News of Tuesday, 8th September 2026
ભારતના સૌથી મોટા IPO માટે મુકેશ અંબાણીનો માસ્ટરપ્લાન: Jio ના Mega IPO માટે US, લંડન અને હોંગકોંગમાં ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સાથે બેઠકોનો દોર શરૂ!
નવેમ્બરમાં આવી શકે છે દેશનો સૌથી મોટો IPO; ૨૭ કરોડ નવા શેર બહાર પાડવાની તૈયારી વચ્ચે પેરન્ટ કંપની રિલાયન્સ બોન્ડ્સ દ્વારા ₹૧૨,૫૦૦ કરોડ એકત્ર કરશે.

મુંબઈ, તા. ૦૯: ભારતની સૌથી મોટી ટેલિકોમ અને ડિજિટલ કંપની 'જિઓ પ્લેટફોર્મ્સ' (Jio Platforms) ના મલ્ટિ-બિલિયન ડોલરના પ્રપોઝ્ડ આઈપીઓ (IPO) ને લઈને દેશ અને દુનિયાના શેરબજારમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. સેબી (SEBI) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ હવે રિલાયન્સ ગૃપ સંભવિત વૈશ્વિક રોકાણકારોને આકર્ષવા માટે આક્રમક ગ્લોબલ રોડ-શો કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. સિંગાપોર, હોંગકોંગ, લંડન, મિડલ ઈસ્ટ અને અમેરિકા જેવા વિશ્વના મુખ્ય નાણાકીય કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય ફંડ મેનેજરો અને મોટા ઇન્વેસ્ટર્સ સાથે હાઇ-લેવલ બેઠકો યોજીને કંપનીની ગ્રોથ સ્ટોરી રજૂ કરવામાં આવશે.
જિઓ પ્લેટફોર્મ્સે જૂન ૨૦૨૬માં સેબી સમક્ષ પોતાના ડ્રાફ્ટ પેપર્સ સબમિટ કર્યા હતા, જેને ઓગસ્ટના અંતમાં મંજૂરી મળી ચૂકી છે. આ પ્રપોઝ્ડ ઈશ્યુ હેઠળ કંપની અંદાજે ૨૭ કરોડ નવા શેર બહાર પાડીને પોતાની ઇક્વિટીનું ૨.૯% જેટલું ડાયલ્યુશન કરી શકે છે. જો આયોજન મુજબ બધું બરાબર રહ્યું તો ચાલુ વર્ષના નવેમ્બર મહિનામાં ભારતીય સ્ટોક માર્કેટના ઇતિહાસનો સૌથી મોટો અને બહુપ્રતિક્ષિત આઈપીઓ ધમાકેદાર એન્ટ્રી કરી શકે છે. હાલમાં કંપનીના ટોચના સલાહકારો અને મધ્યસ્થો સાથે ઈશ્યુ સાઈઝ, પ્રાઇસ બેન્ડ અને વેલ્યુએશન અંગે આખરી તબક્કાની ચર્ચાઓ ચાલી રહી છે.
આ મેગા આઈપીઓની ધમાકેદાર તૈયારીઓ વચ્ચે પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પણ મોટો ભંડોળ એકત્ર કરવાની દિશામાં આગળ વધી રહી છે. રિલાયન્સ સ્થાનિક કરન્સી બોન્ડ્સ દ્વારા રૂ. ૧૨,૫૦૦ કરોડ સુધીનું ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે, જેની બેઝ સાઈઝ રૂ. ૧૦,૦૦૦ કરોડ અને ગ્રીનશૂ ઓપ્શન રૂ. ૨,૫૦૦ કરોડ રહેશે. આ સમાચારને પગલે ભારતીય શેરબજારમાં રિલાયન્સના શેરો પર તમામ રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સની નજર ચોંટેલી છે.
(4:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
