તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 11th October 2026
મુંબઈમાં ઘેરાતી પાણીની કટોકટી: સ્વિમિંગ પૂલનો પાણી પુરવઠો ફરી બંધ કરવાનો પાલિકાનો વિચાર
'અલ નિનો' ની અસર હેઠળ મહારાષ્ટ્રમાં કારમા દુકાળની સ્થિતિ, 16 ઑક્ટોબરથી નવી મુંબઈમાં પણ 10 ટકા પાણીકાપની શક્યતા

મુંબઈ : 'અલ નિનો' ની સંભવિત અસર અને મહારાષ્ટ્રમાં લાદવામાં આવેલા કારમા દુકાળના નિર્દેશો વચ્ચે મુંબઈ અને નવી મુંબઈમાં પાણીની કટોકટી વધુ ઘેરી બની છે. રાજ્ય સરકારે તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને 10 ટકા પાણીકાપ અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે, જેના પગલે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આગામી ચોમાસા સુધી પીવાનું પાણી જાળવી રાખવા સ્વિમિંગ પૂલનો પાણી પુરવઠો ફરી એકવાર સંપૂર્ણપણે બંધ કરવા અંગે ગંભીર વિચારણા હાથ ધરાઈ છે. આ સાથે જ નવી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પણ 16 ઑક્ટોબરથી શહેરમાં ફરી 10 ટકા પાણીકાપ લાગુ કરવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે.
મુંબઈમાં 15 મેથી 10 ટકા પાણીકાપ અમલમાં છે, જેના હેઠળ 17 જૂન, 2026 થી સ્વિમિંગ પૂલના પાણી બંધ કરવામાં આવ્યા હતા. જોકે જુલાઈમાં સારા વરસાદને કારણે 16 ઑગસ્ટથી આ પુરવઠો પુનઃ શરૂ કરાયો હતો. પરંતુ હાલ મુંબઈને પાણી પૂરું પાડતા સાતેય જળાશયોમાં પાણીનો જથ્થો ઘટીને 13,53,372 મિલિયન લીટર (93.51 ટકા) રહ્યો છે, જે ગત વર્ષના 98.71 ટકા અને 2024ના 98.35 ટકા કરતા ઓછો છે. ઉનાળા દરમિયાન બાષ્પીભવન અને ઘટતી સપાટીને ધ્યાનમાં રાખીને પાલિકા પ્રશાસન આગામી જુલાઈ સુધી પાણી ચાલે તે માટે કડક આયોજન કરી રહ્યું છે.
નવી મુંબઈ મહાનગરપાલિકાને પાણી પૂરું પાડતા મોરબે ડેમમાં હાલ 85.58 મીટર એટલે કે 87.91 ટકા પાણીનો સંગ્રહ છે. અગાઉ તહેવારોને ધ્યાનમાં રાખીને પાણીકાપ પાછો ખેંચાયો હતો, પરંતુ હવે પાલિકા કમિશનર કૈલાશ શિંદેના નેતૃત્વ હેઠળ ઉપલબ્ધ જથ્થાની સમીક્ષા કરવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા પાણીના ગળતરને રોકવા, વાહનો ધોવા જેવા બિનજરૂરી વપરાશ પર નિયંત્રણ મૂકવા અને સ્યુએજ ટ્રીટમેન્ટ વાળા પ્રોસેસ્ડ પાણીનો પીવા સિવાયના અન્ય કામો માટે ઉપયોગ કરવા પર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે.
આગામી ચોમાસા સુધી જળાશયોમાં પીવાનું પાણી સુરક્ષિત રાખવા માટે મુંબઈ અને નવી મુંબઈના રહીશોએ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો પડશે. પાલિકા પ્રશાસન દ્વારા આગામી દિવસોમાં પાણી વિતરણનું નવું ટાઈમટેબલ જાહેર કરાયા બાદ આ સખત નિયંત્રણો અમલી બનશે, જેનાથી સામાન્ય નાગરિકો અને વ્યાવસાયિક સ્વિમિંગ પૂલ સંચાલકો માટે પાણીનો વપરાશ મર્યાદિત બનવાની શક્યતા છે.
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
