News of Friday, 25th September 2026
દેશનો સૌથી શિક્ષિત પરિવાર: CEC જ્ઞાનેશ કુમારના પરિવારમાં જ છે ૪ IAS, ૨ IRS, ૧ IPS અને ૨૮ ડોક્ટરો, જાણો દીકરીઓ અને જમાઈની અદ્ભુત સિદ્ધિઓ
IIT કાનપુર અને હાર્વર્ડથી ભણીને IAS બનેલા જ્ઞાનેશ કુમારની મોટી દીકરી નોઈડાની પ્રથમ મહિલા DM, તો બંને જમાઈ પણ ઉચ્ચ સનદી અધિકારીઓ તરીકે દેશ સેવા કરી રહ્યા છે

નવી દિલ્હી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર માત્ર દેશની સૌથી મહત્વપૂર્ણ બંધારણીય સંસ્થાનું નેતૃત્વ જ નથી કરી રહ્યા, પરંતુ તેઓ દેશના કદાચ સૌથી વધુ શિક્ષિત અને સનદી અધિકારીઓથી ભરેલા પરિવારના વડા પણ છે. ૧૯૮૮ બેંચના કેરળ કેડરના આઈઓએસ (IAS) અધિકારી જ્ઞાનેશ કુમારે IIT કાનપુરથી ગ્રેજ્યુએશન કર્યા બાદ વિખ્યાત હાર્વર્ડ ઈન્સ્ટીટ્યુટ ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. તેમના પિતા ડો. સુબોધ કુમાર ગુપ્તા પણ ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પદેથી નિવૃત્ત થયા હતા, જે દર્શાવે છે કે તેમના પરિવારમાં શિક્ષણ અને સેવાની પરંપરા પેઢીઓથી ચાલી આવે છે.
મોટી દીકરી યુપીમાં પ્રથમ મહિલા DM તો જમાઈ આગ્રાના કલેક્ટર
જ્ઞાનેશ કુમારની મોટી દીકરી મેધા રૂપમ ૨૦૧૪ બેંચની ઉત્તર પ્રદેશ કેડરની આઈઓએસ (IAS) અધિકારી છે. UPSC પરીક્ષામાં દેશભરમાં ૧૦મો રેન્ક મેળવનાર મેધા શૂટિંગ ચેમ્પિયન અને સ્ટેટ રેકોર્ડ હોલ્ડર પણ રહી ચૂકી છે. હાલમાં તેઓ નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)ના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (DM) તરીકે સેવા આપી રહ્યા છે અને આ પદ સંભાળનારા તેઓ પ્રથમ મહિલા ડીએમ બન્યા છે. તેમના પતિ એટલે કે જ્ઞાનેશ કુમારના મોટા જમાઈ મનીષ બંસલ પણ ૨૦૧૪ બેંચના ઓલ ઈન્ડિયા ૫૩મો રેન્ક ધરાવતા IAS અધિકારી છે. IIT દિલ્હીથી એમ.ટેક કરનાર મનીષ બંસલ હાલમાં આગ્રાના ડીએમ તરીકે જવાબદારી નિભાવી રહ્યા છે.
નાની દીકરી IRS અધિકારી અને જમાઈ શ્રીનગરમાં DM
જ્ઞાનેશ કુમારની નાની દીકરી અભિશ્રી ૨૦૧૭ બેંચની આઈઆરએસ (IRS) અધિકારી છે. દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ કોલેજમાંથી અભ્યાસ કરનાર અભિશ્રીએ UPSC માં ૨૯૭મો રેન્ક મેળવ્યો હતો અને હાલમાં તેઓ આવકવેરા વિભાગમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે તૈનાત છે. તેમના પતિ અક્ષય લાબરૂ ૨૦૧૭ બેંચના IAS અધિકારી છે અને હાલમાં જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ-કમ-ડેપ્યુટી કમિશનર તરીકે અત્યંત મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.
૪ IAS, ૨ IRS, ૧ IPS અને ૨૮ ડોક્ટરોનો વિશાળ કૌટુંબિક દબદબો
આ પરિવારની સનદી સેવાઓની યાદી અહીં પૂરી નથી થતી. મુખ્ય ચૂંટણી કમિશનરના નાના ભાઈ મનીષ કુમાર પણ આઈઆરએસ (IRS) અધિકારી છે, જ્યારે તેમની બહેન રોલીના પતિ ઉપેન્દ્ર જૈન મધ્ય પ્રદેશ કેડરમાં ADG રેન્કના આઈપીએસ (IPS) અધિકારી રહી ચૂક્યા છે. આમ, આખા કૌટુંબમાં ૪ IAS, ૨ IRS, ૧ IPS અધિકારીઓ ઉપરાંત આશરે ૨૮ જેટલા તબીબો (Doctors) સમાવિષ્ટ છે, જે આ પરિવારને દેશનો સૌથી પ્રભાવશાળી અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ પરિવાર બનાવે છે.
(6:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
