તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th June 2026
જનતાના ભારે આક્રોશ વચ્ચે POKમાં એક મહિનાના લૉકડાઉનની જાહેરાત
POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વધતી મોંઘવારી, પાયાની સુવિધાઓની અછત અને રાજકીય અધિકારોને લઈને લોકોમાં અસંતોષ , પાકિસ્તાન સરકાર સામે ભારે આક્રોશ

પાડોશી દેશ પાકિસ્તાને પચાવી પાડેલા POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી સંકટ અને પાયાની સુવિધાઓના અભાવને કારણે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. 'જોઈન્ટ આવામી એક્શન કમિટી'એ 9 જૂનથી એક મહિનાના ‘પબ્લિક લોકડાઉનની જાહેરાત કરી છે.
પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર એટલે કે POK અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વધતી મોંઘવારી, પાયાની સુવિધાઓની અછત અને રાજકીય અધિકારોને લઈને લોકોમાં અસંતોષ સતત વધી રહ્યો છે. વિવિધ સ્થાનિક સંગઠનો અને નેતાઓએ આક્ષેપ કર્યો છે કે આ ક્ષેત્રમાં જનતાને પૂરતી સુવિધાઓ મળી રહી નથી, જેના કારણે અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શનો ઉગ્ર બન્યા છે. સ્થાનિક અહેવાલો અનુસાર, POKની રાજધાની મુઝફ્ફરાબાદ સહિત રાવલાકોટ, કોટલી અને મીરપુરમાં લોકો રસ્તા પર ઉતરીને સરકાર અને પ્રશાસન વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓનું કહેવું છે કે આ વિસ્તારમાં મોંઘવારી, બેરોજગારી, વીજળી સંકટ, ખરાબ રસ્તા અને આરોગ્ય તેમજ શિક્ષણની સુવિધાઓનો અભાવ જેવી સમસ્યાઓ લાંબા સમયથી યથાવત છે. તેમનો આક્ષેપ છે કે અનેક વિસ્તારોમાં લોકોને રાશન અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ મેળવવા માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. કેટલાક સ્થાનિક લોકોએ દાવો કર્યો છે કે સરકારી રાશન વિતરણ વ્યવસ્થા પૂરતી નથી અને લોકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવું પડે છે.
POKના વિવિધ નાગરિક સંગઠનોના સંયુક્ત મંચ 'જોઇન્ટ આવામી એક્શન કમિટી'એ 9 જૂનથી એક મહિનાના 'પબ્લિક લોકડાઉન'નું એલાન કર્યું છે. સંગઠનના અધ્યક્ષ શૌકત નવાઝ મીરે લોકોને અપીલ કરી છે કે તેઓ જરૂરી રાશન અને અન્ય ચીજવસ્તુઓ અગાઉથી જ જમા કરી લે. મીરે જણાવ્યું હતું કે તેમનું આ આંદોલન જનતાના અધિકારો અને ક્ષેત્રના વિકાસની માંગને લઈને છે. તેમનો આક્ષેપ છે કે POKના લોકો સાથે લાંબા સમયથી અન્યાય થઈ રહ્યો છે અને હવે જનતા પોતાના અધિકારો માટે સંઘર્ષ કરશે.
(12:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
