News of Tuesday, 7th July 2026
હવે ચોમાસું નહીં રોકી શકે ભારતની પ્રગતિ: મુશળધાર વરસાદ કે દુષ્કાળના આંચકા સહન કરવા દેશનું અર્થતંત્ર સક્ષમ, ગ્લોબલ બ્રોકરેજ બર્નસ્ટેઈનનો મોટો દાવો
પરંપરાગત ખેતીની પેટર્ન બદલાઈ; સિંચાઈ સુવિધા ૪૨% થી વધીને ૬૦% એ પહોંચતા ભારત સુરક્ષિત; ખરીફ પાકો પરની નિર્ભરતા ઘટી અને રવિ પાકનો દબદબો વધ્યો

નવી દિલ્હી, તા.૦૭: ભારતીય અર્થવ્યવસ્થા અને ચોમાસા વચ્ચેનો દાયકાઓ જૂનો સંબંધ હવે સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ બર્નસ્ટેઈન (Bernstein) ના એક નવા સંશોધન અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારતીય અર્થતંત્રે એક એવો માળખાકીય બદલાવ (Structural Shift) પ્રાપ્ત કર્યો છે, જેના કારણે હવે દેશનો આર્થિક વિકાસ માત્ર ચોમાસાના વરસાદ ભરોસે નથી રહ્યો. દેશમાં સુધરેલી સિંચાઈ વ્યવસ્થા અને પાકની બદલાતી પદ્ધતિઓએ ભારતના કૃષિ ઉત્પાદન અને ગ્રામીણ માંગને હવામાનના ગંભીર જોખમો સામે એક મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડ્યું છે.
૬૦% ખેતી વરસાદ આધારિત હોવાની માન્યતા હવે જૂની થઈ
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં હજુ પણ ૬૦% ખેતી માત્ર ચોમાસાના વરસાદ પર નિર્ભર છે તેવી વ્યાપક માન્યતા પ્રવર્તમાન વાસ્તવિક પરિસ્થિતિ સાથે સુસંગત નથી. સિંચાઈના આધુનિક માળખામાં થયેલા અસાધારણ સુધારા અને ખેતીના ચક્રોમાં આવેલા વૈવિધ્યકરણને કારણે વરસાદ સાથે દેશનો સંબંધ ઘણો નબળો પડ્યો છે. અગાઉ એવું થતું કે નબળા ચોમાસાને કારણે અનાજનું ઉત્પાદન ઘટતું, જેનાથી ગ્રામીણ આવક તળિયે બેસી જતી અને દેશનો આર્થિક વિકાસ ધીમો પડી જતો હતો. ઉદાહરણ તરીકે, વર્ષ ૨૦૦૨ના ભયાનક દુષ્કાળમાં વરસાદ ૮૧% જેટલો ઘટી જતાં દેશને મોટું આર્થિક નુકસાન થયું હતું. પરંતુ, હવે ચિત્ર બદલાયું છે. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૨૩-૨૪ જેવા ઓછા વરસાદવાળા વર્ષોમાં પણ ભારતે રેકોર્ડબ્રેક ખાદ્યાન્ન ઉત્પાદન કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી.
સિંચાઈ કવરેજમાં મોટો ઉછાળો
આ ઐતિહાસિક પરિવર્તન પાછળનું મુખ્ય હથિયાર સિંચાઈ સુવિધાઓનું વિસ્તરણ છે. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ભારતની માત્ર ૪૨% ખેતીની જમીન સિંચાઈ હેઠળ હતી, જે આજે વધીને લગભગ ૬૦% એ પહોંચી ગઈ છે. મુખ્ય કૃષિ પ્રધાન રાજ્યોમાં ટ્યુબવેલ (કૂવા) અને નહેરોના મજબૂત નેટવર્કને કારણે સિંચાઈ કવરેજ ૨૦૦૯ ના ૫૪% થી વધીને આશરે ૬૭% થઈ ગયું છે.
ખરીફ પાક પાછળ છૂટ્યો, રવિ અને ઉનાળુ પાકનો દબદબો
સમયની સાથે પાક ઉત્પાદનની આખી રચના પણ બદલાઈ ગઈ છે. ૧૯૯૦ના દાયકા સુધી ચોમાસા પર આધારિત 'ખરીફ પાકો' દેશના કુલ અનાજ ઉત્પાદનમાં ૬૦% હિસ્સો ધરાવતા હતા. પરંતુ ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬માં આ હિસ્સો ઘટીને માત્ર ૪૭% જ રહી ગયો છે. તેની સામે ફેબ્રુઆરી અને મે મહિના વચ્ચે લેવાતા 'રવિ પાક' અને 'ઉનાળુ વાવેતર'નું મહત્વ ખૂબ વધી ગયું છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં મજબૂત સિંચાઈને કારણે અંદાજે ૧૨૧ મિલિયન ટન ઘઉંનું બમ્પર ઉત્પાદન વિલંબિત વરસાદની અસરને નાબૂદ કરવામાં સફળ રહેશે.
નવા જમાનાના નવા પડકારો: વીજળીની માંગ અને ભૂગર્ભજળ
જોકે, બર્નસ્ટેઈને આ અહેવાલમાં કેટલીક ગંભીર ચેતવણીઓ પણ આપી છે. અહેવાલ મુજબ, નબળા વરસાદથી હવે દેશમાં મોટો ખાદ્ય ફુગાવો નહીં થાય, પરંતુ લાંબા ગાળે ભૂગર્ભજળ (Groundwater) ના સ્તર ઘટવાનો મોટો પડકાર ઊભો થઈ શકે છે. ઇલેક્ટ્રિક સિંચાઈ પ્રણાલીઓ પર નિર્ભરતા વધવાને કારણે દેશમાં વીજળીની માંગ રોકેટ ગતિએ વધી શકે છે. આ ઉપરાંત, જો જળાશયોમાં પાણીનું સ્તર ઓછું રહેશે, તો દેશના ઉર્જા-સઘન આધુનિક ઉદ્યોગો જેવા કે ડેટા સેન્ટર્સ (Data Centers) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (Semiconductor Manufacturing) ને ભવિષ્યમાં પાણી અને વીજળીની કટોકટીનો સામનો કરવો પડી શકે છે.
(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
