તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
પાકિસ્તાનનું વધુ એક જુઠાણું ખુલ્લું પડ્યું: "પહેલા પોતે વરસાદ માન્યો, હવે ભારત પર નાખે છે દોષ!" : ચીનાબ નદી મુદ્દે વિદેશ મંત્રાલયનો સણસણતો પ્રહાર!
જમ્મુ-કાશ્મીરમાં ભારે ચોમાસાને કારણે ચીનાબ નદી છલકાઈ જતાં પાકિસ્તાને ભારત પર લગાવ્યો 'વોટર એટેક'નો પાયાવિહોણો આરોપ : રણધીર જયસ્વાલે લાહોરની જ એજન્સીનો રિપોર્ટ સામે ધરી પાકિસ્તાનને બરાબરનું ઘેરી લીધું

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મંચ પર સતત મોં કાળું કરાવી રહેલા પાકિસ્તાને ફરી એકવાર ભારત પર કૃત્રિમ પૂર લાવવા માટે ઇરાદાપૂર્વક પાણી છોડવાનો તથ્યહીન અને હાસ્યાસ્પદ આરોપ લગાવ્યો છે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલયએ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના પાકિસ્તાની પ્રોપેગેન્ડાના ફુગ્ગાને ફોડી નાખ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે 20 થી 23 જુલાઈ દરમિયાન જમ્મુ અને આસપાસના વિસ્તારોમાં થયેલા મુસળધાર ચોમાસાના વરસાદને કારણે ચીનાબ નદીનું પાણીનું સ્તર કુદરતી રીતે વધ્યું હતું. આમાં ભારત દ્વારા ક્યાંય કોઈ ઇરાદાપૂર્વક પાણી છોડવામાં આવ્યું નથી પરંતુ તે એક શુદ્ધ કુદરતી જળશાસ્ત્રીય ઘટના છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાની મીડિયા ભારત પર ઝેર ઓકી રહ્યું છે ત્યારે ખુદ પાકિસ્તાનની પોતાની જ સરકારી સંસ્થા તેના જ નાપાક દાવોઓનો છેદ ઉડાડી રહી છે. લાહોર સ્થિત પૂર આગાહી વિભાગ એ 22 જુલાઈએ જારી કરેલી તેની જ સત્તાવાર એડવાઈઝરીમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જ ચીનાબમાં મરાલા હેડવર્ક્સ ખાતે પાણીનો પ્રવાહ વધ્યો છે. ભારતે પાકિસ્તાનની આ બેવડી નીતિ પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, "જ્યારે પાકિસ્તાનની પોતાની એજન્સીઓએ સ્વીકાર્યું છે કે વરસાદ જ પૂરનું કારણ છે, ત્યારે હવે વૈશ્વિક સહાનુભૂતિ મેળવવા ભારત પર દોષારોપણ કરી રડવાનો કોઈ અર્થ નથી."
આ ઉપરાંત, પૂર સંબંધિત માહિતી ન આપવાના પાકિસ્તાનના આરોપોને ફગાવતા ભારતે સ્પષ્ટ કર્યું કે નદીનો પ્રવાહ કોઈ જોખમી કે અસાધારણ સ્તરે પહોંચ્યો નહોતો, જેથી કોઈ ખાસ ઈમરજન્સી એલર્ટ જારી કરવાની જરૂર પડે. માનવતાના ધોરણે ભારત આજે પણ જરૂરી ડેટા રાજદ્વારી ચેનલો દ્વારા શેર કરી રહ્યું છે. વિદેશ મંત્રાલયે આ તકે સિંધુ જળ સંધિ પર ભારતનું કડક વલણ દોહરાવતા સ્પષ્ટ કહી દીધું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી ચાલતા આતંકવાદને સંપૂર્ણપણે નાબૂદ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ મુલતવી જ રહેશે.
(7:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
