તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Monday, 13th July 2026
ચોમાસું રૂઠ્યું : બળબળતા ઉનાળા જેવો માહોલ: દેશના ૩૭૨ જિલ્લાઓમાં કોરા ધાકોર આકાશથી ખેડૂતો ચિંતિત
દિલ્હી-NCR અને ઉત્તર ભારતમાં ૨૦ જુલાઈ સુધી ભારે વરસાદની કોઈ આશા નથી : વાવણી અટકાતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં : હવામાન વિભાગે ઓગસ્ટના મધ્ય સુધી સિઝન લંબાવાની આશા વ્યક્ત કરી

નવી દિલ્હી: દેશભરમાં ચોમાસાની ધીમી પડેલી ગતિએ જગતના તાત અને સરકાર બંનેના જીવ અધ્ધર કરી દીધા છે. ભારતીય હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ, દેશના કુલ ૩૭૨ જિલ્લાઓમાં ચોમાસું સામાન્ય કરતાં ઘણું નબળું રહ્યું છે, જેમાં ૬૮ જિલ્લાઓની હાલત સૌથી વધુ કફોડી છે. સામાન્ય રીતે જુલાઈના અંત સુધીમાં પૂર્ણ થઈ જતી ખરીફ પાકની વાવણી આ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે ખોરવાઈ ગઈ છે, અને અત્યાર સુધીમાં ગયા વર્ષની સરખામણીએ વાવણીનો આંકડો ઘણો પાછળ ચાલી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે કેન્દ્ર સરકારે હવે વાવણીની મોસમ ઓગસ્ટના મધ્ય સુધી લંબાવવાની તૈયારી રાખવી પડી છે.
દેશના અલગ-અલગ ભાગોની વાત કરીએ તો, દિલ્હી-NCR માં હાલમાં ભારે વરસાદની કોઈ સંભાવના નથી, માત્ર ઝાપટાં પડવાથી અસહ્ય અકળામણ અને ભેજવાળું વાતાવરણ રહેશે. પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ છૂટોછવાયો વરસાદ જ નોંધાશે. જો કે, હિમાલયના રાજ્યો જેવા કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ચોમાસું સક્રિય રહેશે અને ત્યાં ભારે વરસાદની ચેતવણી છે. બીજી તરફ, રાજસ્થાનમાં આગામી સપ્તાહ સુધી ચોમાસું સાવ ઠંડું રહેશે અને પશ્ચિમ ભાગોમાં જોરદાર ધૂળની ડમરીઓ ઉડવાની શક્યતા છે. આ દરમિયાન પૂર્વ અને ઉત્તર-પૂર્વના રાજ્યો જેવા કે બિહાર, આસામ, મેઘાલય અને સિક્કિમમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાતોના મતે, આગામી ૨૦ જુલાઈ સુધી દેશના મોટાભાગના વિસ્તારોમાં વ્યાપક વરસાદની કોઈ આશા નથી અને તરાઈ વિસ્તારોમાં માત્ર હળવો જ વરસાદ પડશે. જો કે, અસલી રાહત ૨૦ જુલાઈ પછી જોવા મળી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં એક નવી હવામાન સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે, જે ચોમાસાને ફરીથી પુનર્જીવિત કરશે. જો આ અંદાજ સાચો પડશે તો જુલાઈના બીજા ભાગમાં વરસાદની ખાધ પૂરી થશે અને ખરીફ પાકને નવું જીવનદાન મળશે. હાલના તબક્કે કેન્દ્ર સરકાર અને હવામાન વિભાગ પળેપળની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
