<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

મુંબઈગર હવે દૈનિક મુસાફરી દરમિયાન સ્ક્રીન ટાઈમ છોડીને માણી શકશે પુસ્તકોની મજા; ‘પ્રોજેક્ટ મુંબઈ’ અને ‘સિટીફ્લો’ની અનન્ય પહેલથી બસો બની મીની લાઇબ્રેરી

‘ટર્નિંગ પેજીસ’ અભિયાન હેઠળ મુસાફરો બસમાં જ ફ્રીમાં પુસ્તકો વાંચી, ઉધાર લઈ કે દાન કરી શકશે; દૈનિક પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

મુંબઈ : મુંબઈની ભાગદોડ ભરેલી દૈનિક ઓફિસ મુસાફરી હવે માત્ર સમય પસાર કરવાનું સાધન નહીં, પરંતુ જ્ઞાન અને મનોરંજન મેળવવાનું ઉત્તમ માધ્યમ બનવા જઈ રહી છે. શહેરી બસ સેવા પ્રદાતા ‘સિટીફ્લો’ (Cityflo) એ ‘પ્રોજેક્ટ મુંબઈ’ સાથે હાથ મિલાવીને એક અત્યંત આકર્ષક અને નવીન પહેલ શરૂ કરી છે, જેનું નામ ‘ટર્નિંગ પેજીસ’ (Turning Pages) છે. આ અભિયાન અંતર્ગત મુંબઈની પસંદગીની સિટીફ્લો બસોને ચાલતી-ફરતી ‘મીની લાઇબ્રેરી’માં પરિવર્તિત કરવામાં આવી છે, જેથી મુસાફરો પોતાની સફર દરમિયાન ડિજિટલ સ્ક્રીનથી થોડો વિરામ લઈને પુસ્તકો વાંચવાનો આનંદ માણી શકે.

 

આ પહેલ પ્રોજેક્ટ મુંબઈના જાણીતા ‘રીડ મુંબઈ’ ચળવળનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર શહેરમાં વાંચનની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે, સિટીફ્લોની આ ખાસ બસોમાં ફિક્શન (કાલ્પનિક સાહિત્ય), બિઝનેસ, સેલ્ફ-ડેવલપમેન્ટ (સ્વ-વિકાસ), જીવનચરિત્ર અને સમકાલીન ભારતીય લેખન શૈલીના ઉત્તમ પુસ્તકોનો સંગ્રહ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. મુસાફરો સફર દરમિયાન બસમાંથી પુસ્તક વાંચવા માટે લઈ શકે છે, જરૂર પડે તો તેને ઉધાર પણ રાખી શકે છે, પુસ્તકોની આપ-લે (એક્સચેન્જ) કરી શકે છે અથવા પોતાના જૂના પુસ્તકો અન્ય સાથી મુસાફરોના વાંચન માટે દાન પણ કરી શકે છે.

 

સિટીફ્લોના સીએમઓ અને સહ-સ્થાપક સંકલ્પ કેલશીકરે આ વિશે જણાવતા કહ્યું હતું કે મુંબઈગરો પાસે દૈનિક મુસાફરીનો સમય જ એવો હોય છે જે પોતે પોતાના માટે ફાળવી શકે છે. આ પ્રોજેક્ટ દ્વારા અમે મુસાફરોને તે સમય એવી રચનાત્મક પ્રવૃત્તિ માટે પાછો આપી રહ્યા છીએ જેના માટે મોટે ભાગે સમય કાઢવો મુશ્કેલ બનતો હોય છે. પ્રોજેક્ટ મુંબઈના સ્થાપક અને સીઈઓ શિશિર જોશીએ ઉમેર્યું હતું કે આ સહયોગથી મુંબઈની નાગરિક ભાગીદારીની ભાવના ઉજાગર થાય છે, જે રોજિંદા પ્રવાસના વાતાવરણને એક સુંદર સમુદાય જગ્યામાં ફેરવી નાખે છે.

 

રોજિંદા પ્રવાસ દરમિયાન મોબાઇલ કે લેપટોપની સ્ક્રીન પર સતત સ્કોલિંગ કરતા મુસાફરોએ આ નવતર પ્રયોગનું ખુલ્લા દિલથી સ્વાગત કર્યું છે. સિટીફ્લોના નિયમિત પ્રવાસી પ્રણવ જ્યોતિ ભુયાને જણાવ્યું હતું કે તેઓ રોજ કામ પર આવવા-જવામાં બે કલાક વિતાવે છે, અને બસમાં જ પુસ્તકો મળી રહેવાથી હવે તે સમય સાર્થક બનશે. અન્ય એક મુસાફર મિતેશ કરમચંદાનીએ પણ જણાવ્યું કે આનાથી તેમને સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગમાંથી રાહત મળશે અને નવા વિષયો જાણવાની તક મળશે.

 

(6:32 PM IST)