તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ભારત-પાકિસ્તાન ફાઇનલમાંથી મોહસીન નકવી આઉટ: એશિયન ગેમ્સની ગોલ્ડ મેડલ મેચમાં પ્રેઝન્ટેશન ડ્રામા ટળ્યો
આઈચી-નાગોયામાં 3 ઓક્ટોબરે મહામુકાબલો: ભૂતકાળના વિવાદો બાદ ACC પ્રમુખ જાપાન નહીં જાય : મેડલ સમારોહ નિર્વિઘ્ને યોજાશે

નાગોયા: એશિયન ગેમ્સ 2026ની પુરુષોની ક્રિકેટ સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી હાઇ-વોલ્ટેજ ગોલ્ડ મેડલ મેચ પહેલા એક મોટો સસ્પેન્સ સમાપ્ત થયો છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવી ફાઇનલના દિવસે જાપાનમાં હાજર રહેશે નહીં, જેના કારણે મેડલ સમારોહ દરમિયાન સર્જાનારી શક્ય વિવાદની સ્થિતિ ટળી ગઈ છે.
એશિયન ક્રિકેટ કાઉન્સિલે તેના સત્તાવાર 'X' એકાઉન્ટ પર સ્પષ્ટતા કરી છે કે અગાઉની નિર્ધારિત પ્રતિબદ્ધતાઓને કારણે મોહસીન નકવી એશિયન ગેમ્સના અંતિમ દિવસે હાજરી આપી શકશે નહીં. નકવીએ એક નિવેદનમાં ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ મેચમાં ભાગ લેનારી ચારેય ટીમોને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે, તેઓ અંગત પ્રતિબદ્ધતાઓને લીધે નાગોયાથી દૂર રહેશે, પરંતુ એશિયન ગેમ્સના આ મુકાબલા જોવા માટે ઉત્સુક છે.
નકવીની હાજરી અંગે અટકળો એટલા માટે વહેતી થઈ હતી કારણ કે ભૂતકાળમાં ભારતીય ટીમો સાથે ટ્રોફી પ્રેઝન્ટેશન વખતે વિવાદો સર્જાયા હતા. પુરુષોના એશિયા કપ 2025માં જીત મેળવ્યા બાદ ભારતીય ટીમે મોહસીન નકવીના હસ્તે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ મહિલા એશિયા કપ 2026 દરમિયાન પણ ભારતીય ટીમે નકવી પાસેથી ટ્રોફી લેવાનો અસ્વીકાર કર્યો હતો. આ ઘટનાઓને કારણે જો નકવી મેડલ સમારોહમાં હાજર રહેત તો ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા અને આયોજકો માટે સ્થિતિ અસ્વસ્થ બનત. હવે તેમની ગેરહાજરી સ્પષ્ટ થતાં આયોજકો માટે રાહતનો શ્વાસ છે.
જાપાનના નિશિન સ્થિત કોરોગી સ્પોર્ટ્સ પાર્ક ખાતે શનિવાર, 3 ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોલ્ડ મેડલ માટે ખરાખરીનો જંગ ખેલાશે. આ મેચ પહેલાં બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો થશે.
ટૂર્નામેન્ટમાં બંને ટીમોએ શાનદાર પ્રદર્શન કર્યું છે. સેમિફાઇનલમાં ભારતે શ્રીલંકાને 124 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું, જ્યારે પાકિસ્તાને વરસાદથી પ્રભાવિત મેચમાં બાંગ્લાદેશને માત આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાંગઝોઉ ખાતે યોજાયેલી છેલ્લી એશિયન ગેમ્સમાં ભારતે પુરુષોની ક્રિકેટ ક્ષેત્રે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો, ત્યારે આ વખતે પણ ભારતીય ટીમ પોતાનું ટાઇટલ જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
