિયો વાયરલ!
કન્ટેન્ટ ક્રિએટર કોમલ નેગીએ સોશિયલ મીડિયા પર શેર કરી અનોખી વાતચીત: રોડસાઇડ ફૂડ સ્ટોલ ચલાવતા યુવકની તગડી આવક સાંભળી કોર્પોરેટ કર્મચારીઓ અને નેટીઝન્સ પણ આશ્ચર્યચકિત!

નવી દિલ્હી, તા.૨૧: આજના ડિજિટલ યુગમાં ક્યારે કયો વીડિયો વાયરલ થઈ જાય અને ચર્ચાનો વિષય બની જાય તે કહેવું મુશ્કેલ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો ખૂબ ધૂમ મચાવી રહ્યો છે, જેણે દેશમાં 'કોર્પોરેટ નોકરીઓ વિરૂદ્ધ સ્વરોજગાર' અંગે નવી ચર્ચા જગાવી દીધી છે. કન્ટેન્ટ ક્રિએટર કોમલ નેગી દ્વારા શેર કરાયેલા આ વાયરલ વીડિયોમાં રસ્તાની બાજુમાં લારી ચલાવતા એક સામાન્ય યુવકની અસામાન્ય કમાણી વિશે ખુલાસો થયો છે.
વીડિયોમાં જોવા મળે છે કે કોમલ નેગી રસ્તાના કિનારે મેગી, છોલે કુલચે અને અન્ય ખાદ્ય પદાર્થો વેચતા એક યુવક પાસે પહોંચે છે અને તેની સાથે વાતચીત કરે છે. વાતચીત દરમિયાન જ્યારે યુવકે જણાવ્યું કે તે પોતાના આ નાના ફૂડ સ્ટોલમાંથી દર મહિને અંદાજે રૂ. ૧.૫ લાખ કમાઈ લે છે, ત્યારે કન્ટેન્ટ ક્રિએટર પોતે આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ સાંભળીને તે હસી પડી હતી અને રમુજી અંદાજમાં બોલી હતી, "મારો પગાર તો આની સામે કહેવા લાયક પણ નથી રહ્યો!"
"લારી ચલાવવામાં શું રાખ્યું છે? વિચાર બદલવાનો સમય આવી ગયો છે"
કોમલ નેગીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લોકો માટે એક સંદેશ પણ લખ્યો હતો. તેણીએ લખ્યું, "જે લોકો એવું વિચારે છે કે રસ્તા પર લારી ચલાવવાથી શું થાય? જો તમે પણ એવું વિચારતા હોવ તો આ વીડિયો જોઈને પ્લીઝ તમારો દ્રષ્ટિકોણ બદલી નાખો." નાના દેખાતા આ બિઝનેસની તગડી કમાણી જોઈને ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા કોર્પોરેટ કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.
નેટીઝન્સની ક્રેઝી પ્રતિક્રિયાઓ અને ટ્રોલિંગ
આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે અલગ-અલગ અને રમુજી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કરી દીધું છે:
· એક યુઝરે રમુજી અંદાજમાં લખ્યું, "મને પણ તારી સાથે કામ પર રાખી લે ને!"
· બીજા એક યુઝરે કમેન્ટ કરી, "મને તો હવે પરાણે લારી શરૂ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યો છે."
· જ્યારે અન્ય એક યુઝરે વાસ્તવિકતા દર્શાવતા લખ્યું, "બસ એક અઠવાડિયું ત્યાં તડકામાં, વરસાદમાં ઊભા રહી જુઓ અને પોલીસ કે સ્થાનિક દાદાઓનો સામનો કરો... તમારો વિચાર તરત બદલાઈ જશે!"
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
