તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 7th September 2026
મુંબઈ પર તોળાઈ રહ્યું છે જળપ્રલયનું ભયાનક જોખમ: ક્લાઈમેટ ચેન્જ અને દરિયાની વધતી સપાટીથી સદીના અંત સુધીમાં શહેરનો મોટો ભાગ સમુદ્રમાં ગરકાવ થવાની દહેશત!
૧૪૯ કિમી લાંબા દરિયાકાંઠે પાલિકાનું નવેસરથી જોખમ મૂલ્યાંકન; યુએન અને એમસીએપીના રિપોર્ટ અનુસાર ૨૦૫૦ સુધીમાં દક્ષિણ મુંબઈનો મોટો હિસ્સો ડૂબવાની આશંકા

મુંબઈ : ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (Climate Change) ના ગંભીર પરિણામોનો સામનો કરી રહેલા આર્થિક પાટનગર મુંબઈ માટે એક અત્યંત ચિંતાજનક અને ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. અરબી સમુદ્રની સતત વધી રહેલી જળસપાટીને કારણે સદીના અંત સુધીમાં મુંબઈનો મોટો ભાગ કાયમી ધોરણે સમુદ્રમાં ગરકાવ થઈ જવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ગંભીર ખતરાને ધ્યાનમાં રાખીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા શહેરના ૧૪૯ કિલોમીટર લાંબા દરિયાકાંઠાનું નવેસરથી જોખમ મૂલ્યાંકન (Risk Assessment) કરવાનું કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મુંબઈના દરિયાકિનારે વસતા ૧.૪ કરોડથી વધુ નાગરિકો માટે પૂર અને જળભરાવનું જોખમ સતત વધી રહ્યું છે. પાલિકા દ્વારા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો અને પૂરગ્રસ્ત વસાહતોના વિગતવાર નકશા તૈયાર કરવામાં આવી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં પશ્ચિમ કિનારે 'કોસ્ટલ રોડ' પ્રોજેક્ટ માટે ૧૦૦ હેક્ટરથી વધુ સમુદ્રી જમીનનું રિક્લેમેશન (ભરાવ) કરવામાં આવ્યું છે અને પૂર્વ વિસ્તારમાં ડેવલપમેન્ટ માટે સોલ્ટ પેનની જમીન અનામત રાખવામાં આવી છે. ભૂગોળમાં થયેલા આ મોટા ફેરફારોને કારણે દરિયાઈ પ્રવાહો બદલાયા છે, જેથી નવો ઈમ્પેક્ટ સ્ટડી અનિવાર્ય બન્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર (UN) ના એક રિપોર્ટ અનુસાર, વૈશ્વિક જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને જો એન્ટાર્કટિકાના બરફના થર આ જ ઝડપે પીગળતા રહેશે તો સદીના અંત સુધીમાં દરિયાઈ સ્તર અડધા મીટરથી લઈને બે મીટર સુધી વધી શકે છે. આ અગાઉ 'મુંબઈ ક્લાઇમેટ એક્શન પ્લાન' (MCAP) માં પણ ચેતવણી અપાઈ હતી કે ૨૦૫૦ સુધીમાં દક્ષિણ મુંબઈનો મોટો હિસ્સો ડૂબવાની આશંકા છે. આ જોખમને પહોંચી વળવા પાલિકા હવે લાંબા ગાળાની સુરક્ષા યોજનાઓ પર કામ કરી રહી છે.
વધતા દરિયાઈ સ્તર અને ક્લાઈમેટ ચેન્જના આ ખતરા સામે મુંબઈ જેવા કિનારાના મહાનગરોને બચાવવા માટે તાત્કાલિક ધોરણે કોઈ કઠોર વૈશ્વિક અને સ્થાનિક નીતિઓ અપનાવવી જરૂરી છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
