News of Saturday, 4th July 2026
મુંબઈ એરપોર્ટ પર DRIની એક્શનઃ દુબઈથી આવેલી લેડી સ્મગલરની હાઈ-પ્રોફાઈલ ધરપકડ, પેન્ટની અંદરથી મળ્યું ₹6 કરોડનું વિદેશી સોનું!
ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ્સ એક્ટ હેઠળ આંતરરાષ્ટ્રીય સોનાની તસ્કરીનો પર્દાફાશ; એરપોર્ટ પર કાયદાની આંખમાં ધૂળ નાખવાની ચાલાકી નિષ્ફળ

મુંબઈ : માયાનગરી મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ની ટીમે એક અદભુત ઓપરેશન પાર પાડીને આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. દુબઈથી ફ્લાઈટ પકડીને ભારત આવેલી એક મહિલા મુસાફર પાસેથી DRIની ટીમે અત્યંત ગુપ્ત રીતે છુપાવેલું આશરે ૪ કિલોગ્રામ વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા સોનાની કિંમત આશરે ૬ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે.
DRIની ટીમને પહેલાથી જ એક ચોક્કસ કડી અને બાતમી મળી હતી કે દુબઈની ફ્લાઈટ દ્વારા સોનાનો એક મોટો કન્સાઈનમેન્ટ મુંબઈ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ હતી અને શંકાસ્પદ મુસાફરો પર બાજ નજર રાખવામાં આવી રહી હતી.
પેન્ટની અંદર ગુપ્ત ખિસ્સામાં સોનાની ચાર ભારે લગડીઓ
જેવી જ આ મહિલા એરપોર્ટના પ્રીમાઈસીસમાં કસ્ટમ્સ ક્લિયરન્સ તરફ આગળ વધી, તેની શંકાસ્પદ હિલચાલને કારણે અધિકારીઓએ તેને અટકાવી હતી. મુસાફર મહિલા અને તેના સામાનની જ્યારે સઘન અને ઝીણવટભરી તપાસ કરવામાં આવી, ત્યારે કસ્ટમ્સ અને DRIના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલાએ સુરક્ષા એજન્સીઓ અને સ્કેનિંગ મશીનોની આંખમાં ધૂળ નાખવા માટે પોતાના પેન્ટની અંદર ખૂબ જ ચાલાકીપૂર્વક વિદેશી માર્કિંગ ધરાવતી ૪ મોટી સોનાની લગડીઓ છુપાવી રાખી હતી. જોકે, તેની આ સ્માર્ટનેસ DRIની અત્યંત સચોટ તપાસ સામે નિષ્ફળ સાબિત થઈ હતી.
આંતરરાષ્ટ્રીય તસ્કરીના નેટવર્કની શોધખોળ શરૂ
DRI દ્વારા કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની કડક જોગવાઈઓ હેઠળ ૪,૦૦૦ ગ્રામ સોનાનો આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને મહિલા સ્મગલરની ઘટનાસ્થળેથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. આશરે ૬ કરોડની કિંમતના આ વિદેશી સોનાના સપ્લાય પાછળ દુબઈ અને મુંબઈના કયા મોટા માફિયાઓ અને હેન્ડલર્સ સક્રિય છે, તે જાણવા માટે તપાસ એજન્સીઓ હવે મહિલાની આકરી પૂછપરછ કરી રહી છે. આગામી દિવસોમાં આ મામલે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાંથી અન્ય મોટા તત્વોની ધરપકડ થાય તેવી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
(11:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
