<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

UGC ના વિવાદાસ્પદ નિયમો પર મોહન ભાગવતનું મોટું નિવેદન: "આ માત્ર પ્રસ્તાવ છે, ન તો કાયદો બન્યો છે કે ન બનશે!"

ભીલવાડામાં જૈન સંત આચાર્ય પુલક સાગર મહારાજ સાથેની ચર્ચામાં સંઘ પ્રમુખની ચોખવટ: સુપ્રીમ કોર્ટની રોક અને ભારે વિરોધ વચ્ચે કેન્દ્ર સરકાર પણ નિયમો પર કરશે પુનર્વિચાર

ભીલવાડા :  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના પ્રસ્તાવિત નવા નિયમોને લઈને દેશભરમાં ઘમાસાણ મચેલું છે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે આ મામલે અત્યંત મહત્વપૂર્ણ અને સ્પષ્ટ નિવેદન આપ્યું છે. રાજસ્થાનના ભીલવાડા ખાતે જૈન સંત આચાર્ય પુલક સાગર મહારાજ સાથે યોજાયેલી ૪૦ મિનિટની ખાસ બેઠક દરમિયાન મોહન ભાગવતે આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકવાનો પ્રયાસ કરતા જણાવ્યું હતું કે, આ મુદ્દે દેશભરમાં ખોટો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. આ માત્ર એક પ્રસ્તાવિત ડ્રાફ્ટ છે, તે કાયદો બન્યો નથી અને ભવિષ્યમાં પણ કાયદો બનશે નહીં.

આ ખાસ મુલાકાત દરમિયાન આચાર્ય પુલક સાગર મહારાજે યુજીસીના નવા નિયમોથી ઊભી થયેલી સામાજિક અસંતોષની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જેનો જવાબ આપતા સંઘ પ્રમુખે આ સ્પષ્ટતા કરી હતી. આ બેઠકમાં સામાજિક સંવાદિતા, દેશની વર્તમાન સ્થિતિ અને જાતિવાદ જેવા અતિ સંવેદનશીલ મુદ્દાઓ પર પણ ગહન વિચારમંથન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે યુજીસી દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવિત નિયમો સામે રાજસ્થાન સહિત સમગ્ર દેશના શૈક્ષણિક વર્તુળો અને સંસ્થાઓમાં ભારે વિરોધનો વંટોળ ઊઠ્યો છે.

યુજીસીના આ ડ્રાફ્ટ સામે મુખ્ય આરોપ એ છે કે તેમાં સામાન્ય શ્રેણીના (General Category) વિદ્યાર્થીઓની સુરક્ષા અને ફરિયાદ નિવારણ અંગેની જોગવાઈઓ અત્યંત અસ્પષ્ટ છે. અનેક સંગઠનોએ આશંકા વ્યક્ત કરી છે કે જાતિ ભેદભાવની વ્યાખ્યા અને ફરિયાદ પ્રક્રિયામાં રહેલી ક્ષતિઓને કારણે સામાન્ય વિદ્યાર્થીઓ સામે ખોટી અને પૂર્વગ્રહદૂષિત ફરિયાદો નોંધાઈ શકે છે. આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા અદાલતે પ્રથમ નજરે નિયમોના કેટલાક ભાગોને અસ્પષ્ટ ગણાવીને તેના અમલીકરણ પર કામચલાઉ રોક લગાવી દીધી છે. કોર્ટના આ વલણ અને સંઘ પ્રમુખના નિવેદન બાદ હવે કેન્દ્ર સરકારે પણ આ વિવાદાસ્પદ નિયમો પર પુનર્વિચાર કરવાની તૈયારી દર્શાવી છે.

(7:33 PM IST)