<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

મોસ્કો પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, વાઇલ્ડબેરીના વિશાળ લોજિસ્ટિક્સ સેન્ટરમાં ભીષણ આગ અને ભારે તારાજી : 6ના મોત

૬૦૦થી વધુ ડ્રોને મચાવ્યો ભારે તબાહી ; અબજો રૂપિયાનું વિશાળ વેરહાઉસ બળીને ખાખ : રશિયન ઈકોમર્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટો ફટકો

મોસ્કો:  રશિયાના પાટનગર મોસ્કો અને તેની આસપાસના વિસ્તારોમાં ૧૬ ઓગસ્ટની વહેલી સવારે યુદ્ધનો મોટો ભયાનક ચહેરો જોવા મળ્યો છે. આકાશમાંથી એક સાથે ધસી આવેલા સેંકડો કમિકાઝ ડ્રોન હુમલાને કારણે સમગ્ર મોસ્કો રીજન ધ્રુજી ઊઠ્યું હતું. આ ભીષણ એર સ્ટ્રાઈકમાં રશિયાના સૌથી મોટા ઈ-કોમર્સ પ્લેટફોર્મ 'વાઇલ્ડબેરી'ના કોલેડિનો સ્થિત વિશાળ લોજિસ્ટિક્સ સેન્ટરને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલાના પગલે લાગેલી વિનાશક આગમાં ૨ લાખ ચોરસ મીટરથી વધુ મોટો વેરહાઉસ પરિસર બળીને ખાખ થઈ ગયો હતો, જેમાં પ્રાથમિક અહેવાલો મુજબ ૬ લોકોના દર્દનાક મોત થયા છે અને ભારે અફરાતફરી મચી ગઈ છે.

મોસ્કોના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવ અને સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર, આ તાજેતરના સમયનો રશિયન રાજધાની પર થયેલો સૌથી મોટો ડ્રોન હુમલો છે. આકાશમાં એક પછી એક થતા વિસ્ફોટો અને કાળા ધુમાડાના ગોટેગોટાથી સમગ્ર કોલેડિનો અને પોડોલ્સ્ક વિસ્તાર ઘેરાઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ૨૫૦,૦૦૦ ચોરસ મીટરમાં ફેલાયેલી આ વિશાળ ઇમારતમાંથી ઊંચી જ્વાળાઓ નીકળતી જોઈ શકાય છે. આ હુમલાની તીવ્રતા એટલી વધુ હતી કે વાઇલ્ડબેરી ઉપરાંત ડોમોડેડોવો નજીક આવેલા 'સેવર્નોયે ડોમોડેડોવો' લોજિસ્ટિક્સ કોમ્પ્લેક્સને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.

બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમણે સમગ્ર દેશમાં ૮૨૨ જેટલા યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે, જેમાંથી એકલા મોસ્કો તરફ ૬૦૦થી વધુ ડ્રોન ધસી આવ્યા હતા. યુક્રેન દ્વારા આ કંપનીના હબ પર સતત હુમલા કરવામાં આવી રહ્યા છે, કારણ કે યુક્રેનિયન સંરક્ષણ દળોનો આરોપ છે કે વાઇલ્ડબેરી વેરહાઉસનો ઉપયોગ સેના માટે ડ્રોન પાર્ટ્સ અને દ્વિ-ઉપયોગી સાધનોના સંગ્રહ માટે કરવામાં આવતો હતો. આ ઘાતક હુમલા બાદ મોસ્કોના તમામ મુખ્ય એરપોર્ટો પર સેવાઓ ખોરવાઈ ગઈ હતી અને ફાયર ફાઇટર હેલિકોપ્ટરો દ્વારા કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.

(7:41 PM IST)