તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
મુંબઈના જોગેશ્વરી રેલવે સ્ટેશન પર ટિકિટ વિવાદમાં હોબાળો: પ્રવાસીએ ચહેરા પર ઘાતક વાર કરતા ટિકિટ ચેકર (TC) લોહીલુહાણ!
ફૂટઓવર બ્રિજ પર ટિકિટ માગતા જ મુસાફર આપા ખોઈ બેઠો; ગંભીર ઈજા છતાં ટીસીએ આરોપીને ઝડપી જીઆરપી પોલીસને સોંપ્યો.

મુંબઈ, તા.૧૧: મુંબઈની લાઈફલાઈન ગણાતી પશ્ચિમ રેલવેના જોગેશ્વરી રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ દરમિયાન એક અત્યંત શર્મનાક અને હિંસક ઘટના સામે આવી છે. સ્ટેશનના સાઉથ ફૂટઓવર બ્રિજ (FOB) પર ફરજ પર તૈનાત ટિકિટ ચેકર (TC) આશિષ રંજન ગુપ્તા પર એક પ્રવાસીએ અચાનક જ હુમલો કરી દીધો હતો. ટિકિટ અંગેની સામાન્ય પૂછપરછ દરમિયાન ઉશ્કેરાયેલા પ્રવાસીએ ટીસીના ચહેરા પર જોરદાર મુક્કો મારી દેતા, આંખ પર પહેરેલા ચશ્મા વાગવાથી ટીસી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનો ચહેરો લોહીલુહાણ થઈ ગયો હતો.
ઘટના અંગે જોગેશ્વરી સ્ટેશનના સ્ટેશન માસ્તરે તાત્કાલિક માઇક પર જાહેરાત કરીને સુરક્ષા કર્મચારીઓને સાવધ કર્યા હતા. સૂચના મળતા જ સ્ટેશન પર તૈનાત અન્ય અધિકારીઓ અને ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) ની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત ટીસી આશિષ રંજન ગુપ્તાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, તેઓ નિયમ મુજબ મુસાફરોની ટિકિટ ચેક કરી રહ્યા હતા ત્યારે આ પ્રવાસીએ તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી અને અચાનક ચહેરા પર હુમલો કરી દીધો હતો.
બીજી તરફ, રેલવે પોલીસે તાત્કાલિક ધોરણે હુમલાખોર મુસાફરની અટકાયત કરી તેની ગહન પૂછપરછ હાથ ધરી હતી. આરોપીની ઓળખ અજય તરીકે થઈ છે, જે જોગેશ્વરી પૂર્વના શંકર નગર, સાઈબાબા મંદિર વિસ્તારનો રહેવાસી છે. જીઆરપી પોલીસે બંને પક્ષોની રજૂઆત નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ લોકલ ટ્રેનો અને સ્ટેશનો પર ટિકિટ વગર મુસાફરી કરતા લોકો દ્વારા ટીસી સ્ટાફ પર હુમલા અને મારપીટની ઘટનાઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે, જેને લઈને રેલવે કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
