News of Tuesday, 30th June 2026
મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી: દુબઈથી જૂતામાં છુપાવીને લાવેલ ₹2.88 કરોડનું સોનું ઝડપ્યું : કેરળના મુસાફરની ધરપકડ
આરોપી એમ.એ.કે. અબ્દુલ્લા દુબઈથી મુંબઈ આવ્યો હતો: જૂતાની અંદર ખૂબ જ ચતુરાઈથી છુપાવેલી કુલ 2244 ગ્રામની સોનાની લગડીઓ મળી: મોટા દાણચોરી નેટવર્કની તપાસ શરૂ

મુંબઈ કસ્ટમ્સે છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોનાની મોટી દાણચોરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. મળતી માહિતી મુજબ કસ્ટમ્સ અધિકારીઓએ કેરળના એક મુસાફરની ધરપકડ કરીને તેના કબજામાંથી અંદાજે 2.88 કરોડની કિંમતનું 2.244 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. સોનું ચતુરાઈપૂર્વક જૂતાની અંદર છુપાવવામાં આવ્યું હતું.
મુંબઈ કસ્ટમ્સના જણાવ્યા અનુસાર આરોપી એમ.એ.કે. અબ્દુલ્લા દુબઈથી મુંબઈ આવ્યો હતો. તે એરપોર્ટ પર ગ્રીન ચેનલમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે કસ્ટમ્સ અધિકારીઓને તેના પર શંકા ગઈ. ત્યારબાદ તેને રોકીને પૂછપરછ કરવામાં આવી અને તેની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી.
તપાસ દરમિયાન અધિકારીઓએ આરોપીના સામાન તેમજ વ્યક્તિગત તપાસ કરી હતી. આ દરમિયાન તેના જૂતાની અંદર ખૂબ જ ચતુરાઈથી છુપાવેલી સોનાની લગડીઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા સોનાનું કુલ વજન 2244 ગ્રામ હોવાનું સામે આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 2.88 કરોડ છે.
કસ્ટમ્સ વિભાગે સોનાનું મૂલ્યાંકન અને પંચનામાની કાર્યવાહી પૂરી કર્યા બાદ સમગ્ર મામલો એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ને સોંપ્યો છે. પૂછપરછ દરમિયાન આરોપીએ કથિત રીતે સ્વીકાર્યું કે તેણે કસ્ટમ્સ વિભાગને જાણ કર્યા વગર સોનું ભારતમાં લાવ્યું અને છુપાવીને તેની દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો.
મુંબઈ કસ્ટમ્સના જણાવ્યા મુજબ હાલ તપાસ પ્રારંભિક તબક્કામાં છે. તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આરોપી એકલો કામ કરતો હતો કે તેની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરીનું મોટું નેટવર્ક કાર્યરત છે. અધિકારીઓ હવે આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા અને તેમાં સામેલ અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસમાં છે.
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
