તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
મુંબઈની કવિતા ચંદે ૨૨ કલાક ૩૬ મિનિટમાં માઉન્ટ કિલીમંજારો સર કરી રચ્યો નવો ઇતિહાસ, બની પ્રથમ ભારતીય
૨૪ કલાકથી પણ ઓછા સમયમાં રાઉન્ડ ટ્રીપ પૂર્ણ કરી પર્વતારોહણમાં દેશનું નામ રોશન કર્યું, આફ્રિકાના સૌથી ઊંચા શિખર પર લહેરાવ્યો તિરંગો

મુંબઈ : ભારતીય પર્વતારોહણ ક્ષેત્રે એક અદ્ભુત અને ગૌરવવંતી ઐતિહાસિક સિદ્ધિ નોંધાઈ છે. મુંબઈની સાહસિક પર્વતારોહી અને એન્ડ્યુરન્સ એથ્લેટ કવિતા ચંદે માઉન્ટ કિલીમંજારોના ૫,૮૯૫ મીટર ઊંચા ઉહુરુ શિખરની સંપૂર્ણ રાઉન્ડ ટ્રીપ માત્ર ૨૨ કલાક અને ૩૬ મિનિટમાં પૂર્ણ કરી બતાવી છે. ૨૪ કલાકથી પણ ઓછા સમયગાળામાં આ અત્યંત આહવાનજનક સિદ્ધિ હાંસલ કરનારી તે પ્રથમ ભારતીય પર્વતારોહી બની ગઈ છે. તેણીએ ૧૨ કલાક અને ૪૬ મિનિટના ટૂંકા સમયમાં આફ્રિકાના સૌથી ઊંચા પોઇન્ટ પર પહોંચીને ભારતનું નામ વૈશ્વિક સ્તરે રોશન કર્યું છે.
સામાન્ય રીતે કિલીમંજારો પર્વતનું ચઢાણ અને ઉતરાણ પૂર્ણ કરવા માટે પરંપરાગત પર્વતારોહણ અભિયાનોમાં પાંચથી નવ દિવસનો સમય લાગતો હોય છે, જેથી પર્વતારોહકો ઊંચાઈ સાથે અનુકૂલન સાધી શકે. જોકે, કવિતાએ મ્વેકા ગેટથી શરૂઆત કરી ઉહુરુ શિખર પહોંચી પરત મ્વેકા ગેટ સુધીનો સમગ્ર રૂટ વિક્રમી સમયમાં પૂરો કર્યો હતો. આ અભૂતપૂર્વ સફળતા પાછળ તેની મહિનાઓની સખત મહેનત, શિકાગો મેરેથોનની તાલીમ દર અઠવાડિયે ૭૦-૯૦ કિલોમીટરનું રનિંગ અને નેપાળના હિમલુંગ હિમલ પર્વત પર મેળવેલો ૬,૬૦૦ મીટરની ઊંચાઈનો અનુભવ ખૂબ ઉપયોગી સાબિત થયો હતો.
બૂટ્સ એન્ડ ક્રેમ્પન્સ દ્વારા સ્થાનિક તાંઝાનિયા ટીમના સહયોગથી આ સમગ્ર અભિયાનનું સચોટ લોજિસ્ટિક્સ અને રૂટ પ્લાનિંગ ગોઠવવામાં આવ્યું હતું. ચઢાણ દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટે ગાઇડ અને સમિટ પોર્ટરની ટીમે સતત મદદ પૂરી પાડી હતી. આ સિદ્ધિ અંગે કવિતાએ જણાવ્યું હતું કે તેના સાત શિખર (સેવન સમિટ) સર કરવાના સ્વપ્નનો આ એક મહત્વપૂર્ણ ભાગ હતો અને સ્પીડ ક્લાઇમ્બિંગ દ્વારા આ અનુભવને વધુ સાહસિક અને યાદગાર બનાવીને તેણે નવો ઈતિહાસ રચ્યો છે.
કિલીમંજારો સર કર્યા બાદ હવે કવિતા ચંદે પોતાની 'સેવન સમિટ' સફરમાં પાંચ શિખરો સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધા છે, જેમાં અગાઉ યુરોપનું માઉન્ટ એલ્બ્રસ, દક્ષિણ અમેરિકાનું વિન્સન મેસિફ અને એકોનકાગુઆ તેમજ ઉત્તર અમેરિકાનું ડેનાલી શિખર સામેલ છે. આગામી સમયમાં તે વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટ અને ઓસ્ટ્રેલિયાના માઉન્ટ કોસિયસ્ઝકો પર ચઢાણ કરવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે. કવિતાની આ અવિશ્વસનીય સિદ્ધિ આગામી સમયમાં દેશના અનેક યુવા સાહસિકો અને પર્વતારોહકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે.
(8:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
