તા. ૨૭ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૧૪ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
મુંબઈ બનાવશે પોતાનો ‘પાતાળ લોક’: જમીનથી પચાસ મીટર નીચે ૭૦ કિલોમીટરનું ભવ્ય ટનલ નેટવર્ક; કલાકોની ટ્રાફિક સમસ્યામાંથી મળશે મુક્તિ
મુંબઈ-MMR ના ટ્રાફિકમાં રિવોલ્યુશન: થાણેથી બોરીવલી માત્ર ૧૫ મિનિટમાં, દક્ષિણ મુંબઈથી એરપોર્ટ પહોંચાશે ૨૦ મિનિટમાં; અંડરગ્રાઉન્ડ કોરિડોર પર વાહનો ૮૦ કિમીની ઝડપે દોડશે

મુંબઈ, તા.૨૯: દેશની આર્થિક રાજધાની મુંબઈ ટ્રાફિકની ગંભીર સમસ્યામાંથી કાયમી છુટકારો મેળવવા માટે એક અતિ આધુનિક અને મહત્વાકાંક્ષી માળખાકીય ક્રાંતિ તરફ આગળ વધી રહી છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન (MMR) ના મુખ્ય વિસ્તારોને જોડવા માટે જમીન નીચે ૭૦ કિલોમીટર લાંબુ સંકલિત અંડરગ્રાઉન્ડ ટનલ ગ્રીડ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેને વ્યાપકપણે શહેરનું 'પાતાળ લોક' અથવા 'શેડો રોડ નેટવર્ક' તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ ભૂગર્ભ નેટવર્ક પૂર્ણ થયા બાદ વાહનો જમીનની નીચે ૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકશે, જેનાથી સપાટી પરના ભારે ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.
રૂ. ૩,૦૦૦ કરોડથી વધુના ખર્ચે થાણે-બોરીવલી ટ્વીન ટનલ:
આ પ્રોજેક્ટનો સૌથી મહત્વપૂર્ણ ઘટક ૧૧.૮૪ કિલોમીટર લાંબી થાણે-બોરીવલી ટ્વીન ટનલ છે, જે ₹૩,૦૨૯.૫૧ કરોડના અંદાજિત ખર્ચે સાકાર થઈ રહી છે. જેમાં ૧૦.૨૫ કિમીની ભૂગર્ભ ટ્વીન ટનલ અને ૧.૫૯ કિમીના એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. આ ટનલ થાણેના ઘોડબંદર રોડને બોરીવલીના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સાથે સીધી જોડશે. આ રૂટ શરૂ થવાથી હાલમાં લાગતો ૬૦ થી ૯૦ મિનિટનો સમય ઘટીને માત્ર ૧૫ મિનિટ થઈ જશે.
એન્જિનિયરિંગનો અજૂબો: ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ટનલ:
બીજો મહત્ત્વનો કોરિડોર ₹૧,૨૫૦ કરોડના ખર્ચે બની રહેલી ઓરેન્જ ગેટ-મરીન ડ્રાઇવ ટનલ છે. ૭ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતી આ ટ્વીન ટનલ જમીનથી લગભગ ૫૨ મીટર ઊંડાણમાં નિર્માણ પામી રહી છે. તે સેન્ટ્રલ રેલ્વે, વેસ્ટર્ન રેલ્વે અને ભૂગર્ભ મેટ્રો લાઇન-૩ ની નીચેથી પસાર થશે, જેને મુંબઈના ઇતિહાસમાં સૌથી સબળ અને પડકારજનક એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ પૈકીનો એક માનવામાં આવે છે.
અટલ સેતુથી દક્ષિણ મુંબઈ અને બાંદ્રા-બીકેસી કનેક્ટિવિટી:
· અટલ સેતુથી ગિરગાંવ ચોપાટી: નવી મુંબઈને દક્ષિણ મુંબઈ સાથે સીમલેસ કનેક્ટિવિટી આપવા માટે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (અટલ સેતુ) ને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે મારફતે ગિરગાંવ ચોપાટી સાથે ભૂગર્ભ માર્ગથી જોડવાની યોજના છે.
· બાંદ્રા-બીકેસી ટનલ: દક્ષિણ મુંબઈ, બીકેસી (Bandra Kurla Complex) અને ઈન્ટરનેશનલ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટી સુધારવા માટે ખાસ ટનલ પ્રસ્તાવિત છે, જેનાથી દક્ષિણ મુંબઈથી એરપોર્ટ સુધીનો મુસાફરીનો સમય ઘટીને માત્ર ૨૦ મિનિટ રહી જશે.
આ સમગ્ર અંડરગ્રાઉન્ડ સિસ્ટમ કાર્યરત થતાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરનું દબાણ ઘટી જશે અને લાખો વાહનચાલકોનો દરરોજનો કિંમતી સમય અને ઈંધણ બચશે.
(5:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
