<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

મની મ્યુલ અને સાયબર ફ્રોડ પર RBI નો મોટો પ્રહાર: શંકાસ્પદ બેંક ખાતાઓ પર લાગશે ૬૦ દિવસનો ડેબિટ ફ્રીઝ!

સાયબર છેતરપિંડી રોકવા રિઝર્વ બેંકે જારી કર્યો ડ્રાફ્ટ; ₹૧,૦૦૦થી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર તુરંત એક્શન લેશે બેંકો, ગ્રાહકોને સ્પષ્ટતા માટે મળશે ૨૦ દિવસ

 

 

મુંબઈ, તા.૧૪: વધતા જતા સાયબર નાણાકીય ગુનાઓ અને મની મ્યુલ (Money Mule) પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ એક અત્યંત મહત્વપૂર્ણ અને સખત માળખાનો પ્રસ્તાવ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જારી કરાયેલા 'KYC સુધારા નિર્દેશો ૨૦૨૬' ના ડ્રાફ્ટ મુજબ, સાયબર છેતરપિંડી કે ગેરકાયદેસર વ્યવહારો સાથે જોડાયેલા શંકાસ્પદ બેંક ખાતાઓ પર બેંકો અસ્થાયી રૂપે ડેબિટ ફ્રીઝ (નાણાં ઉપાડવા પર રોક) લાદી શકશે. આ નવો નિયમ ૧ એપ્રિલ, ૨૦૨૭ થી તમામ વાણિજ્યિક, સહકારી, પ્રાદેશિક ગ્રામીણ અને પેમેન્ટ્સ બેંકો માટે ફરજિયાત બનશે.

શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન પર તુરંત લાગશે હોલ્ડ
આરબીઆઈના પ્રસ્તાવિત માર્ગદર્શિકા મુજબ, બેંકોની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા જો ₹૧,૦૦૦ કે તેથી વધુનો કોઈ વ્યવહાર શંકાસ્પદ અથવા છેતરપિંડી સંબંધિત જણાય, તો બેંકોએ તે ખાતા પર તાત્કાલિક કામચલાઉ ડેબિટ પ્રતિબંધ મૂકવો પડશે. જોકે, બેંકે ગ્રાહકને આ કાર્યવાહી, પ્રતિબંધનું કારણ અને તેને પડકારવાની પ્રક્રિયા અંગે એસએમએસ કે ઈમેલ દ્વારા તુરંત જાણ કરવાની રહેશે.

ગ્રાહકોને મળશે ૨૦ દિવસ અને ૬૦ દિવસની મર્યાદા
બેંક દ્વારા હોલ્ડ લાદવામાં આવ્યા બાદ, સંબંધિત ખાતાધારકને તે વ્યવહારની કાયદેસરતા સાબિત કરવા કે જરૂરી પુરાવા રજૂ કરવા માટે ૨૦ દિવસનો સમય આપવામાં આવશે. ગ્રાહકના ખુલાસાની સમીક્ષા કર્યા બાદ બેંક પ્રતિબંધ હટાવી શકે છે અથવા આગળની તપાસ માટે પોલીસને જાણ કરી શકે છે.


•    કાયદા અમલીકરણ એજન્સીઓ (પોલીસ કે તપાસ એજન્સીઓ) તરફથી વધુ સૂચનાઓ ન મળે ત્યાં સુધી આ ડેબિટ ફ્રીઝ વધુમાં વધુ ૬૦ દિવસ સુધી જ રાખી શકાશે.

•    સાચા ગ્રાહકોને અગવડ ન પડે તે માટે બેંકોમાં dedicated ફરિયાદ નિવારણ સિસ્ટમ હશે, જ્યાં ૩૦ દિવસમાં ઉકેલ લાવવો ફરજિયાત રહેશે.

આરબીઆઈના આ કડક પગલાથી સાયબર ફ્રોડ દ્વારા ચોરી કરાયેલા નાણાં બીજા ખાતામાં ટ્રાન્સફર થતા અટકાવી શકાશે અને મની લોન્ડરિંગ પર મોટી રોક લાગશે.

(4:04 PM IST)