News of Monday, 25th May 2026
મુંબઈના મરીન ડ્રાઈવ પર રફ્તારનો કાળો કેર: બેફામ મર્સિડીઝ ચાલકે ફરજ પરના બે પોલીસકર્મીઓને હવામાં ફંગોળ્યા, આખી રાત સર્જાયા ભારે તંગદિલીના દ્રશ્યો!
ચેકિંગ પોઈન્ટ પર રોકવાનો પ્રયાસ કર્યો તો કાર ઊભી રાખવાને બદલે અડફેટે લીધા, નાસિકના ૨૯ વર્ષીય યુવાનની નાલાસોપારાથી ધરપકડ; બંને પોલીસકર્મીઓ ICUમાં જિંદગી સામે જંગ લડી રહ્યા છે.

મુંબઈ, તા.25: મુંબઈના પોશ ગણાતા મરીન ડ્રાઈવ વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. રસ્તા પર બેફામ બનીને દોડતી એક લક્ઝુરિયસ મર્સિડીઝ કારે ચેકિંગ માટે ઉભેલા બે પોલીસ કર્મચારીઓને જોરદાર ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડી છે. આ ઘટના બાદ ડ્રાઈવર કાર લઈને ફરાર થઈ ગયો હતો, પરંતુ મુંબઈ પોલીસની સતર્કતાને કારણે ગણતરીના કલાકોમાં જ તેની નાલાસોપારાથી ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાની વિગત મુજબ, મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કૃષ્ણકાંત મિશ્રા અને રાઠોડ પોતાની ફરજ પર નાકાબંધી કરી રહ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી મર્સિડીઝ કાર અત્યંત ઝડપે આવતી હતી. ફરજ પરના પોલીસકર્મીઓએ જ્યારે ડ્રાઈવરને રોકવાનો ઈશારો કર્યો, ત્યારે કાર ધીમી કરવાને બદલે આરોપીએ તેની ગતિ વધુ વધારી દીધી હતી. અચાનક આવેલી આ કારે બંને પોલીસકર્મીઓને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે તેઓ હવામાં ફંગોળાઈને દૂર જઈ પડ્યા હતા. ઈજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે બોમ્બે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેઓ હાલમાં ICUમાં સારવાર હેઠળ છે.
પોલીસની તપાસમાં આરોપીની ઓળખ નાસિકના પંચવટી વિસ્તારના ૨૯ વર્ષીય નિહાલ સોલંકી તરીકે થઈ છે. ઘટનાસ્થળેથી ભાગી ગયેલા આ ડ્રાઈવરે પોલીસને ચકમો આપવા માટે નાલાસોપારા સુધી દોટ મૂકી હતી, પરંતુ પોલીસની વિવિધ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી તેને શોધી કાઢ્યો હતો.
પોલીસને પ્રબળ શંકા છે કે આરોપી ઘટના સમયે દારૂના નશામાં હતો. તેને કારણે જ તેણે પોલીસની ચેતવણીને અવગણીને આટલું મોટું સાહસ કર્યું. હાલમાં આરોપીના બ્લડ સેમ્પલ ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવ્યા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ નશાના પ્રમાણની પુષ્ટિ થશે. આ ઘટના બાદ મુંબઈમાં રાત્રિ દરમિયાન ડ્રાઈવિંગ કરતા નબીરાઓ સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. હાલ મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશન દ્વારા વિવિધ કલમો હેઠળ કેસ નોંધીને આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
