તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
વધુ એક ગુજરાતીની ICE દ્વારા ધરપકડઃ હવે ડિપોર્ટ થશેઃ રિંકેશ પટેલ
રિંકેશની જુલાઈ ૨૦૨૫માં ટેનેસીમાંથી પાર્સલ કાંડમાં ધરપકડ થઈ હતી

હાલ અમેરિકાની જેલમાં બંધ રિકેશ પટેલ નામના ગુજરાતીને હવે ડિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે. રિકેશની જુલાઈ ૨૦૨૫માં ટેનેસીમાંથી પાર્સલ કાંડમાં ધરપકડ થઈ હતી અને તેના પર ૬૦ હજાર ડોલરની ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અમેરિકામાં ઈલીગલી રહેતા રિકેશને આ મામલામાં કોર્ટ દ્વારા છ વર્ષની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ આ સજાને એક જ વર્ષમાં સસ્પેન્ડ કરી દેવાઈ હતી.
જેના કારણે તેનો જેલમાંથી બહાર આવવાનો માર્ગ મોકળો બની ગયો હતો પરંતુ રિકેશ રિલીઝ થાય તે પહેલા જ ICE દ્વારા ટેનેસીની બ્રેડલી કાઉન્ટી જેલમાંથી તેની કસ્ટડી લઈ લેવાઈ હતી. રિકેશની ડિપોર્ટેશનની પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી હવે તે ICEની જેલમાં રહેશે.
પાર્સલ કાંડમાં સંડોવાયેલો રિકેશ જુલાઈ ૨૦૨૫માં ટેનેસીની બ્રેડલી કાઉન્ટીમાં એક વિક્ટિમ પાસેથી પાર્સલ લેવા માટે પહોંચ્યો હતો, તેને પકડવા માટે પોલીસ અઠવાડિયાથી ફિલ્ડિંગ ભરી રહી હતી અને જ્યારે તે વિક્ટિમના ઘરે પહોંચ્યો ત્યારે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે-તે સમયે રિકેશ પર તે અઢી લાખ ડોલરથી પણ વધુની ચોરીમાં સંડોવાયેલો હોવાનો આરોપ મૂકાયો હતો. આરોપીને જો બોન્ડ પર છોડાય તો તે ભાગી જાય તેવી શક્યતા હોવાથી ધરપકડ બાદ તેના પર પાંચ મિલિયન ડોલરનો બોન્ડ મૂકવામાં આવ્યો હતો.
જેથી તે જેલમાંથી બહાર આવી જ નહોતો શક્યો. રિકેશ પટેલને અરેસ્ટ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરાયો ત્યારે તેણે પોતાનો ગુનો કબૂલ કરવાનો ઈનકાર કરી દીધો હતો અને તેને પબ્લિક ડિફેન્ડર પણ આપવામાં આવ્યો હતો. તેને ક્યારે સજાનું એલાન કરાયું હતું તેની કોઈ ચોક્કસ વિગતો નથી મળી શકી, પરંતુ જે ઝડપથી તેને સજા સંભળાવાઈ હતી તેને જોતા રિકેશે પોતાનો ગુનો કબૂલ કરી લીધો હોય તેવી પૂરી શક્યતા છે.
રિકેશ પટેલ રિપબ્લિકન સ્ટેટ ટેનેસીમાં થઈ હતી જેથી તેની જેલની સજા સસ્પેન્ડ થઈ છે તેની માહિતી પણ તુરંત જ ICE સુધી પહોંચી જતાં તે જેલમાંથી બહાર આવે તે પહેલા જ તેને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો. રિકેશની જેમ છેલ્લા સવા વર્ષમાં પાર્સલ કાંડમાં પકડાયેલા ઘણા ગુજરાતીઓ અમેરિકાથી ડિપોર્ટ થઈ ગયા છે.
આવા મામલામાં દોષિત ઠેરવવામાં આવેલા મોટાભાગા લોકોને ત્રણથી છ વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવે છે, પરંતુ અમેરિકાની સરકાર કોઈનેય આટલો સમય જેલમાં પૂરી રાખીને મફતમાં રોટલા નથી ખવડાવતી. મોટાભાગના કેસમાં સજાનું એલાન થયાના ગણતરીના મહિનામાં જ ગુનેગારને ડિપોર્ટ કરી દેવામાં આવતો હોય છે.
રિકેશ પટેલે જે ક્રાઈમ કર્યો છે તે ખૂબ જ ગંભીર હોવાથી હવે તેને ICEની જેલમાંથી છોડવામાં આવે તેવા ચાન્સ લગભગ ઝીરો છે, અધૂરામાં પૂરું તે ઈલીગલ ઈમિગ્રન્ટ હોવાથી હવે તેના માટે અમેરિકા છોડ્યા વિના છૂટકો નથી. જો તેણે રિમૂવલ પેપર્સ પર સહી ના કરી તો તેને લાંબો સમય જેલમાં રહેવું પડશે અને જો ડિપોર્ટેશન માટે તૈયાર થઈ ગયો તો વધુમાં વધુ બે-ચાર મહિનામાં જ તે ઈન્ડિયા પાછો આવી શકે છે.
રિકેશ પટેલની જેમ જ નવેમ્બર ૨૦૨૫માં કેતન પટેલ નામના એક ગુજરાતી પાર્સલ કાંડમાં પકડાયા બાદ છ મહિના જેટલો સમય જેલમાં રહીને ઈન્ડિયા પાછા આવ્યા હતા, તેમના પર લાગેલો ચાર્જ કોર્ટમાં સાબિત ના થયો હોવા છતાંય કેતન પટેલને ડિપોર્ટેશન ફલાઈટમાં ચઢાવી દેવાયા હતા.
સૂત્રોનું માનીએ તો રિકેશ પટેલ જેવા જેટલા લોકો ડિપોર્ટ થયા છે તેના કરતા ઘણા વધારે ગુજરાતીઓ હાલ અમેરિકાની અલગ-અલગ જેલોમાં બંધ છે અને તેમાંથી કેટલાકને તો સજા પણ સંભળાવાઈ ચૂકી છે. સ્કેમમાં પકડાયેલા મોટાભાગના લોકોને ચોરીની રકમ પાછી આપવા માટે પણ કોર્ટ આદેશ કરતી હોય છે પરંતુ કોઈ એક પૈસાની ચૂકવણી નથી કરતું.
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
