<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

પ્રેમના પ્રતીક તાજમહેલમાં વાંદરાઓનું સામ્રાજ્યઃ ૫૦૦થી ૭૦૦ વાંદરાઓના જમાવડાથી દેશી-વિદેશી પ્રવાસીઓમાં ફફડાટ, વિશ્વવિખ્યાત ઐતિહાસિક સ્મારકમાં પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલ

તાજમહેલના પૂર્વીય, પશ્ચિમી અને શાહી પ્રવેશદ્વાર પાસે વાંદરાઓનો આતંકઃ પ્રવાસીઓ ઉપર હુમલાના અનેક બનાવો છતાં તંત્ર કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ: બગીચાઓ અને ત્રણેય મુખ્ય પ્રવેશદ્વારો નજીક વાંદરાઓની મોટી સંખ્યામાં હાજરી દર્શાવતા વીડિયો વાયરલ

આગ્રા  : વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા અને પ્રેમના પ્રતીક તરીકે જગવિખ્યાત તાજમહેલમાં વાંદરાઓના વધતા જતા ઉપદ્રવને કારણે પ્રવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. તાજમહેલ અને તેની આસપાસ ૫૦૦થી ૭૦૦ વાંદરાઓ હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. 

 

આજે ગુરુવારે સવારે તાજમહેલના પરિસરમાં સેંકડો વાંદરાઓનાં ટોળાં જોવા મળતાં અનેક પ્રવાસીઓ ગભરાઈ ગયા હતા અને કેટલાકને પોતાના જવાનો માર્ગ બદલવાની ફરજ પડી હતી. બગીચાઓ અને ત્રણેય મુખ્ય પ્રવેશદ્વારો નજીક વાંદરાઓની મોટી સંખ્યામાં હાજરી દર્શાવતા વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે.

 

ચાલુ વર્ષ દરમિયાન વાંદરાઓના હુમલાનો અનેક દેશી-વિદેશી પ્રવાસીઓ ભોગ બન્યા છે. છ વર્ષના બાળકથી લઈને ૮૩ વર્ષના વૃદ્ધ સુધીના પ્રવાસીઓ વાંદરાઓના હુમલાનો શિકાર બન્યા છે. સપ્ટેમ્બર મહિનામાં બ્રાઝિલના ૮૩ વર્ષીય પ્રવાસી અને પશ્ચિમ બંગાળના એક પ્રવાસીને વાંદરાઓએ બચકાં ભરતાં હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જુલાઈમાં દક્ષિણ કોરિયાની મહિલા પ્રવાસી પણ હુમલાનો ભોગ બની હતી. 

 

અગાઉ વાંદરાઓને પકડવા પાંજરાં ગોઠવવા સહિતનાં પગલાં લેવામાં આવ્યાં હોવા છતાં સમસ્યા યથાવત્ રહી છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ, મહાનગરપાલિકા અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલનના અભાવ અંગે પણ સવાલો ઊઠ્યા છે.

 

તાજેતરમાં જ તાજમહેલની સુરક્ષાની સમીક્ષા દરમિયાન વાંદરાઓના ઉપદ્રવનો મુદ્દો ચર્ચાયો હતો. દરરોજ હજારો પ્રવાસીઓની અવરજવર ધરાવતા આ વિશ્વવિખ્યાત સ્મારકમાં વાંદરાઓના આતંકનો કાયમી ઉકેલ નહીં આવે તો ભારતની આંતરરાષ્ટ્રીય પ્રવાસન ક્ષેત્રની પ્રતિષ્ઠા ઉપર પણ પ્રતિકૂળ અસર થવાની ચિંતા વ્યક્ત થઈ રહી છે. 

(8:23 PM IST)