<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

કર્ણાટકમાં SIR પ્રક્રિયા બાદ મતદાર યાદીમાંથી ૧ કરોડથી વધુ નામો ગાયબ!

ચૂંટણી પંચ દ્વારા પારદર્શિતાના નામે હાથ ધરાયેલા મોટા શુદ્ધિકરણ અભિયાનમાં ૧૯.૪૮ ટકા મતદારોની છટણી : ગણતરી ફોર્મ, સ્થળાંતર અને મૃત્યુના કારણે ૧.૦૮ કરોડથી વધુ નામો રદ થતાં દેશભરમાં ચર્ચા

બેંગલુરુ :  કર્ણાટકના રાજકારણમાં અને ચૂંટણી પ્રક્રિયામાં એક મોટો ધડાકો થયો છે. રાજ્યના ચૂંટણી પંચ દ્વારા સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ૧ કરોડ ૮ લાખથી વધુ (આશરે ૧૦.૮ મિલિયન) મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આ આંકડો કુલ નોંધાયેલા મતદારોના ૧૯.૪૮ ટકા જેટલો બને છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, નિયત સમયમર્યાદામાં ગણતરી ફોર્મ (સબમિટ ન થવાના કારણે અને મોટા પાયે કરાયેલી તપાસ બાદ આ નામો દૂર કરવાનો કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

મતદાર યાદીને સંપૂર્ણપણે ક્ષતિરહિત અને પારદર્શક બનાવવા માટે હાથ ધરાયેલી આ ઝુંબેશમાં અચરજ પમાડે તેવા આંકડા સામે આવ્યા છે. તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે આશરે ૬૫.૪૫ લાખ મતદારો (૧૧.૮૧%) કાયમી ધોરણે અન્યત્ર સ્થળાંતરિત થઈ ગયા છે, જ્યારે ૧૯ લાખથી વધુ મતદારો પોતાના મૂળ સરનામે ગેરહાજર મળ્યા હતા. આ ઉપરાંત, ૧૬.૩૯ લાખ મૃતક મતદારો અને ૭.૦૯ લાખથી વધુ ડુપ્લિકેટ (એકથી વધુ જગ્યાએ નોંધાયેલા) મતદારોને ચિહ્નિત કરી દૂર કરવામાં આવ્યા છે. પ્રક્રિયા દરમિયાન કુલ ૪૩.૮૨ લાખથી વધુ નોટિસો જારી કરીને સુનાવણી ધરવામાં આવી હતી, જે બાદ ૬૧,૮૬૭ લોકોને સંપૂર્ણપણે ગેરલાયક ઠેરવી આખરી યાદીમાંથી બહાર રખાયા છે.

કર્ણાટકના મુખ્ય ચૂંટણી કમિશનર અંબુ કુમારે આ અંગે સ્પષ્ટતા આપતા જણાવ્યું હતું કે, ૧૬ જૂન, ૨૦૨૬ સુધી રાજ્યમાં આશરે ૫.૫૪ કરોડ મતદારો નોંધાયેલા હતા, પરંતુ સુધારણા બાદ આખરી યાદીમાં સમાવિષ્ટ મતદારોની સંખ્યા હવે ૪.૪૬ કરોડ થઈ છે. તેમણે ઉમેર્યું કે છેલ્લા અઢી મહિનામાં જ આશરે ૮.૧૯ લાખથી વધુ નવા પાત્ર મતદારોની નોંધણી કરવામાં સફળતા મળી છે. જો કોઈ વ્યાજબી નાગરિકનું નામ યાદીમાંથી બાકાત રહી ગયું હોય, તો તેઓ 'ફોર્મ ૬' ભરીને તુરંત અરજી કરી શકે છે. ચૂંટણી પંચના આ કડક પગલાથી આખીય સિસ્ટમમાંથી બોગસ અને ગેરકાયદેસર મતોનો સફાયો થયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

(6:35 PM IST)