તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં મોન્સૂનની તોફાની એન્ટ્રી : ડોડા, કિશ્તવાડ અને બાંદીપોરા સહિત ૬ સ્થળોએ વાદળ ફાટતાં પૂરની સ્થિતિ, મચૈલ યાત્રા મોકૂફ
રસ્તાઓ ધોવાઈ જતાં અનેક ગામોનો સંપર્ક તૂટ્યો : શાળાઓમાં પાણી ઘૂસતાં બાળકોનું રેસ્કયૂ કરાયું : ભારે કાટમાળના કારણે બચાવ કામગીરીમાં અવરોધ

શ્રીનગર: દક્ષિણ-પશ્ચિમ મોન્સૂને બુધવારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં સત્તાવાર રીતે દસ્તક આપી દીધી છે. જો કે, ચોમાસાના પ્રથમ દિવસે જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં ડોડા, કિશ્તવાડ અને બાંદીપોરા સહિત અડધા ડઝન જેટલા સ્થળોએ વાદળ ફાટવાની (ક્લાઉડબર્સ્ટ) ઘટનાઓ સામે આવી છે. આ કુદરતી આફતના કારણે નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યા છે અને અનેક વિસ્તારોમાં ભારે તબાહી મચી ગઈ છે. વહીવટી તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાંથી લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાહતની વાત એ છે કે હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. હવામાન વિજ્ઞાન કેન્દ્ર શ્રીનગરના ડાયરેક્ટર ડૉ. મુખ્તયાર અહેમદે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મોન્સૂન સમયસર પહોંચ્યું હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
ભારે આફત વચ્ચે મચૈલ અને મિંધલ યાત્રા સ્થગિત
વાદળ ફાટવા અને પૂરના પ્રકોપને જોતાં કિશ્તવાડ જિલ્લામાં યોજાનારી પ્રખ્યાત મચૈલ યાત્રા અને મિંધલ યાત્રાને હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવી છે. આ સિવાય ખરાબ હવામાન અને આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાયેલા રહેવાના કારણે કટડા-સાંજીછત હેલિકોપ્ટર સેવાને પણ વ્યાપક અસર પહોંચી હતી. ડોડા જિલ્લાના ભલેસાના કાલજુગાસર અને સેરૂ વિસ્તારોમાં બુધવારે બે સ્થળોએ વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું હતું, જેનાથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
અનેક ગામોનો સંપર્ક તૂટ્યો અને વાહનવ્યવહાર ઠપ્પ
પહાડી વિસ્તારોમાં ભેખડો ધસી પડવાથી અને કાટમાળ રસ્તા પર આવી જવાથી અનેક ગામોનો મુખ્ય માર્ગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. કિશ્તવાડના સરથલના ગહાન અને મચીપાલ વિસ્તારોમાં પણ વાદળ ફાટ્યા છે, જ્યાં ભારે વરસાદ અને રસ્તા પર પથ્થરો તેમજ કાદવનો મલબો જમા થવાના કારણે પ્રશાસનની બચાવ કામગીરીમાં ભારે અવરોધ ઊભો થઈ રહ્યો છે. કાશ્મીર ઘાટીના બાંદીપોરામાં આવેલા ગુરેજના તુલૈલ સ્થિત જાદીગે નાળા પાસે વાદળ ફાટતાં કિલશેય–જાદીગે રોડને મોટું નુકસાન પહોંચ્યું છે, જ્યારે કિશનગંગા નાળાનું જળસ્તર ભયજનક સપાટીએ વધી ગયું છે. તુલૈલના તહસીલદાર જાવેદ અહેમદ ડારે જણાવ્યું કે નુકસાનનું આકલન કરવા અને બંધ રસ્તાઓ ફરી શરૂ કરવા ટીમો તૈનાત કરવામાં આવી છે અને નાળા કિનારે રહેતા લોકોને એલર્ટ કરી દેવાયા છે.
શાળામાં પાણી ભરાતાં વિદ્યાર્થીઓનું સલામત સ્થળાંતર
દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના લારનૂ વિસ્તારના ગુરિદરમન ગામમાં બપોરે થયેલા મુશળધાર વરસાદને કારણે અચાનક પૂરના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પૂરના પાણી સ્થાનિક શાળામાં પણ ભરાઈ ગયા હતા, જ્યાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. જો કે, ગ્રામીણોએ સમયસૂચકતા વાપરીને તમામ બાળકોને સમય રહેતાં જ સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. બીજી તરફ, કારગિલમાં શાફત નાળામાં આવેલા પૂરના કારણે ઝંસ્કાર–कारગિલ માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો છે, જ્યારે કઠુઆ જિલ્લાનો બની-બસોહલી માર્ગ પણ લેન્ડસ્લાઈડના કારણે પાંચ કલાક સુધી બંધ રહ્યો હતો.
(1:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
