<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મુંબઈની રણચંડી! મંત્રી ગિરીશ મહાજન સામે મહિલાનો આક્રોશ: “મેદાનમાં જઈને ભાષણ ઠોકો, રસ્તો કેમ રોકો છો?”, વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું

ટ્રાફિકમાં ફસાયેલી મહિલાની મંત્રી સાથે સીધી ટક્કર: મંત્રીએ માફી માંગી પણ મહિલાની ‘ભાષા’ સામે ઉઠાવ્યા સવાલ, સોશિયલ મીડિયા પર જનતા બે પક્ષમાં વહેંચાઈ

મુંબઈ, તા.૨૨: મુંબઈના વ્યસ્ત રસ્તાઓ પર રાજકીય મોરચો કાઢવો ભાજપના મંત્રી ગિરીશ મહાજનને ભારે પડી ગયો છે. લોકસભામાં મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ વિરુદ્ધ યોજાયેલા ‘જન આક્રોશ મોરચા’ દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલી એક મહિલાનો મંત્રી સાથેનો મુકાબલો અત્યારે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાએ રસ્તા વચ્ચે જ મંત્રીને ખખડાવી નાખતા પૂછ્યું હતું કે, “તમારે જે કહેવું હોય તે ખાલી મેદાનમાં જઈને કહો, અહીં ટ્રાફિક કેમ રોકો છો?”
શું હતો સમગ્ર મામલો?
મુંબઈમાં જ્યારે મોટી સંખ્યામાં મહિલાઓ વરલી તરફ કૂચ કરી રહી હતી, ત્યારે રસ્તાઓ બ્લોક થઈ ગયા હતા. આ દરમિયાન એક મહિલા મુસાફરનો ધીરજ ખૂટી ગઈ હતી. વાયરલ વીડિયોમાં મહિલા મંત્રી ગિરીશ મહાજનને કહેતી સંભળાય છે કે, “ત્યાં સેંકડો લોકો રાહ જોઈ રહ્યા છે, નજીકમાં જ ખાલી મેદાન છે તો ત્યાં જઈને પ્રદર્શન કરો, લોકોની મુશ્કેલી કેમ વધારો છો?” મહિલાના આ તેવર જોઈને મંત્રી પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
મંત્રી ગિરીશ મહાજનનો બચાવ અને સ્વીકાર
આ ઘટના બાદ મંત્રી ગિરીશ મહાજન સામે આવ્યા હતા અને પોતાનો પક્ષ રાખ્યો હતો. તેમણે સ્વીકાર્યું કે મહિલાની હતાશા સમજી શકાય તેવી છે કારણ કે તે મોડી પડી રહી હશે. મહાજને કહ્યું, “મેં વ્યક્તિગત રીતે તે મહિલાની માફી માંગી હતી અને ૧૦ મિનિટમાં રસ્તો ખાલી કરવાની ખાતરી આપી હતી. પરંતુ, વિરોધ પ્રદર્શન કરવાની એક રીત હોય છે. મહિલાએ જે ભાષાનો પ્રયોગ કર્યો અને પોલીસ સામે અયોગ્ય શબ્દો બોલ્યા તે ખોટું હતું.” તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે મહિલાએ પોલીસ અને મોરચા તરફ બોટલ પણ ફેંકી હતી.
અસુવિધા ‘અનિવાર્ય’ છે?
મહાજને વિરોધ પ્રદર્શનનો બચાવ કરતા કહ્યું કે જ્યારે આટલા મોટા પાયે આંદોલન થતું હોય ત્યારે થોડી અસુવિધા અનિવાર્ય છે. તેમણે દલીલ કરી કે આ કાર્યક્રમ માટે અગાઉથી પરવાનગી લેવામાં આવી હતી. જોકે, મુંબઈગરાઓ અત્યારે સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે શું રાજકીય પક્ષોને સામાન્ય જનતાના ભોગે રસ્તા રોકવાનો અધિકાર છે?
સોશિયલ મીડિયા પર જંગ જામ્યો
આ વીડિયો વાયરલ થતા જ ઈન્ટરનેટ પર નવી ચર્ચા છેડાઈ છે. કેટલાક લોકો મહિલાની હિંમતને દાદ આપી રહ્યા છે કે તેણે સામાન્ય નાગરિકની તકલીફ મંત્રીના મોઢા પર કહી દીધી. તો બીજી તરફ, કેટલાક લોકો મંત્રીના એ પક્ષ સાથે સહમત છે કે નારાજગી વ્યક્ત કરવાની એક ગરિમા હોય છે અને સશસ્ત્ર સૈનિકો કે પોલીસ સામે ગેરવર્તણૂક ન થવી જોઈએ.
મુંબઈના ટ્રાફિક અને રાજકીય કૂચ વચ્ચેની આ ટક્કરે ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કર્યો છે કે પ્રદર્શન માટે મેદાન ફાળવેલા હોવા છતાં રસ્તાઓ પર જ કેમ ભીડ એકઠી કરવામાં આવે છે?

(5:02 PM IST)