News of Saturday, 27th June 2026
રશિયા-યુક્રેન મહાયુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી ભયાનક હવાઈ હુમલો: યુક્રેને એક જ રાતમાં રશિયાના પાટનગર મોસ્કો સહિત એક ડઝનથી વધુ પ્રાંતો પર ૬૬૦ ડ્રોન છોડ્યા હોવાનો રશિયાનો સત્તાવાર દાવો
મોસ્કોના ત્રણ મુખ્ય એરપોર્ટ પર ફ્લાઈટ્સ બંધ કરવી પડી, તુલા પ્રાંતમાં કેમિકલ પ્લાન્ટને નિશાન બનાવવામાં આવતા ગેસ લીકેજ અને ભારે બ્લેકઆઉટની સ્થિતિ સર્જાઈ; રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના 'ઓપરેશન ૪૦' અંતર્ગત રશિયાના શહેરો પર દબાણ વધારવાની આક્રમક વ્યૂહરચના

મોસ્કો/કિવ:રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સૈન્ય સંઘર્ષે હવે અત્યંત વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. યુક્રેન દ્વારા રશિયાના સૈન્ય પ્રતિષ્ઠાનો અને ઔદ્યોગિક વિસ્તારોને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી મોટો અને ભયાનક ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે શુક્રવારે વહેલી સવારે યુક્રેને રશિયાની સરહદો ઓળંગીને મોસ્કો સહિત ૧૨થી વધુ પ્રાંતોમાં એકસાથે ૬૬૦ આત્મઘાતી ડ્રોન દ્વારા બોમ્બમારો કરવાનો પ્રયાસ કર્યો હતો. રશિયન એર ડિફેન્સ સિસ્ટમે આ તમામ ૬૬૦ ડ્રોનને આકાશમાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. આ ભયાનક સૈન્ય સંઘર્ષમાં અત્યાર સુધીમાં પાંચ લોકોના મોતના અહેવાલ છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
પાટનગર મોસ્કો પર ૪૭ ડ્રોનનો હુમલો, વિમાન સેવાઓ ઠપ
રશિયાના પાટનગર મોસ્કો અને તેની આસપાસના વિસ્તારોને યુક્રેનિયન ડ્રોન્સે સીધા નિશાન બનાવ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે પાટનગરની સુરક્ષા વ્યવસ્થાને ભેદીને અંદર ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા ૪૭ ડ્રોનને એર ડિફેન્સ દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. આ હુમલાની તીવ્રતાને જોતા તકેદારીના ભાગરૂપે મોસ્કોના મુખ્ય ત્રણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ - ડોમોડેડોવો, વ્નુકોવો અને શેરેમેત્યેવો પર વિમાનોની અવરજવર તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવી હતી અને માત્ર વિશેષ મંજૂરી પ્રાપ્ત ફ્લાઈટ્સને જ ઓપરેટ થવા દેવામાં આવી હતી.
તુલા કેમિકલ પ્લાન્ટ પર હુમલો: એમોનિયા ગેસ લીક અને પાવર ગ્રીડ ઠપ
આ ભયાનક હુમલાનો મુખ્ય ટાર્ગેટ મોસ્કો નજીક આવેલો તુલા પ્રાંત અને ત્યાં આવેલો પ્રખ્યાત 'એઝોટ કેમિકલ પ્લાન્ટ' હતો. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કેમિકલ પ્લાન્ટ પર યુક્રેનના ડ્રોન ત્રાટક્યા બાદ તીવ્ર વિસ્ફોટો થયા હતા. વિસ્ફોટોને કારણે સમગ્ર વિસ્તારમાં એમોનિયા ગેસ ફેલાઈ ગયો હતો અને સ્થાનિકોને ભારે દુર્ગંધનો સામનો કરવો પડ્યો હતો. તુલાના ગવર્નર દિમિત્રી મિલિયેવે આ માસિવ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે શ્ચેકિનો જિલ્લામાં એક મોટો પાવર કટ (બ્લેકઆઉટ) થઈ ગયો છે, જ્યાં વીજળી ગુલ થવાના કારણે હજારો ઘરો અંધારપટમાં ડૂબી ગયા છે. હુમલામાં રહેણાંક મકાનોને પણ નુકસાન થયું છે અને એક મહિલા ઘાયલ થઈ છે.
ક્રીમિયા અને બ્લેક સી રીજનમાં સાર્વત્રિક વિસ્ફોટો
રશિયા દ્વારા પચાવી પાડવામાં આવેલા ક્રીમિયા દ્વીપકલ્પ, બ્લેક સી (કાળો સમુદ્ર) અને સી ઓફ અઝોવ પર પણ યુક્રેનિયન ડ્રોન્સનું મોટું આક્રમણ જોવા મળ્યું હતું. ક્રીમિયાના કેર્ચ ફેરી ક્રોસિંગ નજીક જોરદાર ધડાકા સંભળાયા હતા અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ખેરસન ક્ષેત્રમાં પણ રશિયન હસ્તકના પાવર ગ્રીડ અને લોજિસ્ટિક સપ્લાય લાઈનોને ભારે નુકસાન થતાં વીજ પુરવઠો સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો.
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનું 'ઓપરેશન ૪૦' અને યુક્રેનની નવી રણનીતિ
લશ્કરી વિશ્લેષકોના મતે, આ ભયાનક ડ્રોન હુમલો યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા સુરક્ષા ઓપરેશનનો એક ભાગ છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની સુરક્ષા સેવા (SBU) ના ૪૦ દિવસના વિશેષ દબાણ અભિયાનને મંજૂરી આપી છે, જેને 'ઓપરેશન ૪૦' નામ આપવામાં આવ્યું છે. આ વ્યૂહરચના હેઠળ રશિયાના ૪૦ મોટા શહેરો અને એનર્જી સેક્ટર (તેલ અને ગેસ રિફાઇનરીઓ) ને નિશાન બનાવીને રશિયા પર આર્થિક અને લશ્કરી દબાણ વધારવાનો યુક્રેનનો પ્લાન છે, જેથી મોસ્કોને આ યુદ્ધનો અંત લાવવા માટે મજબૂર કરી શકાય. વળતા પ્રહારમાં રશિયાએ પણ યુક્રેનના સરહદી વિસ્તારોમાં મિસાઈલ હુમલા તેજ કર્યા છે, જેમાં બે યુક્રેનિયન નાગરિકોના મોત થયા હોવાના અહેવાલ છે. બંને પક્ષે વધી રહેલા આ આક્રમણથી યુદ્ધ વધુ વણસે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
