તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
ડિજિટલ ફૂટપ્રિન્ટમાં ફસાયા હત્યારાઓ: ચંદ્રનાથ રથ હત્યા કેસમાં એક UPI પેમેન્ટે ખોલી દીધા હાઈટેક મર્ડરના રહસ્યો!
પૂર્વ વાયુસેના જવાન અને સુવેન્દુ અધિકારીના અંગત સહાયકની હત્યા પાછળનું આંતરરાજ્ય કાવતરું ઉઘાડું: ટોલ પ્લાઝા પરની એક નાનકડી ભૂલ શાર્પશૂટરોને બિહાર અને ઉત્તર પ્રદેશના ખૂણેથી ખેંચી લાવી જેલના સળિયા પાછળ

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના અત્યંત નજીકના ગણાતા ચંદ્રનાથ રથની હત્યાએ સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી હતી, પરંતુ આ હાઈ-પ્રોફાઈલ કેસને ઉકેલવામાં પશ્ચિમ બંગાળ પોલીસને મળેલી સફળતા કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. 6 મેની રાત્રે મધ્યમગ્રામમાં જ્યારે રથની ગોળી મારીને હત્યા કરવામાં આવી, ત્યારે હત્યારાઓએ અત્યંત સાવધાની રાખી હતી અને 'લશ્કરી શૈલી'ની ચોકસાઈ સાથે હુમલો કર્યો હતો. જોકે, ગુનેગારોની એક નાનકડી ટેકનિકલ ભૂલે પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) માટે રસ્તો સાફ કરી દીધો. નિવેદિતા સેતુ પરના ટોલ પ્લાઝા પર FASTag અથવા રોકડના બદલે શંકાસ્પદ દ્વારા કરવામાં આવેલી UPI ચુકવણી તપાસમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ. આ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને કારણે પોલીસને એક મોબાઈલ નંબર મળ્યો, જેના આધારે આખા આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ થયો.
તપાસ દરમિયાન SITની ટીમોએ પાંચ રાજ્યો—બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ધામા નાખ્યા હતા. ડિજિટલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની મદદથી પોલીસે બિહારના બક્સરથી મયંક રાજ મિશ્રા અને વિક્કી મૌર્યની ધરપકડ કરી, જ્યારે ઉત્તર પ્રદેશના અયોધ્યાથી મુખ્ય કાવતરાખોર ગણાતા રાજ સિંહને દબોચી લીધો. પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા માટે ઝારખંડથી લાવવામાં આવેલી સિલ્વર હેચબેક અને નકલી નંબર પ્લેટવાળી મોટરસાયકલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રાજ સિંહ લોજિસ્ટિક્સ પૂરા પાડવા અને શૂટરોને છુપાવવાની વ્યવસ્થા કરવામાં સામેલ હતો, જેણે આ પૂરા ઓપરેશનને પ્રોફેશનલ રીતે અંજામ આપવા માટે નેટવર્ક તૈયાર કર્યું હતું.
હાલમાં પોલીસ આ હત્યા પાછળના મુખ્ય હેતુ અને આ હત્યા પાછળ કોનો હાથ છે તે શોધવા માટે ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. અધિકારીઓએ કોલકાતા એરપોર્ટ અને બારાસત નજીકથી હત્યામાં વપરાયેલા વાહનો પણ જપ્ત કર્યા છે, જે તમામ પર નકલી ઓળખપત્રો અને નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. તપાસકર્તાઓ માને છે કે આ ગુનામાં હજુ પણ ઓછામાં ઓછા પાંચ અન્ય શંકાસ્પદો ફરાર છે, જેમની શોધ માટે ટેકનિકલ ડેટા અને 'ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ'નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કેસ એ વાતનો પુરાવો છે કે આજના ડિજિટલ યુગમાં ગુનેગાર ભલે ગમે તેટલી સાવધાની રાખે, પણ એક નાનકડી ઓનલાઈન એન્ટ્રી તેને કાયદાના શિાકંજામાં લાવી શકે છે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
