તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 29th May 2026
મુંબઈ-હજીરા પોર્ટ પર યાર્ન ભરેલા રૂ.૨૫૦ કરોડના ૧૦૦૦ કન્ટેનર અટક્યા
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈઃ હાઈકોર્ટના સ્ટે ઓર્ડરથી વેપારીઓને આર્થિક નુકસાનનો ડર

મુંબઈ,તા.૨૯: સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે ચિંતાજનક પરિસ્થિતિ ઊભી થઈ છે. મુંબઈ અને હજીરા પોર્ટ પર હાઈ ક્વોલિટી યાર્નથી ભરેલા અંદાજે ૧,૦૦૦ જેટલા કન્ટેનર ફ્રીઝ થતા યાર્ન વેપારીઓમાં ભારે ચિંતા ફેલાઈ છે. કરોડો રૂપિયાનું માલ પોર્ટ પર અટવાઈ જતાં વેપારીઓને આર્થિક નુકસાનની ભીતિ સતાવી રહી છે, જ્યારે સમગ્ર ટેક્સટાઇલ માર્કેટમાં અનિヘતિતાનો માહોલ સર્જાયો છે.
માહિતી મુજબ, કેન્દ્ર સરકારે ગયા વર્ષે નવેમ્બર મહિનામાં હાઈ ક્વોલિટી યાર્નની આયાતને લઈને એક મહત્વપૂર્ણ નોટિફિકેશન જાહેર કર્યું હતું. આ નોટિફિકેશન અંતર્ગત ખાસ પ્રકારના યાર્નની આયાત માટે નવી જોગવાઈઓ અમલમાં આવી હતી. જોકે, દેશની પાંચ મોટી સ્પીનર્સ કંપનીઓએ આ નોટિફિકેશનનો વિરોધ કરતા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીની સુનાવણી બાદ હાઈકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવતા પોર્ટ પર પહોંચેલા તમામ સંબંધિત કન્ટેનરને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવ્યા હતા.
વેપારીઓનું કહેવું છે કે, તેમણે સરકારના નિર્ણય અને બજારની માગને ધ્યાનમાં રાખીને મહિના પહેલાં જ વિદેશી સપ્લાયરોને ઓર્ડર આપ્યા હતા. તે મુજબ યાર્નના કન્ટેનર હવે મુંબઈ અને હજીરા પોર્ટ પર પહોંચી ગયા છે, પરંતુ કોર્ટના સ્ટે ઓર્ડર બાદ અગાઉથી બુક કરાયેલા કન્ટેનર પણ અટવાઈ જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હાલ અંદાજે રૂ.૨૫૦ કરોડથી વધુનું યાર્ન પોર્ટ પર ફસાયેલું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.
વેપારીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે, લાંબા સમય સુધી કન્ટેનર અટવાયેલા રહેશે તો ડેમરેજ ચાર્જ, સ્ટોરેજ ખર્ચ અને ઓર્ડર ડિલિવરીમાં વિલંબને કારણે મોટું આર્થિક નુકસાન ભોગવવું પડી શકે છે. ખાસ કરીને સુરતના પાવરલૂમ, પ્રોસેસિગ અને ફેબ્રિક માર્કેટ પર તેની સીધી અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાઈ ક્વોલિટી યાર્નનો ઉપયોગ ખાસ પ્રકારના કાપડ અને નિકાસલક્ષી ઉત્પાદનમાં થતો હોવાથી ઉત્પાદન ચક્ર પણ પ્રભાવિત થઈ શકે છે. વેપારીઓએ આ મુદ્દે આજે ચેમ્બર ઓફ કોમર્સ સમક્ષ રજૂઆત કરી હતી.
૧૫થી વધુ યાર્ન આયાતકારોએ ચેમ્બરને મળીને રજૂઆતમાં જણાવ્યું કે, કોર્ટના સ્ટે પહેલાં આપવામાં આવેલા ઓર્ડર અને પહેલેથી શિપમેન્ટમાં રહેલા કન્ટેનરને રાહત આપવામાં આવે. વેપારીઓનું માનવું છે કે નવા નિયમો લાગુ થયા બાદના ઓર્ડર પર પ્રતિબંધ મૂકવો અલગ બાબત છે, પરંતુ પહેલેથી બુક થયેલા અને માર્ગમાં રહેલા માલને અટકાવવાથી આયાતકારોને અન્યાય થઈ રહ્યો છે. વેપારીઓએ એ પણ જણાવ્યું કે હાલમાં હજુ કેટલાક નવા કન્ટેનર વિદેશથી ભારત તરફ આવી રહ્યા છે. જો સમયસર સ્પષ્ટતા નહીં થાય તો આગામી દિવસોમાં વધુ કન્ટેનર પોર્ટ પર અટવાઈ શકે છે, જેના કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે.
ચેમ્બર ઓફ કોમર્સે વેપારીઓની રજૂઆતને ગંભીરતાથી લઈ પોર્ટ સત્તાધીશો તેમજ કેન્દ્ર સરકાર સમક્ષ મુદ્દો ઉઠાવવાનો વિશ્વાસ આપ્યો છે. વેપારીઓએ માગ કરી છે કે અંતિમ નિર્ણય આવે ત્યાં સુધી કોર્ટના સ્ટે પહેલાંના તમામ ઓર્ડરને ખાસ છૂટછાટ આપી કન્ટેનર રિલીઝ કરવામાં આવે. આ સમગ્ર મામલે સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં ભારે ચિતા વ્યાપી ગઈ છે. જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો યાર્ન સપ્લાય ચેઇન ખોરવાશે અને તેની અસર સીધી ફેબ્રિક ઉત્પાદન તથા વેપાર પર પડશે. હાલ સમગ્ર ઉદ્યોગ સરકાર અને કોર્ટના આગામી નિર્ણય પર નજર રાખી રહ્યો છે
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
