<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

યુવાનો પર અત્યાચાર જોઈ દિલ પીગળી ગયું : જો આ ખાતરી મળે તો પારણા કરવા તૈયાર :સોનમ વાંગચુકે ભાવુક વીડિયો મેસેજ શેર કર્યો

સતત 25 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે વીડિયોમાં તેમણે પોતાની બગડતી તંદુરસ્તી વિશે જણાવતા કહ્યું કે, નમસ્કાર સાથીઓ, હું હજુ પણ જીવંત છું.

શિક્ષણ પ્રણાલી અને વિદ્યાર્થીઓના અધિકારો માટે સતત 25 દિવસથી ભૂખ હડતાળ પર બેઠેલા જાણીતા સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે હોસ્પિટલના પલંગ પરથી એક ભાવુક વીડિયો મેસેજ શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે પોતાની બગડતી તંદુરસ્તી વિશે જણાવતા કહ્યું કે, નમસ્કાર સાથીઓ, હું હજુ પણ જીવંત છું.

વાંગચુકે જણાવ્યું કે 25 દિવસના સતત ઉપવાસના કારણે તેમનું વજન લગભગ 11 કિલો જેટલું ઘટી ગયું છે અને શરીરના સ્નાયુઓ પણ નબળા પડવા લાગ્યા છે. સફદરજંગ હોસ્પિટલથી ગુડગાંવની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ પણ તેમનું મનોબળ ડગ્યું નથી. તેમણે શાંતિપૂર્ણ આંદોલન કરી રહેલા યુવાનો અને વિદ્યાર્થીઓની હિંમતને બિરદાવી હતી, જેમણે પોલીસની લાઠીઓ ખાવા છતાં હિંસાનો સહારો લીધો ન હતો.

પોતાના વીડિયો સંદેશમાં વાંગચુકે સ્પષ્ટ કર્યું કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા નિષ્દોષ યુવાનો પર જે રીતે બળપ્રયોગ કરવામાં આવ્યો, તે જોઈને તેમનું દિલ પીગળી ગયું હતું. આ જ કારણસર તેમણે પોતાનું અનશન ચાલુ રાખવાનો નિર્ણય લીધો હતો.

વાંગચુકે વધુમાં ઉમેર્યું કે, સત્તાધારી પક્ષના મંત્રીઓ સહિત અનેક નેતાઓ તેમની મુલાકાતે આવ્યા છે અને તેમને અનશન આટોપી દેશસેવામાં પાછા ફરવા અપીલ કરી રહ્યા છે. તેઓ પોતે પણ પોતાના કામ પર પાછા ફરવા ઈચ્છે છે.

પરંતુ તેમણે સરકાર સમક્ષ એક જ મુખ્ય અપીલ મૂકી છે કે, આંદોલન કરી રહેલા નિર્દોષ વિદ્યાર્થીઓ પર બળપ્રયોગ ન કરવામાં આવે અને તેમની સામે કોઈ કાયદાકીય કાર્યવાહી કે FIR નોંધવામાં ન આવે. જો સરકાર તરફથી આ બાબતનું નક્કર આશ્વાસન આજે જ મળી જશે, તો તેઓ નેતાઓની અપીલને માન આપીને આજે જ પોતાના અનશન તોડી દેશે.

(10:36 PM IST)