<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

મુંબઈના શિવાજી પાર્કમાં CJPના પ્રદર્શન સામે મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: આયોજકો સહિત ૫૦૦ લોકો સામે FIR નોંધાઈ

સગીરોની ભાગીદારી અને વીડિયો વાયરલ થવા મામલે NHRCની લાલ આંખ; પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પાસેથી એક સપ્તાહમાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો

મુંબઈ: મુંબઈના ઐતિહાસિક શિવાજી પાર્કમાં ગાંધી જયંતી એટલે કે ૨ ઓક્ટોબરના રોજ યોજાયેલા સિટિઝન્સ ફોર જસ્ટિસ એન્ડ પીસ (CJP)ના વિરોધ પ્રદર્શન મામલે મુંબઈ પોલીસે કડક વલણ અપનાવી મોટો ગુનો દાખલ કર્યો છે. શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનના મુખ્ય આયોજકો અને ૪૦૦ થી ૫૦૦ અજાણ્યા સમર્થકો અને વિરોધકર્તાઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર ૫૧૫/૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૮૯, ૨૨૩ તથા મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વગર મંજૂરીએ અથવા નિયમોના ભંગ સાથે યોજાયેલા આ પ્રદર્શનમાં સામેલ તમામ આયોજકો અને ભીડ સામે કાયદેસરની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ વિરોધ પ્રદર્શનમાં સગીર બાળકોની કથિત ભાગીદારી અને સોશિયલ મીડિયા પર તેમના ચહેરા, ફોટોગ્રાફ્સ તથા વીડિયો પ્રસારિત કરવા અંગે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ એ ગંભીર નોંધ લીધી છે. 'સેવા ન્યાય ઉત્થાન ફાઉન્ડેશન'ના હસ્તક્ષેપ વડા સતીષ વૈદ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે NHRC એ માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, ૧૯૯૩ ની કલમ ૧૨ હેઠળ સંજ્ઞાન લીધું હતું.

NHRC એ આ મામલે મુંબઈ પોલીસ કમિશનર, કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલય, ભારતમાં X ના ફરિયાદ અધિકારી તેમજ મહારાષ્ટ્ર મહિલા અને બાળ વિકાસ વિભાગના મુખ્ય સચિવને નોટિસ ફટકારી છે.

(6:02 PM IST)