News of Wednesday, 3rd June 2026
મોદી સરકારની મેગા ભેટ: બિહાર, ઓડિશા સહિત ૫ રાજ્યો માટે કરોડોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કેબિનેટની મંજૂરી
દિલ્હી-NCR માં પ્રદૂષણ મુક્તિ માટે જૂના વાહનો બદલવા ₹૯,૫૮૫ કરોડના પેકેજની જાહેરાત : જ્યારે ઓડિશાને નવો કોસ્ટલ હાઇવે અને બિહાર-એમપીમાં નેશનલ હાઇવેના અપગ્રેડેશનથી આર્થિક વિકાસને મળશે નવી પાંખો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં દેશના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણ સુધારણાને લઈને કેટલાક ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે દિલ્હી-એનસીઆર સહિત પાંચ રાજ્યોને મોટી ભેટ આપતા અબજો રૂપિયાના પ્રોજેક્ટ્સને લીલી ઝંડી આપી દીધી છે. આ અંતર્ગત દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે આગામી બે વર્ષ સુધી ચાલનારી ₹૯,૫૮૫ કરોડની ભવ્ય યોજના મંજૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ BS-IV કે તેનાથી જૂની ટ્રક અને બસોને હટાવીને તેના સ્થાને આધુનિક BS-VI અથવા ઇલેક્ટ્રિક વાહનો લાવવા પર ભાર મૂકવામાં આવશે, જેનાથી આશરે ૨.૦૭ લાખ વાહન માલિકોને વ્યાજ સબસિડી, ટેક્સ મુક્તિ અને ઇંધણ વાઉચર્સ જેવા આકર્ષક પ્રોત્સાહનોનો સીધો લાભ મળશે.
બીજી તરફ, પૂર્વીય અને મધ્ય ભારતના કનેક્ટિવિટી નેટવર્કને મજબૂત કરવા માટે બિહાર અને ઓડિશા જેવા રાજ્યોમાં હાઇવે વિસ્તરણના મોટા પ્રસ્તાવો પસાર કરાયા છે. બિહારમાં ખાગરિયા-પૂર્ણિયા સેક્શન પર NH-31 અને NH-231 ના ૧૪૩.૫ કિલોમીટરના માર્ગને ₹૩,૯૩૬ કરોડના ખર્ચે ૪-લેન હાઇવેમાં અપગ્રેડ કરવામાં આવશે, જે ખગરિયા, ભાગલપુર અને કટિહાર જેવા જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિઓ તેજ કરશે. તે જ સમયે, ઓડિશાને એક નવો અદભુત કોસ્ટલ હાઇવે મળવા જઈ રહ્યો છે, જે રામેશ્વરમથી પારાદીપ સુધી ૧૬૩ કિલોમીટર લાંબો હશે. ₹૮,૩૦૦ કરોડના ખર્ચે સાકાર થનારો આ દરિયાકાંઠાનો હાઇવે મુસાફરીનો સમય અઢી કલાક ઘટાડશે અને 'PM ગતિ શક્તિ' અંતર્ગત ૯ આર્થિક અને ૫ લોજિસ્ટિક્સ નોડ્સને જોડીને બંદર-આધારિત ઉદ્યોગોનો કાયાકલ્પ કરશે.
આ મેગા ડેવલપમેન્ટ પ્લાનમાં મધ્યપ્રદેશ અને તેલંગાણાને પણ હાઇવે કનેક્ટિવિટીના મોટા નજરાણા મળ્યા છે. મધ્યપ્રદેશમાં NH-347B ના બે મહત્વપૂર્ણ વિભાગો અંતર્ગત હિવરખેડીથી આશાપુર માર્ગને ૨-લેન અને દેશગાંવ-જુલવાનીયા વિભાગને ૪-લેન રોડમાં રૂપાંતરિત કરવામાં આવશે, જે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તદુપરાંત, તેલંગાણામાં પણ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવા માટે NH-63 અને NH-563 ના આશરે ૧૯૧ કિલોમીટરના રસ્તાઓને ₹૭,૫૯૭ કરોડના ખર્ચે ૪-લેન કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ પૂરા થતાં જ વાહનચાલકોના મુસાફરીના સમયમાં ૪૫ થી ૯૦ મિનિટનો મોટો બચાવ થશે, જે સમગ્ર પ્રદેશના ઝડપી આર્થિક વિકાસ અને પરિવહનને નવી ઉંચાઈઓ પર લઈ જશે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
