News of Saturday, 27th June 2026
મુંબઈ એરપોર્ટ મેટ્રો સ્ટેશન પર 'ફિલ્મી સ્ટાઈલ' ચેઝિંગ: મહિલા સુરક્ષા ગાર્ડની સતર્કતાથી ૩૩૮ ગ્રામ ગાંજા સાથે મુસાફર ઝડપાયો; ભાગવા જતાં સુરક્ષા કર્મીઓએ દબોચ્યો
સામાનના સ્કેનિંગ દરમિયાન પકડાઈ ગઈ ચાલાકી: ઘાટકોપર જતી ટ્રેનમાં નશીલા પદાર્થના નવ પેકેટ લઈને ચઢવાનો હતો પ્લાન, અંધેરી પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી

મુંબઈ : માયાનગરી મુંબઈના વ્યસ્ત એરપોર્ટ મેટ્રો સ્ટેશન પર રવિવારે એક બોલિવૂડ ફિલ્મ જેવો હાઈ-વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મેટ્રો સ્ટેશન પર તૈનાત એક મહિલા સુરક્ષા ગાર્ડની તીક્ષ્ણ નજર અને અસાધારણ સતર્કતાને કારણે મુંબઈ મેટ્રો વન ટ્રેનમાં મુસાફરી કરી રહેલો એક શંકાસ્પદ ડ્રગ પેડલર રંગેહાથ પકડાઈ ગયો છે. તેની બેગમાંથી આશરે ૩૩૮ ગ્રામ શંકાસ્પદ ગાંજાનો જથ્થો મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચોંકી ઉઠી હતી. આ ઓપરેશન બાદ મેટ્રો પ્રશાસને મહિલા ગાર્ડની બહાદુરીના મુક્તકંઠે વખાણ કર્યા છે.
આ ઘટના ત્યારે બની જ્યારે ઘાટકોપર તરફ જતી મેટ્રો ટ્રેનમાં ચઢવા માટે મુસાફરોની ભીડ જમા થઈ હતી. સ્ટેશન પર નિયમિત સામાનની તપાસ ચાલી રહી હતી, ત્યારે એક્સ-રે સ્કેનિંગ મશીન પર ફરજ બજાવતા મહિલા સુરક્ષા ગાર્ડ કંચન પાંડેએ સ્ક્રીન પર એક મુસાફરની બેગની અંદર કેટલીક શંકાસ્પદ વસ્તુઓ જોઈ. તેમની સિક્યોરિટી સેન્સે તાત્કાલિક સિગ્નલ આપ્યું કે કંઈક ગરબડ છે.
બેગ ખોલતા જ નવ પેકેટમાંથી નીકળ્યો ગાંજો
જ્યારે મહિલા ગાર્ડે શંકાના આધારે તે મુસાફરને રોક્યો અને તેના સામાનની ભૌતિક (મેન્યુઅલ) તપાસ શરૂ કરી, ત્યારે સામાનની પાછળ છુપાવીને રાખેલા નવ નાના-નાના પેકેટો મળી આવ્યા હતા. સિક્યોરિટી ટીમે આ પેકેટો ખોલતા જ તેની અંદરથી અંદાજે ૩૩૮ ગ્રામ પ્રતિબંધિત નશીલો પદાર્થ 'ગાંજો' મળી આવ્યો હતો.
એરપોર્ટ સ્ટેશન પર દોડધામ: ભાગવાનો પ્રયાસ નિષ્ફળ
બહાદુર ટીમની ત્વરિત કાર્યવાહી
પોતાની ચાલાકી પકડાઈ ગઈ હોવાનું અહેસાસ થતાં જ આરોપી મુસાફરે સુરક્ષા કર્મીઓને ઝટકો આપીને સ્ટેશન પરથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કંચન પાંડેએ સહેજ પણ સમય ગુમાવ્યા વિના બૂમો પાડીને અન્ય સાથીદારોને એલર્ટ કરી દીધા. આરોપી ભાગીને ટ્રેન પકડે તે પહેલા જ સુરક્ષા અધિકારી એ. કાંબલે, MSF એએસજી અવિનાસ, સુપરવાઇઝર વસીમ તડવી અને અન્ય સુરક્ષા જવાનોએ ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને તેને પ્લેટફોર્મ પર જ દબોચી લીધો હતો.
અંધેરી પોલીસ સ્ટેશનમાં FIR દાખલ
મેટ્રો સુરક્ષા ટીમે પકડાયેલા આરોપીને અને જપ્ત કરાયેલા ડ્રગ્સના જથ્થાને તાત્કાલિક અંધેરી પોલીસને સોંપી દીધો હતો. અંધેરી પોલીસે આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ એફઆઈઆર (FIR) નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ નશીલો પદાર્થ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને મુંબઈમાં તે કોને સપ્લાય કરવાનો હતો.
મુંબઈ મેટ્રો વનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) શ્યામંતક ચૌધરીએ આ અંગે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું કે, "અમારા મુસાફરોની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કંચન પાંડે અને આખી ટીમે જે વ્યાવસાયિકતા અને ત્વરિતતા બતાવી છે તે ખરેખર પ્રશંસનીય છે. તેમના કારણે જ આજે મેટ્રોમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ટળી છે."
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
