<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th April 2026

યુએસ નેવીના મિશનમાં ‘વાંદરો’ બન્યો વિલન! હોર્મુઝની લેન્ડમાઈન સાફ કરવા નીકળેલા સૈનિક પર હિંસક હુમલો; અમેરિકી નાવિકને હોસ્પિટલમાં ખસેડાયો

થાઈલેન્ડના કુખ્યાત વાંદરાએ અમેરિકન માઈનસ્વીપરને બનાવ્યો શિકાર; મધ્ય પૂર્વના યુદ્ધના મેદાનમાં પહોંચે તે પહેલાં જ નાવિક ‘મકાક’ વાનર સામે હાર્યો, જાપાનમાં સારવાર હેઠળ

બેંગકોક : મધ્ય પૂર્વમાં ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે એક અત્યંત વિચિત્ર અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝની સામુદ્રધુનીમાં લેન્ડમાઈન (દરિયાઈ ખાણો) સાફ કરવાના મિશન પર મોકલવામાં આવેલા ‘યુએસએસ ચીફ’ ના એક સૈનિક પર વાંદરાએ હુમલો કરી તેને ઘાયલ કર્યો છે. આ ઘટનાએ નૌકાદળના અધિકારીઓને પણ વિચારતા કરી દીધા છે કે ક્યારેક દુશ્મન દેશ કરતા જંગલી પ્રાણીઓ વધુ જોખમી સાબિત થઈ શકે છે.
થાઈલેન્ડમાં થયો હુમલો, જાપાનમાં સારવાર
અમેરિકન જહાજ જ્યારે મધ્ય પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે થાઈલેન્ડના ફુકેટમાં થોડા સમય માટે વિરામ (સ્ટોપઓવર) લેવામાં આવ્યો હતો. આ દરમિયાન ત્યાંના સ્થાનિક મકાક વાંદરાએ અચાનક અમેરિકી નાવિક પર તરાપ મારી હતી. હુમલો એટલો ગંભીર હતો કે નાવિકને તાત્કાલિક જાપાનના સાસેબો સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જોકે, યુએસ નેવીએ સ્પષ્ટ કર્યું છે કે આ અકસ્માતને કારણે તેમના મિશનમાં કોઈ વિલંબ થયો નથી.
થાઈલેન્ડના ‘મકાક’ વાંદરાઓનો આતંક
થાઈલેન્ડના શેરીઓમાં ફરતા આ મકાક વાંદરાઓ પ્રવાસીઓ અને સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યા છે. તેઓ માત્ર ખોરાક જ નથી ચોરતા, પરંતુ ઘણીવાર હિંસક પણ બની જાય છે. વધુ જોખમી બાબત એ છે કે આ વાંદરાઓ ‘હર્પીસ બી’ નામના ઘાતક વાયરસના વાહક હોય છે, જે મનુષ્યો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. આ જ કારણ છે કે નાવિકને તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અણધાર્યા પડકારોનું મિશન
લશ્કરી મિશન હંમેશા હથિયારો અને દુશ્મન દેશોની વ્યૂહરચના પર આધારિત હોય છે, પરંતુ આ ઘટનાએ સાબિત કર્યું છે કે ક્યારેક કુદરતી આફતો કે પ્રાણીઓના હુમલા જેવા અણધાર્યા પડકારો પણ સામે આવી શકે છે. હાલમાં ઘાયલ નાવિકની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને યુએસએસ ચીફ તેનું ઓપરેશન ચાલુ રાખી રહ્યું છે.

(8:27 PM IST)