તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th July 2026
ટ્રોલ્સને મુંબઈના મેયરનો સણસણતો જવાબ: "હું ‘રીલ્સ સ્ટાર’ નહીં, ‘રિયલ સ્ટાર’ છું કે નહીં તે મુંબઈવાસીઓ નક્કી કરશે, બીજા કોઈને હક નથી!"
કોસ્ટલ રોડ પર જોખમી રીતે બેઠેલા બાળકોને બચાવવા મેયર રસ્તા પર ઉતર્યા તો સોશિયલ મીડિયા પર 'ફોટો-ઓપ' કહીને કરાયા ટ્રોલ; મેયરે કહ્યું– "મારામાં રહેલો પાયાનો કાર્યકર હંમેશા જનતા માટે બહાર આવશે"

મુંબઈ : સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીઝથી લઈને રાજકારણીઓને ટ્રોલ કરવા એ આજકાલ એક સામાન્ય પ્રવાહ બની ગયો છે, પરંતુ જ્યારે આ ટ્રોલિંગનો સામનો કોઈ સક્ષમ મહિલા નેતાને કરવો પડે ત્યારે તેનો વળતો પ્રહાર જોરદાર હોય છે. આવું જ કંઈક મુંબઈમાં જોવા મળ્યું છે. મુંબઈના મેયર રિતુ તાવડેએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમના વિરુદ્ધ થઈ રહેલા ભારે ટ્રોલિંગનો જડબાતોડ જવાબ આપ્યો છે. કોસ્ટલ રોડની તેમની તાજેતરની ઓચિંતી મુલાકાતનો બચાવ કરતા તેમણે સિંહગર્જના કરી છે કે, તેમના આ પગલાં કોઈ પબ્લિસિટી સ્ટંટ કે પ્રચાર માટેના નહોતા, પરંતુ માત્ર ને માત્ર જાહેર સલામતી અને નાગરિકોની સુરક્ષાની ચિંતાથી પ્રેરિત હતા.
વાત એમ છે કે, મુંબઈમાં ભારે ચોમાસાની સ્થિતિ વચ્ચે મેયર રિતુ તાવડે કોસ્ટલ રોડના નિરીક્ષણ માટે નીકળ્યા હતા. આ દરમિયાન ભારે ભરતી હોવા છતાં કેટલાક નાગરિકો દરિયાની દિવાલો પર જોખમી રીતે બેઠેલા જોવા મળ્યા હતા. મેયરે પ્રોટોકોલ બાજુ પર મૂકીને નાગરિકોને આકરી ભાષામાં ઠપકો આપ્યો હતો અને દરિયાની ખરાબ પરિસ્થિતિમાં પોતાનો કિંમતી જીવ જોખમમાં ન નાખવા કડક ચેતવણી આપી હતી. જોકે, આ ઘટનાની વિડીયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ નેટીઝન્સે તેમને ઘેરવાનું શરૂ કર્યું હતું. ઘણા વપરાશકર્તાઓએ મેયર પર એવો આક્ષેપ કર્યો હતો કે તેઓ સુરક્ષા નિરીક્ષણને "ફોટો-ઓપ" (ફોટો પડાવવાની તક) માં ફેરવી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ રીલ્સ માટે સામગ્રી બનાવી રહ્યા છે.
સમુદ્રના તોફાની મોજા અને મેયરની આપવીતી:
સોશિયલ મીડિયા પર શેર કરેલા એક સત્તાવાર વિડીયો દ્વારા વાકબાણ છોડતા મેયરે ખુલાસો કર્યો કે, "મેં જ્યારે રેલિંગની સાવ ધાર પર નાના માસૂમ બાળકોને ખતરનાક રીતે બેઠેલા જોયા, ત્યારે હું મારી ગાડીમાંથી ઉતરીને ત્યાં જવા મજબૂર થઈ હતી. દરિયાના મોજા એટલા શક્તિશાળી અને મોટા હતા કે તે ગમે ત્યારે એ બાળકોને પોતાની સાથે ખેંચીને દરિયામાં સમાવી શક્યા હોત. એક માતા અને મુંબઈના સેવક તરીકે હું આ કેવી રીતે જોઈ શકું? તેથી જ હું ત્યાં ગઈ હતી."
મેયરે લાલચોળ થતા વધુમાં ઉમેર્યું કે, "મુંબઈના પ્રથમ નાગરિક અને સાચા સેવક તરીકે, હું મારા સાથી મુંબઈકરોની રક્ષા માટે ત્યાં ગઈ હતી, કોઈ 'રીલ્સ સ્ટાર' બનવા માટે નહીં. સોશિયલ મીડિયા પર બેસીને કમેન્ટ કરનારા નહીં, પરંતુ મુંબઈની જનતા પોતે નક્કી કરશે કે હું 'રીલ્સ સ્ટાર' છું કે 'રિયલ સ્ટાર'. બીજા કોઈને મારી કામગીરી પર સવાલ ઉઠાવવાનો કે તે નક્કી કરવાનો કોઈ અધિકાર નથી."
પોતાની સામાન્ય પરિવારથી શરૂ થયેલી રાજકીય સફર પર પ્રકાશ પાડતા તેમણે ગર્વથી જણાવ્યું કે, તે આજે ભલે શહેરના સર્વોચ્ચ નાગરિક પદ (મેયર) પર બિરાજમાન હોય, પરંતુ હૃદયથી તે આજે પણ એક પાયાના કાર્યકર (ગ્રાઉન્ડ લેવલ વર્કર) જ છે. સતત જનસેવા અને આંદોલનો કરીને તે પહેલા કોર્પોરેટર બન્યા અને ત્યારબાદ આ પદ સુધી પહોંચ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જ્યારે પણ મુંબઈગરાઓ મુશ્કેલીમાં હશે, ત્યારે તેમનામાં રહેલો આંદોલનકારી કાર્યકર એસી ચેમ્બર છોડીને રસ્તા પર ઉતરી જ આવશે. જે લોકો તેમને વર્ષોથી જાણે છે, તેઓ તેમની આ કાર્યશૈલીથી સારી રીતે વાકેફ છે. મેયરના આ આકરા તેવર જોઈને હાલ તો ટ્રોલ્સ પણ શાંત થઈ ગયા છે.
(7:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
