તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 11th November 2026
બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડાનું સંકટ; અર્નબ અને મુરાસુ બાદ હવે નવા ચક્રવાત 'અક્વાન'નો ખતરો
હવામાન વિભાગ દ્વારા દરિયાઈ સિસ્ટમ પર સતત નજર, અનુકૂળ તાપમાન અને દરિયાઈ વાતાવરણને કારણે ડિપ્રેશન મજબૂત થવાની સંભાવના

ધનબાદ : બંગાળની ખાડીમાં હવામાનનો મિજાજ ફરી એકવાર બદલાવાના સંકેતો મળી રહ્યા છે, જેને કારણે વધુ એક વિનાશક વાવાઝોડું આકાર લે તેવી શક્યતા સેવાઈ રહી છે. સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ (ઓછા દબાણનું ક્ષેત્ર) સર્જાવાના સ્પષ્ટ એંધાણ દેખાઈ રહ્યા છે, જે ધીમે ધીમે વધુ મજબૂત બનીને ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. જુદા જુદા હવામાન મોડેલો અનુસાર આ સિસ્ટમ ગંભીર ડિપ્રેશનમાં વિકસી શકે છે, જોકે આ સંભવિત વાવાઝોડાનો ચોક્કસ માર્ગ અને ભવિષ્યની દિશા અંગે હાલ ચિત્ર સ્પષ્ટ થયું નથી.
પૂર્વમાં આવેલા અર્નબ અને મુરાસુ વાવાઝોડા બાદ હવે સંભવિત ત્રીજા ચક્રવાતને લઈને હવામાન વિભાગે તીવ્ર મોનિટરિંગ શરૂ કરી દીધું છે. આ વખતે ચક્રવાતનું નામકરણ કરવા માટે વિશ્વ હવામાન સંસ્થાના ક્રમ અનુસાર ઈરાન દેશનો વારો છે, જેથી જો બંગાળની ખાડીમાં આ ત્રીજું ચક્રવાત આકાર લેશે તો તેને 'અક્વાન' નામ આપવામાં આવશે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર દરિયાનું સાનુકૂળ વાતાવરણ અને પૂરતું તાપમાન આ હવામાન પ્રણાલીને વધુ તાકાતવર અને ઝડપી બનાવી શકે છે.
આ દરિયાઈ સિસ્ટમની વ્યાપક અસર ઝારખંડ રાજ્યના વાતાવરણ પર પણ જોવા મળી શકે છે. ખાસ કરીને જમશેદપુર, ધનબાદ અને બોકારો સહિતના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલના તબક્કે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ કે તીવ્ર ગતિએ પવન ફૂંકાવવાની કોઈ સત્તાવાર ચેતવણી આપવામાં આવી નથી, પરંતુ વાતાવરણમાં પલટો આવવાની પૂરતી સંભાવના છે.
(11:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
