તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 1st May 2026
મોજતબા ખામનેઈ જીવિત છે! ઈરાનનો મોટો ખુલાસો: "તે જ ઇમારતમાં હતા જ્યાં બોમ્બમારો થયો અને અલી ખામનેઈનું મોત થયુ
મૃત્યુના મુખમાંથી મોજતબાનો આબાદ બચાવ: વિસ્ફોટની ગણતરીની મિનિટો પહેલા બચ્યો જીવ: ઈરાને અફવાઓ ફગાવીને કહ્યું- ‘સર્વોચ્ચ નેતા સંપૂર્ણ સ્વસ્થ છે અને ગુપ્ત રીતે યુદ્ધનું સંચાલન કરી રહ્યા છે

તેહરાન: ઈરાનના રાજકીય આકાશમાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલા રહસ્યના વાદળો આખરે હટ્યા છે. ઈરાની સત્તાવાળાઓએ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેની સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્વસ્થ છે. ફાર્સ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આયાતુલ્લાહ મોહસેન કોમીએ એક આશ્ચર્યજનક ખુલાસો કરતા જણાવ્યું કે, ૨૮ ફેબ્રુઆરીના રોજ થયેલા એ ભયાનક હવાઈ હુમલામાં મોજતબા એ જ ઇમારતમાં હાજર હતા જ્યાં પૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેની સહિત અનેક લોકો શહીદ થયા હતા. અલ્લાહની કૃપાથી, વિસ્ફોટની માત્ર ગણતરીની મિનિટો પહેલા તેઓ ઇમારતના આંગણામાં ગયા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.
આયાતુલ્લાહ કોમીએ મોજતબાના સ્વાસ્થ્ય અંગે ફેલાતી અફવાઓને 'દુશ્મનની ચાલ' ગણાવીને ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે પશ્ચિમી દેશો અને દુશ્મનો ઈરાનને પ્રતિક્રિયા આપવા માટે મજબૂર કરી રહ્યા છે જેથી તેઓ મોજતબાનું લોકેશન જાણી શકે. જોકે મોજતબા જાહેરમાં દેખાતા નથી, પરંતુ તે પડદા પાછળ રહીને વાટાઘાટો અને સૈન્ય કામગીરીનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે. તેમણે વાટાઘાટ ટીમને સ્પષ્ટ સૂચનાઓ પણ આપી છે. ઈરાન અત્યારે તેમના જીવની સુરક્ષાને સૌથી મહત્વનો મુદ્દો માને છે, કારણ કે તેમને શિયા સમુદાય માટે 'ભગવાનનો પુરાવો' અને એક અમૂલ્ય ખજાનો માનવામાં આવે છે.
બીજી તરફ, ન્યૂ યોર્ક ટાઈમ્સ સહિતના આંતરરાષ્ટ્રીય મીડિયામાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ૨૮ ફેબ્રુઆરીના હુમલા બાદ મોજતબા ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના પરિવારના સભ્યોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારથી તેમની સુરક્ષા એટલી કડક કરવામાં આવી છે કે માત્ર મર્યાદિત તબીબી ટીમ જ તેમના સુધી પહોંચી શકે છે. જોકે, ભારતમાં ઈરાનના પ્રતિનિધિ મોહમ્મદ હુસૈન જિયાનિયાએ પણ ખાતરી આપી છે કે નેતાની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે ભલે તેઓ વિડિયો કે ઓડિયો સંદેશ જારી ન કરતા હોય, પરંતુ સત્તા પર તેમનું નિયંત્રણ અકબંધ છે અને તેઓ ઈરાની શાસનનું મજબૂતીથી સંચાલન કરી રહ્યા છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
