<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

મુંબઈના રસ્તા પાણીમાં ડૂબ્યા ને રેલ્વે વિભાગ જાગ્યો! પ્રિયંકા ચતુર્વેદીની 'ટ્રિપલ એન્જિન'વાળી પોસ્ટ પર રેલ્વેસેવાના વિચિત્ર જવાબે સોશિયલ મીડિયા પર હાસ્યનું મોજું ફેરવ્યું

સબવેમાં ભરાયેલા પાણીના વીડિયો પર નાગરિક સંસ્થાને બદલે ભારતીય રેલ્વેએ માંગી લીધો મોબાઈલ નંબર; નેતાજીએ કટાક્ષ કરતા પૂછ્યું - "શું બંનેની પીઆર એજન્સી એક જ છે?"

મુંબઈ : મુંબઈમાં ચોમાસાના પહેલા જ ભારે વરસાદે મહાનગરપાલિકા (BMC) ના પ્રી-મોન્સૂન કામોની પોલ ખોલી નાખી છે. અંધેરી સબવે સહિતના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક અત્યંત રમુજી અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં શિવસેના (UBT) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીની મુંબઈ પૂર અંગેની એક ટીકાત્મક પોસ્ટ પર ભારતીય રેલ્વેના સત્તાવાર ફરિયાદ હેન્ડલ 'રેલ્વેસેવા' (RailwaySeva) એ એવો અણધાર્યો જવાબ આપ્યો કે ખુદ સાંસદ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા!
બન્યું એવું કે, મુંબઈમાં થયેલા ધોધમાર વરસાદ બાદ અંધેરી સબવેમાં નદી વહેતી હોય તેમ પાણી ભરાઈ ગયું હતું. આ પૂર જેવી સ્થિતિનો વીડિયો શેર કરીને પ્રિયંકા ચતુર્વેદીએ મહારાષ્ટ્રની શાસક ગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કટાક્ષ કરતા લખ્યું, "મુંબઈમાં પહેલો ભારે વરસાદ અને આ અંધેરી સબવેની હાલત છે. મુંબઈને 'ટ્રિપલ એન્જિન' સરકારનું વરદાન મળ્યું છે, તે હવે અલગથી કહેવાની જરૂર નથી!"
રસ્તાના પૂર પર રેલ્વે એક્શનમાં આવ્યું!
સામાન્ય રીતે આવી ફરિયાદો પર મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ જવાબ આપવાનો હોય છે, પરંતુ અહીં કઈંક ઉલટું જ થયું. પ્રિયંકા ચતુર્વેદીની આ પોસ્ટ પર અચાનક ભારતીય રેલ્વેના ઓટોમેટેડ ગ્રાહક સેવા હેન્ડલ 'રેલ્વેસેવા' તરફથી રિપ્લાય આવ્યો. રેલ્વેસેવાએ ટ્વીટ કરીને આ આખી સમસ્યાના ઝડપી નિરાકરણ માટે પ્રિયંકા ચતુર્વેદી પાસે તેમનો પીએનઆર (PNR) અથવા મોબાઇલ નંબર માંગી લીધો અને 'રેલમદદ' એપ અથવા હેલ્પલાઇન નંબર ૧૩૯ પર ફરિયાદ નોંધાવવાની સલાહ આપી દીધી!
"શું બંનેની એજન્સી એક જ છે?" - નેતાજીનો ટોણો
રસ્તા પર ભરાયેલા પાણીની સમસ્યામાં રેલ્વે વિભાગે ટાંગ અડાવતા જ શિવસેના નેતાએ પણ મજાક ઉડાવવાની તક ન છોડી. તેમણે આ અજીબોગરીબ ક્રિયાપ્રતિક્રિયા પર આશ્ચર્ય વ્યક્ત કરતા બીજી પોસ્ટમાં લખ્યું, "મને એ સમજાતું નથી કે રેલ્વે સેવા વરસાદ અને મુંબઈના રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હોવાના ટ્વીટનો જવાબ કેમ આપી રહી છે? શું આ બંને વિભાગોનું સોશિયલ મીડિયા હેન્ડલ કરવા વાળી પીઆર એજન્સી એક જ છે?"
સોશિયલ મીડિયા પર આ કિસ્સો ભારે વાયરલ થઈ રહ્યો છે અને યુઝર્સ તેના પર મજેદાર કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે હસતા હસતા લખ્યું કે, "આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો કમાલ છે. બોટે કદાચ તમારી પોસ્ટમાંથી 'એન્જિન' શબ્દ પકડી લીધો હશે, એટલે તેને લાગ્યું કે આ ટ્રેનના એન્જિનની કોઈ ફરિયાદ છે!" હાલ તો સોશિયલ મીડિયા પર આ અસામાન્ય એક્સચેન્જ ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
એક્સચેન્જની હાઈલાઈટ્સ:
•    ફરિયાદ: મુંબઈના રસ્તા અને સબવે પાણીમાં ડૂબ્યા.
•    રેલ્વેનો જવાબ: અમને તમારો મોબાઈલ નંબર આપો, અમે ટ્રેનની સમસ્યા ઉકેલી દઈશું!
•    વાયરલ ફેક્ટર: બોટ (Bot) સિસ્ટમ દ્વારા 'એન્જિન' શબ્દના કારણે થયેલી ગેરસમજ.

(6:41 PM IST)