તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
બેડમિન્ટન કોર્ટ પર કબૂતરની ચરક અને સ્ટેન્ડમાં વાંદરો: ઇન્ડિયા ઓપન ૨૦૨૬માં પ્રાણીઓના વિવાદ પર BAI પ્રમુખે તોડ્યું મૌન, આપ્યું અજીબોગરીબ નિવેદન
"વાંદરાઓને સ્પર્શ કરવો ગુનો છે, આગલી વખતે આવે તો કેળા આપી દેજો": સ્ટેડિયમમાં થયેલા હોબાળા અને આંતરરાષ્ટ્રીય સ્તરે થયેલી ટીકાઓને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ હસવામાં ઉડાવી

નવી દિલ્હી : દિલ્હીમાં યોજાયેલી 'ઇન્ડિયા ઓપન ૨૦૨૬' બેડમિન્ટન ટુર્નામેન્ટ રમત કરતાં પણ વધુ કોર્ટ પર બનેલી અસામાન્ય અને વિચિત્ર ઘટનાઓને કારણે આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બની હતી. સ્ટેડિયમમાં મેચ દરમિયાન અચાનક કબૂતર અને વાંદરાઓ ઘૂસી આવવાના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની ભારે ફજેતી થઈ હતી અને ખરાબ ગેરવહીવટ બદલ આયોજકોની આકરી ટીકા થઈ રહી છે. આ વિવાદ પર હવે બેડમિન્ટન એસોસિએશન ઓફ ઇન્ડિયા (BAI) ના પ્રમુખ અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાનું મૌન તોડ્યું છે, પરંતુ આ ગંભીર મુદ્દાને ઉકેલવાને બદલે તેમણે એક અત્યંત રમુજી અને અજીબોગરીબ નિવેદન આપીને નવો વિવાદ છેડ્યો છે.
ઇન્ડિયા ઓપન ૨૦૨૬ દરમિયાન ભારતના વરિષ્ઠ ખેલાડી એચએસ પ્રણય અને સિંગાપોરના લોહ કીન યૂ વચ્ચે મેચ ચાલી રહી હતી, ત્યારે જ બેડમિન્ટન કોર્ટ પર કબૂતરના મળત્યાગ (ચરક) ના કારણે મેચને લાંબા સમય સુધી રોકવી પડી હતી. આટલું ઓછું હોય તેમ, પ્રેક્ષકોની વચ્ચે અચાનક એક મોટો વાંદરો પણ જોવા મળ્યો હતો, જેના કારણે સ્ટેડિયમમાં અફરાતફરી મચી ગઈ હતી અને વિદેશી ખેલાડીઓએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી.
"જો વાંદરો આવે તો રમત ૨ મિનિટ રોકી દો" આ સમગ્ર હોબાળા અંગે 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથે વાતચીત કરતાં હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, "દિલ્હીમાંથી વાંદરાઓનો નાશ કરવા માટે આપણે કંઈ જ કરી શકીએ તેમ નથી. ભારતના વન્યજીવન સંરક્ષણ કાયદા (Wildlife Act) મુજબ આપણે વાંદરાઓને સ્પર્શ પણ કરી શકતા નથી. જો વાંદરો રમત જોવા આવે તો તેમાં શું વાંધો છે? આગલી વખતે જ્યારે તેઓ મેચ દરમિયાન આવે, ત્યારે તેમને કેળા આપી દેજો!" તેમણે વધુમાં ઉમેર્યું કે, "આ પ્રાણીઓનું કુદરતી રહેઠાણ છે. જો વાંદરો કોર્ટ પર આવી જાય તો ખેલાડીઓએ થોડીવાર રાહ જોવી જોઈએ અને રમતને બે મિનિટ માટે બંધ કરી દેવી જોઈએ."
ટીકાકારોને આપ્યો સણસણતો જવાબ વિદેશી સહભાગીઓ અને રમતપ્રેમીઓ દ્વારા ઇવેન્ટની નબળી તૈયારીઓ અંગે કરવામાં આવેલી ટીકાઓને BAI પ્રમુખે સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે દલીલ કરી હતી કે આ કોઈ મોટો મુદ્દો નથી, કારણ કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન (BWF) એ આ ઘટનાઓ પછી પણ ભારતની ક્ષમતા પર ભરોસો મૂકીને વધુ બે મોટી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોનું હોસ્ટિંગ (યજમાની) આપણ અવોર્ડ તરીકે ભારતને સોંપ્યું છે. ભારત આગામી ૧૭ ઓગસ્ટથી પ્રતિષ્ઠિત 'BWF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ'નું આયોજન કરવાનું છે, જે પૂરા ૧૭ વર્ષના લાંબા અંતરાલ પછી દેશમાં પરત ફરી રહી છે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
