<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

ગાંધી જયંતી પર શિવાજી પાર્કમાં વિરોધ પ્રદર્શનની હાકલથી મુંબઈનું દાદર સ્ટેશન છાવણીમાં ફેરવાયું: RPF અને વધારાના 90 થી વધુ જવાનો તહેનાત

ચૂંટણી કમિશનરના રાજીનામાની માગ સાથે CJP ના પ્રદર્શનને પગલે પોલીસ અલર્ટ, મંજૂરી ન હોવા છતાં દાદર રેલવે સ્ટેશન પર ચુસ્ત પહેરો

મુંબઈ, તા.02: ગાંધી જયંતીના પવિત્ર દિવસે જ માયાનગરી મુંબઈના સૌથી વ્યસ્ત અને ધબકતા એવા દાદર રેલવે સ્ટેશન પર ભારે ઉત્તેજના અને હાઈડ્રામાનો માહોલ સર્જાયો છે. શિવાજી પાર્ક ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શનને પગલે કોઈ અણબનાવ ન બને તે માટે રેલવે તંત્ર અને પોલીસે સ્ટેશન પરિસરને ચુસ્ત સુરક્ષા ઘેરાવમાં લઈ લીધું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે સીજેપીના સ્થાપક અભિજીત દિપકેએ ૨ ઓક્ટોબરે શિવાજી પાર્ક ખાતે મોટું આંદોલન કરવાની જાહેરાત કરી હતી. પાર્ટીનો આક્ષેપ છે કે મતદાર યાદીઓની 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયામાં મોટા પાયે ધાંધલી અને અનિયમિતતાઓ આચરવામાં આવી છે.

રેલવે સ્ટેશન બન્યું સુરક્ષાનું કેન્દ્ર

શિવાજી પાર્ક જવા માટે દાદર સ્ટેશન મુખ્ય પ્રવેશદ્વાર સમાન છે, જ્યાંથી દરરોજ લાખો મુસાફરો પસાર થાય છે. પ્રદર્શનકારીઓની ભારે ભીડ ઉમટી પડવાની શક્યતાને જોઈને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને રેલવે પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે.


•    સેન્ટ્રલ રેલવે: દાદર સ્ટેશનના સેન્ટ્રલ નેટવર્ક પર ૪૦ થી વધુ વધારાના RPF અને સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરી દેવાયા છે.

•    વેસ્ટર્ન રેલવે: પશ્ચિમ રેલવે દ્વારા સ્થિતિ કાબૂમાં રાખવા માટે ૫૦ થી વધુ ચુનંદા જવાનોનો કાફલો સ્ટેશનના ખૂણે-ખૂણે ગોઠવી દેવાયો છે.

પોલીસે પરવાનગી નકારી, છતાં તંત્ર એલર્ટ

બીજી તરફ, મુંબઈ પોલીસે આ પ્રદર્શનને સ્પષ્ટપણે મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. શિવાજી પાર્ક વિસ્તારમાં જાહેર સભાઓ પરના પ્રતિબંધો, ટ્રાફિક જામની સમસ્યા અને ઇમરજન્સી વાહનોની અવરજવર ખોરવાવાની ચિંતાઓને ટાંકીને પોલીસે આ પરવાનગી રદ કરી છે. આમ છતાં, મંજૂરી વિના પણ આંદોલનકારીઓ એકઠા થઈ શકે તેવી આશંકાને પગલે દાદર સ્ટેશનના તમામ એક્ઝિટ અને એન્ટ્રી પોઇન્ટ્સ પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

(5:18 PM IST)