<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મુંબઈ એરપોર્ટ પર DRI નો માસ્ટરસ્ટ્રોક: વિમાનની સીટ નીચે સંતાડેલું રૂ. 23.63 કરોડનું સોનું જપ્ત, સફાઈ કર્મચારીઓ સહિત 8 સોના-તસ્કર જેલ ભેગા!

'ઓપરેશન સ્કાય વોલ્ટ' અને 'ઓપરેશન મિડાસ મોપ' થી દાણચોરોની બે સિન્ડિકેટનો પર્દાફાશ: દુબઈ અને એડિસ અબાબાથી લાવવામાં આવતું હતું કરોડોનું કિંમતી સોનું

મુંબઈ : મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (DRI) ની મુંબઈ ઝોનલ યુનિટે સોનાની દાણચોરી કરનાર બે મોટી આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટનો સપાટો બોલાવી દીધો છે. DRI એ એરક્રાફ્ટના ક્લીનિંગ સ્ટાફના બે સભ્યો અને વિદેશી નાગરિકો સહિત કુલ 8 દાણચોરોની ધરપકડ કરી છે. આ સમગ્ર ધાડ દરમિયાન અધિકારીઓએ રૂ. 23.63 કરોડથી વધુની કિંમતનું ભારે માત્રામાં સોનું જપ્ત કરીને તસ્કરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે.

મળેલી ચોક્કસ બાતમીના આધારે DRI ની ટીમે ગુરુવારની રાત્રે 'ઓપરેશન સ્કાય વોલ્ટ' હાથ ધર્યું હતું. એડિસ અબાબાથી મુંબઈ પહોંચેલા ત્રણ વિદેશી મુસાફરોને અટકાવીને જ્યારે એરક્રાફ્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. વિમાનની સીટ નીચે ખૂબ જ શાતિરતાથી સંતાડેલી 12 કિલો સોનાની લગડીઓ (રૂ. 18 કરોડની કિંમતનું) મળી આવી હતી. DRI એ ત્રણેય વિદેશીઓની ધરપકડ કરી કસ્ટમ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરી છે.

આ પહેલાં બુધવારની રાત્રે જ DRI એ 'ઓપરેશન મિડાસ મોપ' હાથ ધરીને વધુ એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેમાં દુબઈથી આવેલી ફ્લાઈટની સીટ નીચે વેક્સ (મીણ) ના સ્વરૂપમાં સંતાડાયેલું 3.76 કિલો ગોલ્ડ ડસ્ટ (રૂ. 5.63 કરોડની કિંમતનું) ઝડપાઈ ગયું હતું. આ કેસમાં વિમાનના સફાઈ કર્મચારીઓની મદદથી સોનું એરપોર્ટ બહાર સ્મગલિંગ કરવાનો પ્લાન હતો. DRI એ ક્લીનિંગ સ્ટાફના 2 કર્મચારીઓ, 1 પ્રવાસી અને સિન્ડિકેટના અન્ય 2 કિંગપિન સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં હજુ પણ કેટલા મોટા માથા સંકળાયેલા છે તે દિશામાં DRI ની ટીમે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે.

 

(8:05 PM IST)