તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
દિલ્હીના આરોગ્ય વિભાગમાં કરોડોનું મેડિકલ કૌભાંડ: પૂર્વ DGHS ડૉ. વત્સલા અગ્રવાલની ACB દ્વારા ધરપકડ
દવાઓ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં ગંભીર ગેરરીતિઓ આચરવાના આરોપસર પૂર્વ મહાનિર્દેશકની અટકાયત બાદ વહીવટી તંત્રમાં મચી ગયો મોટો ખળભળાટ

નવી દિલ્હી : દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ શનિવારે આરોગ્ય સેવાઓના પૂર્વ મહાનિર્દેશક (DGHS) ડૉ. વત્સલા અગ્રવાલની કરોડો રૂપિયાના મેડિકલ ખરીદી કૌભાંડમાં ધરપકડ કરી છે. અગાઉ આ જ કેસમાં ડૉ. વિજય કુમાર રંગાની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ ACB દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીને પગલે દિલ્હીના તબીબી વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.
ACBના જણાવ્યા અનુસાર, આ કેસ DGHS હેઠળની સેન્ટ્રલ પ્રોક્યોરમેન્ટ એજન્સી (CPA) દ્વારા કરાયેલી ખરીદીમાં નાણાકીય ગેરરીતિઓ સાથે સંબંધિત છે. તપાસકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે પોર્ટેબલ એક્સ-રે મશીન, એનેસ્થેસિયા વર્કસ્ટેશન અને દવાઓ જેવી વસ્તુઓની ખરીદી હેરાફેરી કરેલી ટેન્ડર પ્રક્રિયા દ્વારા ખૂબ જ ઊંચા દરે કરવામાં આવી હતી. પસંદગીના સપ્લાયર્સને લાભ આપવા માટે કસ્ટમાઇઝ્ડ સ્પેસિફિકેશન બનાવીને જાહેર ભંડોળનો સેંકડો કરોડનો દુરુપયોગ કરવામાં આવ્યો છે.
ડૉ. અગ્રવાલને અગાઉ 21 મેના રોજ DGHS પદ પરથી હટાવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જે બાદ હવે તેમની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે શૂન્ય-સહિષ્ણુતાની નીતિ ધરાવે છે અને આ મામલે દોષિત તમામ અધિકારીઓ તથા ખાનગી સપ્લાયર્સ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
હાલમાં ACB દ્વારા ટેન્ડર ફાઈલો અને ખરીદીના રેકોર્ડની ઝીણવટભરી તપાસ ચાલુ છે. ૨ જૂનના રોજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને ભારતીય ન્યાય સંહિતા હેઠળ નોંધાયેલા આ કેસમાં અન્ય સંડોવાયેલા અધિકારીઓની ભૂમિકા પણ તપાસ હેઠળ છે. આગામી સમયમાં આ કૌભાંડમાં વધુ મોટા માથાઓના નામ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
(10:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
