<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

આ છે દુનિયાનું સૌથી મોંઘું ગાદલું: જે ઘોડાના વાળમાંથી બને છેઃ કિંમત ૭.૩ કરોડ રૂપિયા

હોલિવૂડ કલાકારોથી લઈને શાહી પરિવારો સુધી ઉપયોગ

મુંબઇ તા.૮: આજના આધુનિક યુગમાં લોકો સારી ઊંઘ અને આરામદાયક લાઈફસ્‍ટાઈલ માટે લાખો રૂપિયા ખર્ચવા તૈયાર રહે છે. પરંતુ શું તમે કલ્‍પના કરી શકો છો કે, માત્ર એક ગાદલા ની કિમત ૭ કરોડ રૂપિયા કરતાં પણ વધુ હોઈ શકે? સ્‍વીડનની જાણીતી લક્‍ઝરી સ્‍લીપ બ્રાન્‍ડ હેસ્‍ટેન્‍સ દ્વારા બનાવવામાં આવતું ગ્રાન્‍ડ વિવિડસ મોડેલ હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્‍યું છે. આ ગાદલાની કિમત લગભગ ૬૫૬,૯૯૦ (આશરે ૭.૩ કરોડ) જેટલી છે. આટલી મોટી રકમમાં ભારતમાં કોઈ પણ મેટ્રો સિટીમાં આલીશાન વિલા કે પ્રીમિયમ એપાર્ટમેન્‍ટ ખરીદી શકાય છે.

હેસ્‍ટેન્‍સ કંપનીની સ્‍થાપના વર્ષ ૧૮૫૨માં પેર એડોલ્‍ફ જેનસન દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં કંપની ઘોડાના સામાન અને લેધર ગુડ્‍સ બનાવતી હતી, પરંતુ બાદમાં તેમણે લક્‍ઝરી બેડ બનાવવા પર ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું. આ ગાદલું કોઈ સામાન્‍ય મશીન કે ફેક્‍ટરીમાં માસ-પ્રોડક્‍શન દ્વારા બનતું નથી. 'ગ્રાન્‍ડ વિવિડસ'ના દરેક એક ગાદલાને તૈયાર કરવા માટે નિષ્‍ણાત કારીગરો હાથ વડે કામ કરે છે. આ આખી પ્રક્રિયામાં આશરે ૬૦૦ કલાક એટલે કે ૨૫ દિવસથી વધુનો સમય લાગે છે.

આ ગાદલાની સૌથી મોટી ખાસિયત તેમાં વપરાતી સામગ્રી છે. તેમાં કોઈપણ પ્રકારના સિન્‍થેટિક ફોમ કે મેમરી ફોમનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેની જગ્‍યાએ ઘોડાના પૂંછડાના વાળ કુદરતી કોટન, ઊન (Wool) અને ફલેક્‍સ (Flax)નો ઉપયોગ થાય છે. ઘોડાના વાળને ખાસ કુદરતી પ્રક્રિયા દ્વારા ગોળ સ્‍પાયરલ આકાર આપવામાં આવે છે, જે ગાદલાની અંદર નેચરલ સ્‍પ્રિંગ તરીકે કામ કરે છે. આ વાળ શરીરના દરેક ભાગને ઉત્તમ સપોર્ટ આપે છે અને કુદરતી વેન્‍ટિલેશન પૂરું પાડે છે. આ કારણે ઊંઘતી વખતે ગાદલામાં ભેજ જમા થતો નથી અને શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે.

જો તમને ૭.૩ કરોડ રૂપિયાની કિમત જ હેરાન કરી રહી હોય, તો આનું વજન પણ ઓછું ચોંકાવનારું નથી. કંપનીની માહિતી અનુસાર, ૧૮૦સ૨૧૦ સેન્‍ટીમીટરના આકારવાળા પૂરા બેડ સેટનું વજન લગભગ ૪૫૫ કિલોગ્રામ છે. પૂરા સેટની ઊંચાઈ લગભગ ૭૫ સેન્‍ટીમીટર છે. આમાં ૭ સેન્‍ટીમીટરનું ટોપ મેટ્રેસ, ૨૭ સેન્‍ટીમીટરનું મુખ્‍ય ગાદલું, ૩૩ સેન્‍ટીમીટરનું બેઝ અને ૮ સેન્‍ટીમીટરનું ગ્રાન્‍ડ વિવિડસ પોડિયમ સામેલ છે. એટલે કે આ માત્ર એક ગાદલું ખરીદવા જેવી બાબત નથી, પરંતુ પૂરો લક્‍ઝરી બેડ સેટ તૈયાર કરવામાં આવે છે.

ગ્રાન્‍ડ વિવિડસની સાથે મળતું હેડબોર્ડ પણ ખૂબ જ સરસ ડિઝાઇનમાં તૈયાર કરવામાં આવે છે. આની ઊંચાઈ લગભગ ૧૪૫ સેન્‍ટીમીટર બતાવવામાં આવી છે. પેડિગ સાથે ફ્રેમની ઊંડાઈ ૩૨ સેન્‍ટીમીટર અને નીચેના વિગની ઊંડાઈ ૫૫ સેન્‍ટીમીટર છે. કંપનીના જણાવ્‍યા અનુસાર, આને પાયા સાથે નોર્મલ બેડની જેમ રાખવાને બદલે સીધા ફલોર પર દીવાલના સહારે રાખવાની સલાહ આપવામાં આવે છે. એટલે કે આ પૂરા સેટની ડિઝાઇનમાં પણ ઘણી બારીકાઈનું ધ્‍યાન રાખવામાં આવ્‍યું છે.

હેસ્‍ટેન્‍સના ગાદલાંની લોકપ્રિયતા માત્ર સામાન્‍ય ગ્રાહકો કે લક્‍ઝરી હોટેલ સુધી સીમિત નથી. કંપનીના ગાદલાંનો ઉપયોગ કરતી ચર્ચિત હસ્‍તીઓમાં હોલીવુડ અભિનેતા ટોમ ક્રૂઝ, પોપ સ્‍ટાર બિયોન્‍સે અને રેપર ડ્રેક જેવા નામો પણ બતાવવામાં આવે છે. આ સિવાય દુનિયાની ઘણી લક્‍ઝરી હોટેલ્‍સ પણ હેસ્‍ટેન્‍સના બેડનો ઉપયોગ કરે છે. કંપની આજે ૪૫થી વધુ દેશોમાં વેપાર કરે છે અને પોતાના લક્‍ઝરી બેડ અને મેટ્રેસ માટે જાણવામાં આવે છે.

જો તમને લાગતું હોય કે આવું કરોડો રૂપિયાનું ગાદલું માત્ર વિદેશોમાં જ ઉપલબ્‍ધ હશે, તો એવું નથી. હેસ્‍ટેન્‍સના ભારતમાં પણ સ્‍ટોર હાજર છે. દિલ્‍હીમાં આના સ્‍ટોર ડિફેન્‍સ કોલોની અને એમજી રોડ પર બતાવવામાં આવે છે. ત્‍યાં જ મુંબઈમાં વર્લીમાં આનો સ્‍ટોર છે, જ્‍યાં ગ્રાહકો કસ્‍ટમાઇઝ્‍ડ સ્‍લીપ કન્‍સલ્‍ટેશન લઈ શકે છે. અંતમાં વાત ફરી એ જ સવાલ પર આવે છે, શું કોઈ ગાદલું ખરેખર કરોડો રૂપિયાનું હોઈ શકે? ગ્રાન્‍ડ વિવિડસની કિમત જોઈને જવાબ તો હા છે. પરંતુ આની કિમત માત્ર ઊંઘવા માટે વાપરવામાં આવતી વસ્‍તુની નથી, પરંતુ હાથની કારીગરી, કુદરતી સામગ્રી, ડિઝાઇન અને લક્‍ઝરી અનુભવ માટે ચૂકવવામાં આવે છે. આ જ કારણ છે કે, આ ગાદલું દુનિયાના સૌથી મોંઘા લક્‍ઝરી મેટ્રેસમાં પોતાની અલગ ઓળખ ધરાવે છે.

(10:37 AM IST)