News of Tuesday, 8th September 2026
મુંબઈ લોકલમાં મોટી બેદરકારીથી મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા: પનવેલ-CSMT એસી ટ્રેન એકપણ સ્ટેશને રોકાયા વગર દોડતી રહી
ડબ્બામાં બંધ ૮-૧૦ મુસાફરોમાં ભારે અફડાતફડી, ઇમર્જન્સી ઇન્ટરકોમથી મોટરમેનનો સંપર્ક કરવાનો નિષ્ફળ પ્રયાસ: વીડિયો વાયરલ થતાં રેલવે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો

મુંબઈ : મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. સામાન્ય રીતે હાર્બર લાઈન પર તમામ સ્ટેશને ઊભી રહેતી ધીમી ટ્રેનો દોડતી હોય છે, પરંતુ પનવેલથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફ જતી એક એસી (AC) લોકલ ટ્રેન પોતાના રૂટના એકપણ સ્ટેશને રોકાયા વિના ફાસ્ટ ટ્રેનની જેમ સતત દોડતી રહી હતી. સ્ટેશનો એક પછી એક પસાર થવા છતાં ટ્રેન ન રોકાતાં ડબ્બામાં સવાર મુસાફરોમાં ગભરાટ અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એસી લોકલના ડબ્બામાં એક નાનું બાળક અને મહિલાઓ સહિત આશરે ૮ થી ૧૦ મુસાફરો ફસાયેલા હતા. ટ્રેન રોકાતી ન હોવાથી મૂંઝવાયેલા મુસાફરો શું થઈ રહ્યું છે તે જાણવા માટે ટ્રેનમાં લાગેલા ઇમર્જન્સી ઇન્ટરકોમ ડિવાઈસ પાસે ભેગા થઈ ગયા હતા અને મોટરમેન સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી, પરંતુ મુંબઈના લાખો પ્રવાસીઓની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થયો છે.
રેલવે મંત્રી અને PMO ને ટેગ કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ
મુંબઈ રેલ પ્રવાસી સંઘે આ ઘટનાની આકરી ટીકા કરીને ગંભીર નોંધ લીધી છે. સંઘે મધ્ય રેલવેના મુંબઈ વિભાગ ઉપરાંત રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને વડાપ્રધાન કાર્યાલય (PMO) ને ટૅગ કરીને તાત્કાલિક તપાસ અને દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. સંઘે સવાલ ઉઠાવ્યો હતો કે જો કોઈ ટ્રેન નિયંત્રણ બહાર જાય કે સિગ્નલ છતાં ન રોકાય તો તેને કંટ્રોલ કરવા રેલવે પાસે શું વ્યવસ્થા છે?
ટ્રેન કારશેડ તરફ જઈ રહી હોવાનો દાવો, રેલવેએ તપાસ હાથ ધરી
બીજી તરફ સોશિયલ મીડિયા પર એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ ટ્રેન ખાલી કરીને કારશેડ તરફ લઈ જવામાં આવી રહી હતી અને તે અંગે એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવ્યું હતું, છતાં કેટલાક મુસાફરો અંદર રહી ગયા હતા. જોકે, મધ્ય રેલવે દ્વારા આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. રેલવેના અધિકૃત એકાઉન્ટ 'રેલવે સેવા' એ જણાવ્યુ હતું કે આ મામલાની ગંભીર નોંધ લઈને સંબંધિત અધિકારીઓને તપાસ સોંપવામાં આવી છે.
(8:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
