તા. ૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૨ મંગળવાર
News of Saturday, 27th June 2026
મુંબઈમાં મોહરમ પર ભયાનક કાવતરું નિષ્ફળ: ૩૦,૦૦૦ લોકોને પેઈનકિલરના નામે 'ઝેરની કેપ્સ્યુલ' આપવાનો હતો પ્લાન
મોહરમના જુલુસમાં પીડા નિવારક દવાની આડમાં ૫૦ કિલો અત્યંત ઝેરી 'ઝિંક ફોસ્ફાઇડ' કેમિકલ યુક્ત ગોળીઓ વહેંચવાના ષડયંત્રનો પર્દાફાશ : ઈરાન કનેક્શન ધરાવતો મુખ્ય સૂત્રધાર ફૈયાઝ પ્રેમજી ૧૪,૯૦૦ મોતના કેપ્સ્યુલ સાથે ઝડપાયો

મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં તહેવારોની મોસમ વચ્ચે એક એવું ભયાનક આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે, જેણે સુરક્ષા એજન્સીઓના પણ હોશ ઉડાવી દીધા છે. મોહરમના પવિત્ર જુલુસ દરમિયાન હજારો નિર્દોષ નાગરિકો અને અકીદતમંદોને નિશાન બનાવીને સામૂહિક નરસંહાર કરવાનું એક સુનિયોજિત કાવતરું સુરક્ષા દળોએ સમયસર પકડી પાડ્યું છે. આ કેસમાં સુરક્ષા એજન્સીઓએ સપાટો બોલાવીને મુખ્ય આરોપી ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી જુલુસમાં સામેલ થનારા લોકોને થાક અને શરીરના દુખાવાથી રાહત આપવાના બહાને પેઈનકિલર કહીને ઝેરી કેપ્સ્યુલ્સનું વિતરણ કરવાની ફિરાકમાં હતો.
આરોપી ફૈયાઝના મનસૂબા એટલા ખતરનાક હતા કે તેણે માનવતાને પણ નેવે મૂકી દીધી હતી. એજન્સીઓએ દરોડો પાડીને તેના કબજામાંથી ૧૪,૯૦૦ શંકાસ્પદ ગોળીઓનો જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે તે અન્ય ૩૦,૦૦૦ ગોળીઓનો ઓર્ડર આપી ચૂક્યો હતો. વૈજ્ઞાનિક પરીક્ષણમાં જાણવા મળ્યું છે કે આ તમામ કેપ્સ્યુલ્સમાં અત્યંત ઘાતક રસાયણ 'ઝિંક ફોસ્ફાઇડ' ઓગાળીને ભેળવવામાં આવ્યું હતું, જે શરીરમાં જતાં જ માણસનું થોડી જ મિનિટોમાં મૃત્યુ નીપજાવી શકે છે. મોટો ખુલાસો એ પણ થયો છે કે આરોપી આ ષડયંત્રને અંજામ આપવા માટે આશરે ૫૦ કિલોગ્રામ જેટલો ઝિંક ફોસ્ફાઇડનો મોટો જથ્થો ગેરકાયદેસર રીતે મેળવવાની આખરી તૈયારી કરી રહ્યો હતો, જેથી હજારો લોકોને એકસાથે મોતને ઘાટ ઉતારી શકાય.
આ સનસનાટીભર્યા કેસમાં હવે આંતરરાષ્ટ્રીય કનેક્શન અને આતંકી એંગલની પણ ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ફૈયાઝ તાજેતરમાં જ ઈરાનની શંકાસ્પદ મુસાફરી કરીને ભારત પરત ફર્યો હતો. આથી પોલીસ અને તપાસ એજન્સીઓ એ દિશામાં કડીઓ જોડી રહી છે કે શું આ વિદેશ પ્રવાસ પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય આતંકવાદી નેટવર્ક અથવા સ્લીપર સેલ સક્રિય છે? આ ઝેરી કેમિકલનો સપ્લાય ક્યાંથી થયો અને તેને ફંડિંગ કોણે પૂરું પાડ્યું, તે તમામ સવાલોના જવાબો મેળવવા માટે મુંબઈ પોલીસ અને એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) આરોપીની આકરી પૂછપરછ કરી રહી છે.
(6:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
