<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

રૂા.૬૨૨૧ કરોડના સૌથી મોંઘા છૂટાછેડા! ૯ વર્ષ બાદ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

દક્ષિણ કોરિયાની SK ગ્રુપના ચેરમેન ચેય ટે-વોનને ૯ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસ બાદ પૂર્વ પત્‍ની રો સો-યોંગને રૂા. ૬૨૨૧ કરોડ (૯૪૪ અબજ વોન) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્‍યો

નવી દિલ્‍હી તા.૨૮:  દક્ષિણ કોરિયાની SK ગ્રુપના ચેરમેન ચેય ટે-વોનને ૯ વર્ષ સુધી ચાલેલા કોર્ટ કેસ બાદ પૂર્વ પત્‍ની રો સો-યોંગને રૂા.૬૨૨૧ કરોડ (૯૪૪ અબજ વોન) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. આ ચુકાદો દેશના ઇતિહાસનો સૌથી મોંઘો છૂટાછેડો માનવામાં આવી રહ્યો છે.

વર્ષ ૨૦૧૯માં ઈ-કોમર્સ કંપની Amazonના સ્‍થાપક જેફ બેઝોસના છૂટાછેડાની દુનિયાભરમાં ચર્ચા થઈ હતી. તે સમયે તેમણે પોતાની પૂર્વ પત્‍નીને એલિમની તરીકે ૩૮ અબજ ડોલરની સંપત્તિ આપી હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૨૧માં માઈક્રોસોફટના સહ-સ્‍થાપક બિલ ગેટ્‍સે પોતાની પૂર્વ પત્‍ની મેલિન્‍ડા ગેટ્‍સને અંદાજે રૂા.૭૬ હજાર કરોડની સંપત્તિ આપી હતી. હવે દક્ષિણ કોરિયાના અબજોપતિ ઉદ્યોગપતિના છૂટાછેડાએ સમગ્ર વિશ્વનું ધ્‍યાન ખેંચ્‍યું છે.

દક્ષિણ કોરિયાની દિગ્‍ગજ કંપની SK Groupના ચેરમેન અને અબજોપતિ ચેય ટે-વોન (Chey Tae-won) ને તેમની પૂર્વ પત્‍ની રો સો-યોંગ (Roh Soh-yeong)ને છૂટાછેડાના સમાધાન તરીકે ૯૪૪ અબજ વોન (લગભગ ૬૪૦ મિલિયન ડોલર અથવા રૂા. ૬૨૨૧ કરોડ) ચૂકવવાનો આદેશ આપવામાં આવ્‍યો છે. ચેય ટે-વોન અને તેમની પત્‍ની વચ્‍ચે છેલ્‍લા ઘણા વર્ષોથી છૂટાછેડાનો વિવાદ કોર્ટમાં ચાલી રહ્યો હતો. દક્ષિણ કોરિયાની સુપ્રીમ કોર્ટે સિયોલ હાઈ કોર્ટને આ કેસની ફરીથી સમીક્ષા કરવાનો આદેશ આપ્‍યો હતો. ત્‍યારબાદ કોર્ટે નક્કી કર્યું કે સમગ્ર એલિમનીની રકમ રોકડમાં ચૂકવવામાં આવશે. આ ચુકવણી પછી જ ચેય પોતાની કંપનીના શેર પર સંપૂર્ણ નિયંત્રણ જાળવી શકશે.

દક્ષિણ કોરિયાનો સૌથી મોંઘો છૂટાછેડો કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્‍યું કે SK ગ્રુપની સફળતામાં બંનેનો સમાન ફાળો રહ્યો છે. ચેય ટે-વોએ કંપનીને આગળ વધારી, જ્‍યારે તેમની પત્‍ની રો સો-યોંગે પરિવાર અને ઘરનું સંચાલન કરીને મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું હતું. ચેય અને રો સો-યોંગના લગ્ન વર્ષ ૧૯૮૮માં થયા હતા અને તેમને ત્રણ સંતાનો છે. બાદમાં ચેયના અન્‍ય મહિલા સાથેના સંબંધો સામે આવ્‍યા હતા. આ પછી વર્ષ ૨૦૧૭માં રો સો-યોંગે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી હતી.

SK Group દક્ષિણ કોરિયાનો પરિવારના નિયંત્રણ હેઠળનો બીજો સૌથી મોટો બિઝનેસ ગ્રુપ છે. કંપની સેમિકન્‍ડક્‍ટર, ટેલિકોમ, એનર્જી અને લાઈફ સાયન્‍સ જેવા ક્ષેત્રોમાં કાર્યરત છે. ૨૦૦થી વધુ સહાયક કંપનીઓ ધરાવતું SK Group દર વર્ષે ૧૦૦ અબજ ડોલરથી વધુનું વૈશ્વિક રેવન્‍યુ મેળવે છે. તાજેતરમાં કંપનીએ ૧.૩૫ ટ્રિલિયન ડોલરના મૂલ્‍યાંકન સાથે દક્ષિણ કોરિયાની સૌથી મૂલ્‍યવાન કંપનીઓમાં સ્‍થાન મેળવ્‍યું છે

(3:04 PM IST)