News of Thursday, 3rd September 2026
ભારત માટે તોળાતા અત્યંત વિનાશક જોખમો: વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થશે :UNના રિપોર્ટમાં ચેતવણી
ગ્લોબલ વોર્મિંગ અને 'અલ નીનો'ની અસરથી ભારતીય ચોમાસામાં દુષ્કાળનું જોખમ વધી શકે છે. આનાથી દેશમાં ખાદ્ય ઉત્પાદન પર માઠી અસર પડશે

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ગ્લોબલ વોર્મિંગ, વૈશ્વિક તાપમાન અને આબોહવા પરિવર્તન પર એક સનસનાટીભર્યો સંશોધન રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમની આ રિપોર્ટમાં ગંભીર ચેતવણી આપવામાં આવી છે કે આવનારા કેટલાક વર્ષોમાં વૈશ્વિક તાપમાનમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ જશે. જો તાપમાન આ સીમા વટાવી જશે તો સમગ્ર વિશ્વ અને ખાસ કરીને ભારત માટે અત્યંત વિનાશક જોખમો ઊભા થશે.
રિપોર્ટ અનુસાર, 1.5°C તાપમાનનો વધારો ભારત માટે વધુ ખતરનાક સાબિત થશે. કારણ કે ભારતની મોટાભાગની વસ્તી, કૃષિ ક્ષેત્ર અને અર્થતંત્ર સીધી રીતે હવામાન પર નિર્ભર છે. વિશ્વ બેંકના ડેટા મુજબ, ભારતની 88%થી વધુ વસ્તી એવા શહેરોમાં રહે છે જ્યાં ગ્લોબલ વોર્મિંગને કારણે અતિશય ગરમી, પૂર, દુષ્કાળ અને ચક્રવાત જેવી કુદરતી આપત્તિઓ વારંવાર આવે છે. વર્ષ 2026 માં થયેલા સંશોધન દર્શાવે છે કે 1981થી 2020 વચ્ચે ભારતમાં ઉનાળાનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધી ગયું છે અને કાળઝાળ લૂનું પ્રમાણ પણ વધ્યું છે.
સંશોધન મુજબ, અતિશય ગરમી અને ચોમાસામાં વધતા અસહ્ય ભેજને કારણે માનવ શરીર પોતાને ઠંડુ રાખી શકતું નથી. ગ્લોબલ વોર્મિંગ અને 'અલ નીનો'ની અસરથી ભારતીય ચોમાસામાં દુષ્કાળનું જોખમ વધી શકે છે. આનાથી દેશમાં ખાદ્ય ઉત્પાદન પર માઠી અસર પડશે. આ ઉપરાંત ભારત પહેલેથી જ ભયાનક જળસંકટનો સામનો કરી રહ્યું છે, જે સ્થિતિ ભવિષ્યમાં વધુ વણસી શકે છે.
યુએનની રિપોર્ટમાં હિમાલયન ક્ષેત્ર માટે પણ મોટી ચેતવણી આપવામાં આવી છે. ભારતની મુખ્ય નદીઓ હિંદુ કુશ હિમાલય પર નિર્ભર છે, જ્યાં ગ્લેશિયરો ખૂબ ઝડપથી પીગળી રહ્યા છે. ICIMODના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2000 પછી ગ્લેશિયરો પીગળવાની ઝડપ બમણી થઈ ગઈ છે. નેપાળમાં તાજેતરમાં આવેલો વિનાશક જળપ્રલય આનું જ પરિણામ છે. વૈશ્વિક સ્તરે ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જનમાં ઓછું યોગદાન હોવા છતાં, હિમાલયના વિસ્તારો જળપ્રલય અને પહાડી આપત્તિઓનો ભોગ બની રહ્યા છે.
(9:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
