News of Wednesday, 9th September 2026
મુંબઈગરાઓ આનંદો: વિદેશોમાં અબજો ચોરસ ફીટ જમીન ખાલી પડી છે, છતાં રહેવા માટે મુંબઈની ભૂગોળ જ ઉત્તમ!
ચીન, ઇજિપ્ત અને કેનેડા જેવા દેશોમાં વસ્તી ગીચતાના અનોખા સમીકરણો: ઇજિપ્તની ૯૫% વસ્તી માત્ર ૫% વિસ્તારમાં અને ચીનની ૯૪% વસ્તી ૪૩% વિસ્તારમાં જ વસે છે

મુંબઈ, તા.૦૯: મુંબઈમાં દર ચોરસ કિલોમીટરે ૧૩,૦૦૦ થી વધુ લોકો રહે છે, જ્યારે ન્યૂયોર્કમાં આ આંકડો ૧૧,૦૦૦ અને લંડનમાં માત્ર ૫,૫૦૦ નો છે. મુંબઈમાં એક-એક ચોરસ ફીટ જગ્યા માટે લોકો લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે, ત્યારે વિશ્વમાં એવા પણ ઘણા દેશો છે જ્યાં અબજો ચોરસ ફીટ જમીન સાવ બંજર અને વસ્તી વિહોણી પડી છે. જોકે, આ ભૌગોલિક પરિસ્થિતિઓ પાછળ કુદરતના ખાસ પરિબળો જવાબદાર છે.
દાખલા તરીકે, ઇજિપ્ત દેશનું ક્ષેત્રફળ ભારત કરતાં ત્રીજા ભાગનું છે, પરંતુ તેની ૯૦% થી વધુ જમીન વેરાન સહારાના રણમાં આવેલી હોવાથી ત્યાં કોઈ વસ્તી નથી. ઇજિપ્તની ૯૫% વસ્તી માત્ર ૫ થી ૧૦% વિસ્તારમાં આવેલી નાઇલ નદીના ફળદ્રુપ કિનારે વસે છે. જો ૬,૫૦૦ કિલોમીટર લાંબી નાઇલ નદી ન હોત તો સમગ્ર ઇજિપ્ત માત્ર એક ઉજ્જડ રણ જ હોત.
આવી જ અજબ-ગજબ સ્થિતિ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતા દેશોમાંના એક એવા ચીનમાં પણ છે. ચીનની આશરે ૧.૪૦ અબજની કુલ વસ્તીમાંથી ૯૪% લોકો દેશના માત્ર ૪૩% પૂર્વીય વિસ્તારમાં રહે છે! ચીનનો પશ્ચિમ અને ઉત્તરનો વિશાળ ભૂ-ભાગ ગોબીના રણ, વિષમ આબોહવા અને પર્વતોથી ઘેરાયેલો હોવાથી માનવ વસવાટ માટે પ્રતિકૂળ છે, જ્યારે પૂર્વ કિનારો ખેતી અને ઉદ્યોગો માટે સાનુકૂળ છે.
કેનેડા અને રશિયા જેવા દેશોમાં પણ હજારો હેક્ટર જમીનો બરફ અને વિષમ હવામાનને કારણે સાવ સુની પડી છે. આથી, મુંબઈમાં નાની જગ્યામાં રહેતા મુંબઈગરાઓએ વિદેશોની ખાલી પડી રહેલી અબજો ચોરસ ફીટ જમીન વિશે જાણીને જીવ બાળવાની જરૂર નથી, કારણ કે વિષમ રણ કે બરફીલા વિસ્તારો કરતાં મુંબઈની હવામાન અને ભૂગોળ વસવાટ માટે લાખ દરજ્જે ઉત્તમ છે.
(5:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
