News of Wednesday, 28th October 2026
મુબઈના વાહનચાલકોને ઝટકો: ફાસ્ટેગના નવા લોકલ પાસ નિયમોથી અટલ સેતુ અને વર્લી સી-લિંક પર મુસાફરી નહીં થાય સસ્તી
સરકારના નવા વાર્ષિક ફાસ્ટેગ પાસના નિયમોથી મુંબઈના પ્રખ્યાત બ્રિજ અને એન્ટ્રી પોઈન્ટ્સ પર ટોલ ટેક્સમાં કોઈ રાહત નહીં મળે, જાણો પાછળનું કારણ.

મુંબઈ: કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ હાઈવે ફી નિયમો, ૨૦૦૮માં કરવામાં આવેલા સુધારા અંતર્ગત નવો વાર્ષિક ફાસ્ટેગ લોકલ પાસ લાવવામાં આવ્યો છે, જે ૧ નવેમ્બરથી અમલી બન્યો છે. આ નવા નિયમ હેઠળ નિર્ધારિત નેશનલ હાઈવે ટોલ પ્લાઝાથી ૨૦ કિલોમીટરના ત્રિજ્યામાં રહેતા ખાનગી વાહનમાલિકો માટે ૧,૫00 રૂપિયા અથવા ૩,૦૦૦ રૂપિયા વાર્ષિક ફી ભરવાની જોગવાઈ કરવામાં આવી છે. જો કે, મુંબઈ અને તેની આસપાસ મુસાફરી કરતા વાહનચાલકો માટે આ રાહત ખૂબ જ સીમિત સાબિત થઈ રહી છે અને તેનાથી મુંબઈના અટલ સેતુ તથા બાંદ્રા-વર્લી સી-લિંક પરની મુસાફરી સસ્તી નહીં થાય.
શા માટે અટલ સેતુ અને વર્લી સી-લિંક પર નહીં મળે ફાયદો?
અટલ સેતુ (મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક) અને બાંદ્રા-વર્લી સી-લિંક જેવા મહત્ત્વપૂર્ણ બ્રિજ પર અલગ-અલગ પ્રોજેક્ટ માળખા અંતર્ગત અલગ ટોલ વ્યવસ્થા સંચાલિત થાય છે. આ નવા નેશનલ હાઈવે લોકલ-પાસ કન્સેસનમાં આ બ્રિજો સ્વતઃ આવરી લેવામાં આવ્યા નથી. આ વાર્ષિક પાસ માત્ર તે જ ચોક્કસ ટોલ પ્લાઝા માટે માન્ય રહે છે જેના માટે તે ઈશ્યુ કરવામાં આવ્યો હોય. તેથી, વાહનચાલકો મુંબઈથી નવી મુંબઈ જવા માટે અટલ સેતુનો ઉપયોગ કરતા હોય કે વેસ્ટર્ન સબઅર્બ્સથી સાઉથ મુંબઈ જવા માટે સી-લિંકનો ઉપયોગ કરતા હોય, આ પાસ દ્વારા તેમને ટોલ ટેક્સમાં કોઈ છૂટછાટ મળશે નહીં.
મુંબઈના ૫ મુખ્ય એન્ટ્રી પોઈન્ટ્સ પહેલેથી જ ફ્રી છે
મુંબઈના વાહનચાલકો માટે આ યોજના વધુ ઉપયોગી ન બનવા પાછળનું બીજું મુખ્ય કારણ એ છે કે શહેરના પાંચ મુખ્ય પ્રવેશદ્વારો પર ખાનગી કાર અને અન્ય હળવા વાહનો માટે પહેલેથી જ ટોલ માફ કરવામાં આવ્યો છે. સાયન-પનવેલ હાઈવે પર વાશી, એરોઈરોલી બ્રિજ, એલબીએસ રોડ પર મુલુંડ, ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર મુલુંડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર દહીંસર ખાતે ખાનગી કાર ચાલકોને ઓક્ટોબર ૨૦૨૪થી ટોલમાંથી મુક્તિ મળેલી છે. આ કારણોસર મુંબઈના સ્થાનિક વાહનચાલકોને આ એન્ટ્રી પોઈન્ટ્સ પર પણ નવા વાર્ષિક પાસની ખાસ જરૂર રહેતી નથી.
કોને અને ક્યાં મળી શકે છે લાભ?
આ વાર્ષિક પાસનો લાભ માત્ર એવા નોન-કોમર્શિયલ વાહનમાલિકો લઈ શકે છે જેઓ પાત્રતા ધરાવતા નેશનલ હાઈવે ટોલ પ્લાઝાથી ૨૦ કિલોમીટરની અંદર રહેતા હોય અને જેમની પાસે સક્રિય ફાસ્ટેગ હોય. આ પાસની કિંમત મ્યુનિસિપલ હદની બહારના પ્લાઝા માટે વાર્ષિક ૧,૫૦૦ રૂપિયા અને હદની અંદરના પ્લાઝા માટે ૩,૦૦૦ રૂપિયા રાખવામાં આવી છે. પાલઘરના ચારોટી ટોલ પ્લાઝા જેવા નેશનલ હાઈવે વિસ્તારોના સ્થાનિક રહેવાસીઓને નિયમોની ચકાસણી બાદ ચોક્કસપણે ફાયદો થઈ શકે છે, પરંતુ મુંબઈના મુખ્ય બ્રિજ અને માર્ગો પર મુસાફરી કરનારાઓ માટે આ નિયમ ખાસ રાહત લઈને આવ્યો નથી.
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
